Home / Entertainment : Is Kajol an over-rated actress?

Chitralok: શું કાજોલ ઓવર-રેટેડ એક્ટ્રેસ છે?

Chitralok: શું કાજોલ ઓવર-રેટેડ એક્ટ્રેસ છે?

- સિનેમા એક્સપ્રેસ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કબૂલ, આપણને સૌને કાજોલ સ્ક્રીન પર જોવી ગમે છે. કબૂલ, એની અને શાહરૂખની રેકોર્ડબ્રેકિંગ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફિલ્મ જોઈને એક આખી પેઢી રોમાન્સ કરતાં શીખી છે. કબૂલ, કાજોલ પચાસ વર્ષની ઉંમરે પણ બોલિવુડમાં સુપર એક્ટિવ છે, રિલેવન્ટ છે, 'એ'-લિસ્ટમાં સ્થાન પામે છે, પણ તોય એક અણિયાળો સવાલ ઊભો જરૂર થાય છે: શું કાજોલ ઓવર-રેટેડ એક્ટ્રેસ છે?

કાજોલના ચાહકો કહેશે: ના, ના હવે. કાજોલનો અભિનય કેટલો નેચરલ છે, સ્પોન્ટેનિયસ છે. એની આંખો જુઓ - કેટલી એક્સપ્રેસિવ છે. એની સ્ક્રીન પ્રેઝન્સ જુઓ. કાજોલ પડદા પર હોય ત્યારે કોઈની મજાલ છે કે નજર એના પરથી હટાવી શકે? ડીડીએલજે ઉપરાંત 'કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ', 'ગુપ્ત', 'દુશ્મન', 'માય નેમ ઇઝ ખાન'...કેટલી બધી એન્ટરટેનિંગ ફિલ્મો આપી છે એણે. કાજોલ એક તરફ ચુલબુલી રોમેન્ટિક હિરોઇન બની શકે છે, તો બીજી તરફ કોમ્પલેક્સ ફિલ્મો પણ કરી શકે છે.

કાજોલને કડક નજરે જોઈ શકતા વિવેચકો અને સિનેમાપ્રેમીઓ આ સાંભળીને તરત કહેશે: એક મિનિટ, કઈ કોપ્લેક્સ ફિલ્મો? કાજોલ બધી ફિલ્મોમાં લગભગ એકસરખી એક્ટિંગ કરતી આવી છે - લાઉડ, ઓવર-ધ-ટોપ. કાજોલે જેમાં સૂક્ષ્મતા અને ઊંડાણભર્યો, આપણને અભિભૂત કરી નાખે તેવો લેયર્ડ અભિનય કર્યો હોય એવી ફિલ્મો કઈ, કહો તો? માધુરી દીક્ષિત, શ્રીદેવી, તબુ, મનીષા કોઈરાલા, કાજોલની ખુદની કઝિન રાની મુખર્જી... આ બધી ૧૯૯૦ના દાયકાની અભિનેત્રીઓ છે. આ સૌની એક્ટ્રેસ તરીકેની રેન્જ જુઓ. પોતપોતાની કરીઅરમાં એમણે વહેલામોડી કમાલની વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. કાજોલમાં પાસે આવી રેન્જ ક્યાં છે? 

પોતાના પ્રાઇમ ટાઇમમાં શાહરૂખ ખાન, કરણ જોહર અને રોમેન્ટિક કોમેડીના 'સેફ ઝોન'માંથી બહાર આવીને કાજોલે આપણને ચમકાવી દીધા હોય તેવું ભાગ્યે જ બન્યું છે. કમસે કમ, સિનિયર એક્ટ્રેસ બન્યા પછી એ એક્ટ્રેસ તરીકે 'નેક્સ્ટ લેવલ' પર જઈ શકી હોત. એણે 'ત્રિભંગ', 'હેલિકોપ્ટર ઇલા', 'સલામ વેન્કી' અને લેટેસ્ટ 'માં' જેવી પ્રમાણમાં જુદો લહેકો ધરાવતી ફિલ્મો જરૂર કરી, પણ આમાંની એક પણ ફિલ્મ ખાસ તરંગો પેદા ન કરી શકી. ગયા વર્ષે એણે 'દો પત્તી' નામની ઓટીટી ફિલ્મમાં જિંદગીમાં પહેલી વાર હરિયાણવી મહિલા પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો. કદાચ પહેલી વાર કાજોલેને બહુ જૂતાં પડયાં હતાં નબળો અભિનય કરવા માટે. સ્પષ્ટ દેખાતું હતું કે કાજોલે આ રોલ માટે કોઈ પૂર્વતૈયારી કરી નથી, કશી મહેનત કરી નથી. ફિલ્મમાં કાજોલ હોવા છતાં કૃતિ સેનન અભિનયમાં બાજી મારી જાય એ કેવું!       

કાજોલ ખુદ કહે છે, 'હું લોકો કહે છે એટલી બધી સારી અભિનેત્રી છું જ નહીં. સ્ક્રીન પર હું મારું જ એક વર્ઝન પેશ કરતી હોઉં છું... મારો દેખાવ ટિપિકલ હિન્દી ફિલ્મની હિરોઈનો જેવો નથી. તોય જુઓ, આજે ૩૩ વર્ષ પછી પણ હું ફિલ્મો કરી રહી છું. મારે સ્ટ્રેટેજી જેવું ક્યારેય હતું જ નહીં. હું કેવળ ઇન્સટિંક્ટ (અંત:સ્ફૂરણા)ના જોરે ટકી ગઈ છું.'   

કાજોલની 'ખચ્ચર-ખોપડી'

એડવર્ટાઇઝિંગ ફિલ્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, 'કાજોલ વચ્ચે કોઈ પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી અને અમારી ટીમ સાથે એડનું શૂટિંગ કરી રહી હતી. કાજોલે એના સ્વભાવ મુજબ સેટ પર સૌને બહુ હેરાન કર્યા, પણ જેવો કેમેરા ઓન થયો કે એટલું સરસ પર્ફોર્મન્સ આપ્યું કે એક જ ટેકમાં શોટ ઓકે થઈ ગયો. અમારી જ ટીમ પછી કેટરીના કૈફ સાથે બીજી કોઈ એડનું શૂટિંગ કરી રહી હતી. કેટરીના માણસ બહુ સારી, બધા સાથે પ્રેમથી વાત કરે, કોઈ નખરાં નહીં, પણ કેમેરા સામે એક સાદું સ્લોગન બોલવામાં એણે એટલી બધી વાર લગાડી કે વાત ન પૂછો!'  

કાજોલનો સ્વભાવ... આ પાછો એક અલગ જ વિષય છે. કાજોલ વ્યક્તિગત જીવનમાં અતિ લાઉડ વ્યક્તિ છે એ બાબતે કોઈ અસહમતી નથી. એ આજુબાજુના પચ્ચીસ ફૂટના ઘેરાવામાં સૌને સંભળાય એટલા મોટેથી વાતો કરશે, નોનસ્ટોપ બોલશે, જોરજોરથી હસશે, અચાનક ક્રોધે ભરાશે. કદાચ એટલે જ એની સાથે કામ કરનારા કલાકારો-ડિરેક્ટરો કહેતા હોય છે કે કાજોલ એક્ટ્રેસ બહુ સારી, પણ એને મેનર્સની બહુ જરૂર છે!

સાચુંખોટું તો સિનેમાદેવ જાણે, પણ કાજોલ સાથે કામ કરી ચૂકેલા 'હાઇ લેવલ સોર્સીસ' એના સ્વભાવ વિશે જરાય ઊંચો અભિપ્રાય ધરાવતા નથી. એમના કહેવા મુજબ, કાજોલને એન્ગર ઈશ્યુઝ છે, પોતાના ડિરેક્ટરો અને પ્રોડયુસરો સાથે વાત કરતી વખતે પણ એની કમાન છટકી જાય છે ને રાડારાડી કરવા લાગે છે, જુનિયર આર્ટિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ જેવા 'નાના લોકો'ને સેટ પર એણે કેટલીય વાર રોવડાવ્યા છે, વગરે. કાજોલ એક વાત અવારનવાર પોતાના ઇન્ટરવ્યુઝમાં કહેતી રહે છે કે હું તો કાયમ સચ્ચાઈની સાથે ઊભી રહું છું. હું કંઈ મનમાં ન રાખું. જે હોય તે સામેવાળાના મોઢા પર પરખાવી દઉં. કાજોલના ટીકાકારો કહે છે: અરે બહેન, સાચા અને સ્પષ્ટવક્તા હોવું અને ઉદ્ધત હોવું આ બન્ને સાવ જુદી વસ્તુ છે. તમારું વર્તન ઉદ્ધત હોય તો એનો અર્થ એવો ન થાય કે તમે તમારી વાત નીડર થઈને પ્રામાણિકતાપૂર્વક રજૂ કરી રહ્યા છો. 

કાજોલ એક નેપો-કિડ છે, ફિલ્મ પરિવારનું ફરજંદ છે, ને વળી એનો હસબન્ડ અજય દેવગણ પણ ટોપ-સ્ટાર છે, ડિરેક્ટર-પ્રોડયુસર છે, તેથી કાજોલનું આડુંટેઢું વર્તન ચલાવી લેવામાં આવે છે. કાજોલ એક ઇન્ટરવ્યુમાં કહે છે, 'મારી ખચ્ચર-ખોપડી છે, અને તે મને મારી નાની (શોભના સમર્થ) અને મમ્મી (તનુજા) તરફથી વારસામાં મળી છે. એ બન્ને સ્ત્રીઓ બહુ જ જિદ્દી, બન્નેની પર્સનાલિટી બહુ જ સ્ટ્રોંગ.' કાજોલ ખુદ પોતાના ફાટેલા દિમાગ માટે 'ખચ્ચર ખોપડી' જેવો શબ્દપ્રયોગ કરે છે!   

બાકી જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ કાજોલ વધુ ને વધુ સુંદર બનતી જાય છે એ તો સ્વીકારવું પડે. પચ્ચીસ ઉંમરે હતી એના કરતા આજે પચાસ વર્ષની ઉંમરે કાજોલ અનેકગણી વધારે કોન્ફિડન્ટ છે. એણે હમણાં એક જગ્યાએ એણે સરસ કહ્યું હતું, 'આઇ એમ અ માસ્ટરપીસ-ઇન-મેકિંગ!'

તો પછી શું તારણ નીકળ્યું - કાજોલ ઓવર-રેટેડ છે કે નહીં? જો તમારે મન અભિનયકળાનું ઊંડાણ, સૂક્ષ્મતા અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ સૌથી મહત્ત્વનાં હોય તો હા, કાજોલ ઓવર-રેટેડ એક્ટ્રેસ છે. બાકી તમે સ્ટારડમથી, દર્શકોનું મનોરંજન કરી શકવાની ક્ષમતાથી, હીરોલોગ અને ઓડિયન્સ સાથેની કેમેસ્ટ્રીથી, અને જેને તર્કના ત્રાજવામાં તોળી ન શકાય એવા ગમતીલા ને ચામગ વ્યક્તિત્વથી રાજી રહી શકતા હોય તો ના, કાજોલ ઓવર-રેટેડ હિરોઇન નથી. તમારું શું માનવું છે?

- શિશિર રામાવત 

Related News

Icon