
ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂબંધી છે. તેમ છતાં રાજ્યમાં છાશવારે દારૂના વેચાણથી લઈને, દારૂના નશામાં ધૂત દારૂડિયાઓ નાટક કરતા જોવા મળે છે. જોકે, આ બધું સામાન્ય પ્રજા દ્વારા કરવામાં આવે તો પોલીસ પાઠ ભણાવતી પણ જોવા મળે છે. પરંતુ આ વખતે તો ખુદ ભાજપના નેતા દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. જોકે, હાલ પોલીસે દારૂ અને જુગારની મહેફિલ માણતા કોર્પોરેટરની ધરપકડ કરી લીધી છે.
શું છે ઘટના?
બાવળાના ભાજપ નેતા દીપક ભટ્ટે દારૂ અને જુગારની મહેફિલ માણી રહ્યા હતા. આ વાતની જાણ થતા પોલીસ એક્શનમાં આવી અને નગરપાલિકાના સભ્ય સહિતની 7 લોકોની ધરપકડ કરી છે. હાલ, પોલીસે બાવળા શહેરના પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
13 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
મળતી માહિતી મુજબ, પોલીસને પરસોત્તમ રાઇસ મિલ ખાતે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેને લઈને પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ભાજપ નેતા તેમના મિત્ર અને નગરપાલિકાના સભ્ય સહિતના સાત લોકોને રંગે હાથ ઝડપી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, ધરપકડ દરમિયાન તમામ લોકો લથડાતા હતા, તેથી પોલીસે તમામના ટેસ્ટ કરતા જાણ થઈ કે, આ લોકો દારૂના નશામાં ધૂત હતા.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ, પોલીસે આ મામલે જુગાર અને દારૂનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ખુદ નેતાઓ દ્વારા નિયમોના લીરેલીરાં ઉડતા જોઈ ભાજપની શિસ્તને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે, પાર્ટી તરફથી આ કૃત્યને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.