
બોલિવુડનાં સૌથી લોકપ્રિય કપલ્સ પૈકીનું એક એટલે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડી'સુઝા. એમણે તુઝે મેરી કસમ (૨૦૦૩)માં તેમના સહિયારા ડેબ્યુથી દર્શકોને મોહિત કર્યા છે. બે દાયકા પછી પડદા ઉપર અને બહાર તેમનો સંબંધ વધુને વધુ મજબૂત બન્યો છે. તાજેતરમાં તેઓ એક વીડિયો પ્રોજેક્ટ 'લેડિસ વિ. જેન્ટલમેન' માટે એકત્ર થયા હતા. મુલાકાત દરમ્યાન આ કપલે નિખાલસતાથી તેમના નવા પ્રોજેક્ટ, ભાવિ ફિલ્મ માટે તેમની અપેક્ષા, વાલી તરીકે તેમના જીવન, ઘરગૃહસ્થી તેમજ કલાકાર તરીકે તેમના પડકારો અને સિદ્ધિઓ અને તેમને સાથે જોડી રાખતા સ્થાયી બોન્ડ વિશે વાત કરી હતી.
ચર્ચાનું કારણ બન્યો સ્પેશિયલ પ્રોજેક્ટ
લેડિસ વિ.જેન્ટલમેન પસંદ કરવા વિશેના કારણમાં રિતેશએ તુરંત જણાવ્યું કે તેમના મતે આ પ્રોજેક્ટ રમૂજી, વિચિત્ર, વિચારપ્રેરક હતો. તેણે ઉમેર્યું કે સૌથી વધુ તો આ પ્રોજેક્ટ એક વિશિષ્ટ પ્રકારનો હતો, એક એવો ઈન્ટરએક્ટિવ શો હતો જ્યાં લોકોને વૈવિધ્યસભર મંતવ્યો સાંભળવા મળ્યા હતા. જેનેલિયા પણ સહમત થઈ અને ઉમેર્યું કે એનાથી તેમને ફરી એક હળવા અને રસપ્રદ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાની તક મળી હતી.
જો કે તેમણે સહિયારા સ્ક્રીન દેખાવથી અવકાશ લીધા પછી હજી કોઈ પૂર્ણ ફીચર ફિલ્મ નથી કરી, પણ યોગ્ય સ્ક્રીપ્ટ મળે તો તેમ કરવાની ખાતરી જરૂર આપી. જેનેલિયાએ ઉષ્માભરી રીતે જણાવ્યું કે હું કાયમ કહેતી આવી છું કે મારા અવકાશ પહેલા મારી પહેલી અને છેલ્લી ફિલ્મ રિતેશ સાથે હતી. આથી હવે અભિનય ક્ષેત્રમાં ફરી તેની સાથે કામ કરવું મારા માટે વિશેષ રહેશે.
લગ્ન અને વાલીપણાની હળવી બાજુ
દેશમુખ જાહેર હસ્તીઓ ભલે હોય, પણ તેમનો રમૂજી અને રમતિયાળ સ્વભાવ તેમના ગૃહસ્થ જીવનનું કેન્દ્રવર્તી પાસુ છે. કપિલ શર્માના શોમાં રિતેશે એક ચાલાકીભર્યો ઘરેલુ નિયમ જાહેર કર્યો, જેનેલિયાને દિવસમાં માત્ર દસ સવાલો કરવાની છૂટ છે. એની વાત પર હસતા જેનેલિયાએ જણાવ્યું કે મારે જે પૂછવું હોય તે પૂછી લઉં છું, જવાબ આપવો કે ન આપવો તેના પર નિર્ભર છે. પછી તુરંત નોંધ કરી, ખુશાલ પત્ની, ખુશાલ જીવન.
બાળકો રિયાન અને રાહીલની વાત આવે ત્યારે કપલ ઉષ્માભર્યા અને વાસ્તવિક ઘરનું ચિત્ર રજૂ કરે છે. જેનેલિયા હસીને કહે છે કે મને નથી લાગતું કે અમારા કલાકાર હોવા વિશે તેમને કોઈ જાણ છે. રિતેશે તેના પુત્ર વિશે એક રમૂજી કિસ્સો સંભળાવ્યો જ્યારે તેણે શૂટીંગ વખતે નૃત્ય કરતા જોયો ત્યારે તેણે કહ્યું પપ્પા, તમે તો કહેતા હતા કે તમે કામ કરવા જાઓ છો, પણ તમે તો નાચી રહ્યો છો.
જ્યારે તેમના બાળકો સેટ પર આવે છે ત્યારે તેઓ તેમના પોતાના માતાપિતાના સ્થાને ઘણીવાર ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર જેવા અન્ય કલાકારોની પ્રશંસા કરે છે. રિતેશે રમૂજ કરી કે બાળકોના મતે બાપ એટલે ઘર કી મુરઘી દાલ બરાબર. પણ રિતેશને તેનો વાંધો નથી, તેના મતે બાળકો પોતાનું બાળપણ માણી રહ્યા છે.
લોકડાઉનમાં બાળઉછેર અને જીવનના સંઘર્ષ
કપલે કોવિડ સાથે જેનેલિયાના ટૂંકા સંઘર્ષ અને આઈસોલેશનના પડકારો વિશે પણ નિખાલસતાથી વાત કરી. જેનેલિયા યાદ કરે છે કે અચાનક એક દિવસ તમને કોવિડ હોવાનું જણાવીને આઈસોલેશનમાં મુકી દેવામાં આવે છે. પણ રિતેશે બાળકોની સારી સંભાળ લીધી અને મારા માતાપિતાએ પણ ઘણી સહાય કરી. જેનેલિયાના મતે લોકડાઉનનો સમય પરિવારને એકત્ર થવામાં કારણભૂત બન્યો. અમે લોકડાઉન દરમ્યાન ખરુ જીવન જીવ્યા. જેનેલિયાને એ સમયે કરેલી લોંગ ડ્રાઈવ તેમજ ગામડાઓમાં વિતાવેલો સમય યાદ છે જેણે એ મુશ્કેલ સમયને સરળ બનાવ્યો હતો.
ગૃહિણી હોવામાં પણ ગૌરવ સમાયેલું છે
ઓનસ્ક્રીન ભૂમિકાઓ ઉપરાંત જેનેલિયા પોતાની ઘરેલુ ફરજો માટે પણ ગર્વ અનુભવે છે. જેનેલિયાના મતે આ કાર્યને મોટાભાગે પૂરતી કદર નથી મળતી. જેનેલિયા કહે છે કે કોઈની પ્રશંસા વિના ઘરે રહીને સાતેય દિવસ ચોવીસ કલાક કામ કરવું પડે છે. જેનેલિયાએ બોલીવૂડની જૂની કહેવત દોહરાવી. - ઘર સંભાળવા કરતા ઘરની બહાર કામ કરવું સહેલું છે - ઘરકામ કરનારી મહિલાઓને ઘણીવાર પૂરતી ઊંઘ પણ નથી મળતી, અને તેમના આ કાર્યની ભાગ્યે જ કદર થાય છે. જેેનલિયાએ વધુમાં સ્પષ્ટતા કરી કે ઘરેલુ કાર્યની ફરજ સ્વીકાર્યા પછી પરિવાર ઉછેર વિશે તેના અભિગમમાં ફેરફાર થયો છે. બહાર કામે જનારા પોતાની પસંદ મુજબનું કામ કરે છે જ્યારે એક હોમમેકર પાસે એવી પસંદ નથી હોતી.
સોશિયલ મીડિયા પોસ્ટ પર જેનેલિયાએ માતૃત્વની ઉજવણી કરતા લખ્યું કે માતા બનતી વખતે તમને અહેસાસ થાય છે કે તમે તમારા પોતાના કરતા અન્યને પ્રાથમિકતા આપો છો.
પરંપરાનું પાલન: જેનેલિયાએ વટ સાવિત્રી પૂજા કરી
તેમની આધુનિક જીવનશૈલી છતાં બંને જણા તેમના મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. આ વર્ષે વટ પૂર્ણિમાના અવસરે જેનેલિયાએ તેના પતિના દીર્ઘાયુ માટે વટ સાવિત્રી વ્રત કર્યું, જે પરંપરામાં પરિણીત મહિલા ઉપવાસ કરે છે અને વટવૃક્ષ ફરતે પવિત્ર દોરા બાંધે છે. પીળી પ્રિન્ટ સાથેની અનારકલીમાં સજ્જ જેનેલિયાએ ભક્તિભાવ સાથે પૂજા કરી અને એક હૃદયસ્પર્શી મેસેજ પોસ્ટ કર્યો, પ્રિય નવરા, હું તને પ્રેમ કરું છું, બસ. રિતેશે પણ જવાબ આપવામાં વિલંબ ન કર્યો, તેણે લખ્યું પ્રિય બાયકો, તને જીવનમાં હાંસલ કરીને ધન્યતા અનુભવું છું. તુ મારો સહારો છે, મારી જીંદગી છે.
આ પ્રેમાળ વાર્તાલાપે તેમના ચાહકોને ઉત્સાહિત કર્યા અને પરંપરા તેમજ એકબીજાનો આદર કરવા બદલ કપલની ભારે પ્રશંસા કરી.
સહકલાકારથી આત્મીયતા
રિતેશ અને જેનેલિયાની કહાની તુઝે મેરી કસમના સેટ પરથી મિત્ર તરીકે શરૂ થઈ જે નિખરીને સમય સામે ટકી શકે એવો પ્રણયમાં પરિવર્તિત થઈ. દાયકાના સહવાસ પછી તેમણે ૨૦૧૨માં લગ્ન કર્યા અને ૨૦૧૪ તેમજ ૨૦૧૬માં રિયાન અને રાહીલને જન્મ આપ્યો. આજે પ્રથમ મુલાકાતના ૨૨થી વધુ વર્ષ પછી તેમની વચ્ચેની કેમિસ્ટ્રી હજી પણ પહેલા જેવી છે.
રિતેશ હાઉસફૂલ-૫ની સફળતા માણી રહ્યો છે જેણે પાંચ જ દિવસમાં દોઢસો કરોડથી વધુ રળી લીધા છે અને સંજય દત્ત તેમજ અભિષેક બચ્ચન સાથે તેની આગામી ઐતિહાસીક એપિક રાજા શિવાજીની તૈયારી કરી રહ્યો છે. આટલી વ્યસ્ત કારકિર્દી છતાં તેઓ પરિવારને પ્રાથમિકતા આપે છે. વ્યાવસાયિક અને વાલી તરીકે તેમના પ્રત્યેક નિર્ણયો પારસ્પરિક આદર, પ્રેમ અને એકબીજા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાના આધારે હોય છે.
રિતેશ અને જેનેલિયા દેશમુખે સાબિત કર્યું છે કે જ્યારે તમારો પાર્ટનર તમારો શ્રેષ્ઠ મિત્ર હોય ત્યારે વ્યવસાય અને પારિવારીક જીવન વચ્ચે સંતુલન જાળવવું શક્ય તો છે પણ સાથે સંતોષકારક પણ છે.