
Ahmedabad news: અમદાવાદ શહેરમાં મનપાનું વધુ એક શૌચાલય તોડી પાડવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ નારણપુરામાં પણ આજ પ્રકારે શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું અને હવે શાહપુર વિસ્તારમાં પણ આજ પ્રકારની ઘટના ઘટી છે. જો કે સૌથી આશ્ચર્યની બાબત એ છે કે બંને શૌચાલય તોડી પાડવામાં ભાજપના આગેવાનની સંડોવણી હોવાની ચર્ચા છે.
મનપાના સત્તાધીશોને ખુલ્લો પડકાર આપતા ભાજપના આગેવાનો
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં મનપાએ બનાવેલું શૌચાલય તોડી નાખી તે જગ્યાની પાસે ભજીયાની દુકાન શરૂ થઈ છે. આ ભજીયાની દુકાન ભાજપ શાહપુર વોર્ડ પ્રમુખના સંબંધીની હોવાથી હોવાની ચર્ચા ચર્ચાએ જોર પકડયું છે. શૌચાલય તોડી પડાતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ભજિયાની દુકાન તોડી નાખ્યા બાદ તેને ભાડે પણ આપી દેવાઈ છે. મનપાની મિલકતને અંગત ફાયદા માટે તોડી નાખ્યા બાદ ભાજપના આગેવાનોએ કાયદાના લીરેલીરા ઉડાવી ત્યાં ભજિયાની દુકાન ખોલી તેને ભાડે પણ આપી દીધી છે. જાણે ભાજપના આ નેતાઓ મનપાના સત્તાધીશોને ખુલ્લો પડકાર આપતા હોય તેમ લાગી રહ્યુ છે. થોડા દિવસ અગાઉ નારણપુરામાં પણ આજ પ્રકારે ભાજપના એક આગેવાને ચાની દુકાનને આડે આવતા શૌચાલયને તોડી પાડ્યું હતું.
શૌચાલય કોણે તોડી પાડ્યું વોર્ડ કોર્પોરેટર ખબર જ નથી
શાહપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર રેખાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે શાહપુર વિસ્તારમાં દિલ્હી દરવાજા લીમડા ચોક પાસે એક શૌચાલય આવેલું હતું. શૌચાલયમાં ખૂબ જ ગંદકી થતી હતી અને સ્થાનિક લોકો કરતા અવર-જવર કરતા લોકો ઉપયોગ કરતા હતા. શૌચાલયને ગંદકીના કારણે તેને તોડી પાડવા માટે રજૂઆત આવી હતી. જેને લઈને અમે લેખિતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં જાણ કરી દીધી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નથી. શૌચાલય કોણે તોડી પાડ્યું એ બાબતે મને કોઈ જાણ નથી.