
વિદેશમાં મિલકતો ખરીદીને કરેલા રોકાણ અંગેની વિગતો જાહેર કરી દેવા માટે અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની કરદાતાઓને તક આપવામાં આવી છે. પરંતુ કરદાતાઓ તરફથી સંભવતઃ યોગ્ય પ્રતિભાવ ન મળતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસની સૂચનાથી કરદાતાઓને વિદેશમાં કરેલા રોકાણ અંગેની જાહેરાત કરવાના આદેશ સાથેની નોટિસો આપવામાં આવી રહી છે. લિબરલાઈઝ રેમિટન્સ સ્કીમ હેઠળ રોકાણકાર પતિ-પત્ની હોય તો 2.5 લાખ વત્તા 2.5 લાખ ડોલર મળીને 5 લાખ મોકલી શકે છે. પરંતુ તેનો રીટર્નમાં ઉલ્લેખ ન કરે કે ભૂલી જાય તો તેવા સંજોગોમાં તેમની સામ ફેમાં હેઠળ પગલાં લેવામાં આવી રહ્યા છે.
વિદેશમાં રોકાણ કરનારા કરદાતાઓને અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક
આ જ રીતે હપ્તાથી એટલે કે 20 ટકા રકમ ભરી બાકીની રકમ હપ્તાથી આપવાના કરાર કરનાર ઈન્વેસ્ટર્સને પણ વિદેશમાં રોકાણ કરવા માટે મૂડી ક્યાંથી લાવ્યા તેના ખુલાસાઓ આપવા પડી રહ્યા છે. આ વિગતો રિટર્નમાં ડિક્લેર ન કરનારાઓને 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવી રહ્યો છે. તેથી જ વિદેશમાં રોકાણ કરનારા કરદાતાઓને અપડેટેડ રિટર્ન ફાઈલ કરી દેવાની તક આપવામાં આવી છે. પહેલા વર્ષને અંતે વિદેશી રોકાણની વિગતો જાહેર કરી દેનારને વેરા-વત્તા વ્યાજની મળીને થતી કુલ રકમના 25 ટકા દંડ ભરવાનો નિયમ કરવામાં આવ્યો છે.
બીજા વર્ષને અંતે વેરા-વ્યાજની કુલ રકમના 50 ટકાને ત્રીજા વર્ષે વેરા-વ્યાજની મૂળરકમના 60 ટકા તથા ચોથા વર્ષને અંતે વેરા-વ્યાજની રકમ ઉપરાંત 70 ટકા પેનલ્ટી ભરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ રીતે આવક બતાવવાનું ચૂકી ગયેલા કરદાતાઓને નોટિસ આપવામાં આવી છે. સરકાર ઈચ્છે છે કે ભારતીય નાગરિકે તેમણે વિદેશમાં કરેલા રોકાણની વિગતો જાહેર કરી દે. બીજી તરફ દુબઈમાં રોકાણ કરવું સરળ હોવાથી ઘણાં લોકો દુબઈની મિલકતોમાં રોકાણ કરી રહ્યા છે.
સરકારને આ હકીકતનો અંદાજ આવવા માંડ્યો હોવાથી સરકારે તેના પર ફોકસ કરીને તેમની આવકની વિગતો મેળવવા માટે અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ પૂરો પાડયો છે. અપડેટેડ રીટર્નની મુદત પૂરી થઈ ગયા પછી કરદાતાઓ પર તવાઈ આવવાની સંભાવનાને નકારી શકાય નહીં.
ગુજરાતીઓ પૈસા દુબઈની મિલકતોમાં રોકી રહ્યા છે
વિદેશી ઈન્વેસ્ટમેન્ટના જાણકાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીનું કહેવું છે કે દુબઈમાં 20 ટકા પૈસા ભરી દેનારને મિલકતનો દસ્તાવેજ કરી આપવામાં આવે છે. બાકીની રકમ 1 ટકાના હપ્તાથી વગર વ્યાજે જમા આપવાની છૂટ છે. તેની સામે મૂડી રોકાણને વરસે 8થી 10 ટકા જેટલું ભાડું પણ છૂટી જાય છે. તેથી ભારત અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રોકાણકારો તેમના નાણાં દુબઈની મિલકતોમાં રોકી રહ્યા છે. દુબઈની મિલકતમાં એપ્રિશિયેશન પણ ખાસ્સું મળતું હોવાથી રોકાણકારો તેની તરફ ફંટાયા છે. દુબઈમાં પર્સનલ ઈન્કમટેક્સ ઝીરો છે. ભાડાંની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નથી. કેપિટલ ગેઈન ટેક્સ ઝીરો છે. દુબઈની વૈભવી લાઈફ સ્ટાઈલ લોકોને ગમવા માંડી છે. સવારે દુબઈ જઈને મોડીરાત્રે પરત ફરી શકાય છે. પરિણામે એગ્રેસિવ માર્કેટિંગ કરતાં ઈન્વેસ્ટમેન્ટ એજન્ટ્સ પણ સક્રિય થયા છે. દુબઈમાં જમીનની માલિકી બહુધા સરકારની હોવાથી જમીનના સોદા કર્યા પછી ઓછામાં ઓછા વિખવાદો થાય છે.