
કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે નવા ઈનકમ ટેક્સ બિલને મંજૂરી આપી દીધી. આ બિલ છ દાયકા જૂના આઈટી એક્ટનું સ્થાન લેશે. નવું બિલ ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા તે તમામ સુધારા અને ધારાઓથી મુક્ત હશે જે હવે પ્રાસંગિક નથી. સાથે જ ભાષા એવી હશે કે લોકો તેને ટેક્સ એક્સપર્ટની મદદ વિના સમજી શકે. આ બિલમાં જોગવાઈ અને સ્પષ્ટીકરણ કે અઘરા વાક્ય હશે નહીં. તેનાથી કેસ ઘટાડવામાં પણ મદદ મળશે અને આ રીતે વિવાદિત ટેક્સ ડિમાન્ડમાં ઘટાડો થશે.
હવે સંસદમાં રજૂ થશે
સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નવા બિલને મંજૂરી આપી દીધી છે. હવે નવું બિલ આગામી અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે અને તેને સંસદની નાણાકીય સંબંધિત સ્થાયી સમિતિની પાસે મોકલવામાં આવશે. સંસદના વર્તમાન બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીએ ખતમ થઈ રહ્યો છે. સત્ર 10 માર્ચે ફરી શરૂ થશે અને ચાર એપ્રિલ સુધી ચાલશે.
શા માટે નવા બિલની જરૂર પડી?
ઈનકમ ટેક્સ લો લગભગ 60 વર્ષ પહેલા 1961માં બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી સમાજમાં લોકોના રૂપિયા કમાવવાની રીત અને કંપનીઓના વેપાર કરવાની રીતમાં ઘણા ફેરફાર થયા છે. સમયની સાથે ઈનકમ ટેક્સ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા. દેશના સામાજિક-આર્થિક રીતમાં ટેકનોલોજીની પ્રગતિ અને ફેરફારોને જોતાં, જૂના ઈનકમ ટેક્સને સંપૂર્ણપણે બદલવાની સખત જરૂર છે.
ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર થશે?
નવું બિલ લાગુ કરવાનો હેતુ ભાષા અને પાલન પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. કહેવાનો અર્થ એ છે કે નવા કાયદામાં ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારની શક્યતા નથી કેમ કે આ સામાન્યરીતે નાણાકીય એક્ટના માધ્યમથી કરવામાં આવે છે. વર્ષ 2010માં 'ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ, 2010' સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આને તપાસ માટે સ્થાયી સમિતિની પાસે મોકલવામાં આવ્યું હતું. જોકે, 2014માં સરકાર બદલવાના કારણે બિલ રદ થઈ ગયું.
નવા બિલમાં શું ખાસ હોઈ શકે?
સરળ ભાષા અને ઓછી જટિલતા: નવા બિલનો મુસદ્દો કરદાતાઓની સુવિધા માટે સરળ ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે જેથી તેઓ તેને સરળતાથી સમજી શકે અને પાલન સરળ બનાવી શકે.
નવો રહેઠાણ નિયમ: આ બિલમાં રહેઠાણના નિયમો સ્પષ્ટ થવાની અપેક્ષા છે, જેનાથી ભારતમાં કરદાતા કોણ હશે તે નક્કી કરવાનું સરળ બનશે.
મુકદ્દમામાં ઘટાડો: સરકાર માને છે કે નવા કાયદાથી કરવેરા સંબંધિત વિવાદો ઘટશે, જેનાથી કરદાતાઓને રાહત મળશે.
કરવેરા નિયમોને સરળ બનાવવા: નવા બિલનો હેતુ કરદાતાઓ અને આવકવેરા અધિકારીઓ માટે કર કાયદાના પાલનને સરળ બનાવવાનો છે.