
Pahalgam attack: મહારાષ્ટ્રમાં હિન્દીને ત્રીજી ભાષા બનાવવાના વિરોધમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક મંચ પર આવવાને લઈને ભાજપે મોટા પ્રહાર કર્યા છે. રાજ્ય મંત્રી આશીષ શેલારે રવિવારે કહ્યું કે, આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓને તેમને ધર્મ પૂછીને નિશાન બનાવ્યા હતા. જ્યારે રાજ્યમાં ભાષાઓના આધાર પર હુમલા કરવામાં આવી રહ્યા છે તે નિરાશાજનક છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હોવાના નાતે ભાજપ મરાઠી લોકોના સન્માનની રક્ષા કરશે અને બિન-મરાઠી લોકોની પણ રક્ષા કરશે.
ભાજપે કહ્યું કે, મરાઠી આપણા માટે કોઈ રાજકીય મુદ્દો નથી. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકર્તા રાજ્યની રાજધાની મુંબઈના ભાયંદર વિસ્તારમાં એક દુકાનદારને માર મારતા જોવા મળી રહ્યા છે, કારણ કે તેમણે કથિત રીતે મરાઠીમાં વાત કરવાની ના પાડી દીધી હતી.
બાદમાં પોલીસે મનસેના 7 સભ્યોને કસ્ટડીમાં લીધા હતા અને તેમણે નોટિસ પકડાવીને છોડી દેવાયા. ભાજપ નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ મરાઠીમાં વાત ન કરવા પર હિન્દુઓને નિશાન બનાવવા પર વાંધો દર્શાવ્યો હતો, જ્યારે તેમના મંત્રીમંડળના સાથી અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકે કહ્યું કે, મરાઠી પર મનસેનો એકાધિકાર નથી.
પહલગામમાં પૂછાયો ધર્મ, હવે અહીં ભાષા...
મનસે કાર્યકર્તાઓ દ્વારા હિન્દી ભાષી લોકો પર કથિત હુમલા અંગે પૂછવા પર શેલારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં લોકોને ગોળી મારતા પહેલા તેમનો ધર્મ પૂછાયો હતો. અહીં લોકો પર તેમની ભાષાના આધાર પર હુમલો કરાઈ રહ્યો છે. આ નિરાશાજનક છે.
મંત્રીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે, રાજ્ય જોઈ રહ્યું છે કે કેવી રીતે આ નેતા અન્ય હિન્દુઓને માર મારવાની ઘટનાની મજા લઈ રહ્યા છે. શનિવારે મુંબઈના વર્લી વિસ્તારમાં સુશીલ કેડિયાના કાર્યાલય પર હુમલો કરવાના આરોપમાં પાંચ મનસે સમર્થકોની ધરપકડ કરી લેવાઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર મરાઠી ન શીખવા અંગે પોસ્ટ કરી હતી, જેના બાદ તેમણે માફી માગી.