
Sensex High: એશિયાઇ શેરબજારોમાં તેજીના વલણની વચ્ચે ઘરેલુ શેરબજાર પાંચ માર્ચે પોઝિટિવ સંકેતોની સાથે ખૂલ્યા હતાં. ઈન્ડેક્સમાં ભારે વેઈટેજ ધરાવતા આઈટી શેરોમાં થયેલા વધારાએ પણ બજારને ઉંચુ ખેંચ્યું છે. યુએસ કોમર્સ મિનિસ્ટરે કેનેડા અને મેક્સિકો ટેરિફ પર થોડી રાહત આપવાના સંકેત આપ્યા છે. આની સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી છે.
આજે એટલે કે બુધવારે સતત 10 દિવસના ઘટાડા બાદ શેરબજારમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. આજના ટ્રેડિંગમાં, નિફ્ટી અને સેન્સેક્સ બંને સૂચકાંકોમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જેણે રોકાણકારોને નાની રાહત આપી છે.આજે નિફ્ટી 254.65 પોઈન્ટ અથવા 1.15%ના વધારા સાથે 22,337.30 પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 740.30 પોઈન્ટ અથવા 1.01%ના વધારા સાથે 73,730.23 પર બંધ થયો.એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી 50 પણ ઉછાળા સાથે ખુલ્યો હતો. બપોરે 1:20 વાગ્યે, નિફ્ટી 271.65 પોઇન્ટ અથવા 1.23%ના વધારા સાથે 22,354.30 પર ટ્રેડ કરી રહ્યો હતો.
બ્રોડર માર્કેટે પણ રાહતનો શ્વાસ લીધો
આજે બ્રોડ માર્કેટમાં પણ ગ્રોથ જોવા મળ્યો હતો. નિફ્ટી સ્મૉલકેપ 100 ઈન્ડેક્સ 2.96 ટકાના વધારા સાથે બંધ થયો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ પણ 2.42 ટકાના વધારા સાથે પોઝિટિવ ઝોનમાં બંધ રહ્યો હતો.
બુધવારે શેરબજારમાં ઉછાળાનું કારણ?
નીચલા સ્તરે પર લેવાલી નીકળતા આજે શેરબજારો સુધારા સાથે બંધ થયા હતાં. એશિયાઇ બજારોમાં તેજીથી ઘરેલું બજારો પર પોઝિટીવ અસર પડી હતી. આ ઉપરાંત ઈન્ડેક્સમાં ભારે વેઈટેજ ધરાવતા આઈટી શેરોમાં થયેલા વધારાએ પણ બજારને ખેંચી લીધું છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ભારતીય બજારોમાં પુનઃપ્રાપ્તિ મોટાભાગે ઘણા દિવસોના ઘટાડા પછી કુદરતી પુનઃપ્રાપ્તિને આભારી છે.
નિફ્ટી 50ના 50માંથી 46 શેરો આજે ઉછાળા સાથે બંધ થયા છે. અદાણી પોર્ટ્સ ટોપ ગેઇનર હતો. તેમાં 5%નો વધારો થયો છે. ટાટા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને પાવર ગ્રીડ કોર્પોરેશન 5.15 ટકા સુધીના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે.
બીજી તરફ બજાજ ફાઇનાન્સ, ઇન્ડિયન બેન્ક, એચડીએફસી બેન્ક અને શ્રીરામ ફાઇનાન્સ 3.37 ટકા સુધી ઘટીને બંધ થયા છે. નિફ્ટી 50માં સમાવિષ્ટ કંપનીઓમાંથી માત્ર 5ના શેરમાં ઘટાડો નોંધાયો છે. આમાં સૌથી વધુ નુકસાન બજાજ ફાઈનાન્સના શેરને થયું છે, જે 3.35% ઘટીને 8,299ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ઈન્ડસઈન્ડ બેંકના શેર 1.60% ઘટીને 971.85ના સ્તરે બંધ થયા હતા.એચડીએફસી બેંકના શેરમાં 1.17%ની નરમાઈ નોંધાઈ હતી અને 1,690ના સ્તરે બંધ થયો, જ્યારે શ્રીરામ ફાઈનાન્સનો શેર 0.26%ના ઘટાડા સાથે 631.30ના સ્તરે બંધ થયો. આ સિવાય ગ્રાસિમ ઈન્ડ્સ 0.13%ના મામૂલી ઘટાડા સાથે 2,392ના સ્તર પર બંધ થયા છે
શેરબજારમાં માર્કેટ કેપમાં આઠ લાખ કરોડનો વધારો
બજારમાં આજે તેજીના કારણે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આઠ લાખ કરોડથી વધુનું માર્કેટ કેપ નોંધાયું હતું. આથી તે વધીને રૂ. 392 લાખ કરોડ થયું છે. બ્લુ ચિપ શેરોમાં ઉછાળાને કારણે આ ઉછાળો નોંધાયો છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપમાં પણ મહત્વની ભૂમિકા રહી છે.
તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં વધારો
સેક્ટરલ ઈન્ડાઈસિસ પર નજર કરીએ તો આજે તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. આમાં નિફ્ટી મેટલ ઈન્ડેક્સે સૌથી વધુ વધારો નોંધાવ્યો છે. નિફ્ટી મેટલ 4.04ના વધારા સાથે 8,685ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી ઓટો 2.60% મજબૂત થઈને 20,797ના સ્તર પર બંધ થયો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.13%ના ઉછાળા સાથે 38,072ના સ્તર પર બંધ થયો. નિફ્ટી એફએમસીજી 1.49% ના વધારા સાથે 51,279 ના સ્તર પર અને બેન્ક નિફ્ટી 0.51% ના વધારા સાથે 48,490 ના સ્તર પર બંધ થયા છે.
મંગળવારે બજાર કેવું હતું?
આ પહેલા મંગળવારે બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 96.01 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 72,989.93 પર બંધ થયો. નિફ્ટી 36.65 પોઈન્ટ અથવા 0.17% ઘટીને 22,082 પર બંધ થયો.
અમેરિકન બજારોમાં ઘટાડો
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના સૌથી મોટા વેપાર ભાગીદારો પર ટેરીફ લગાવવાના નિર્ણય પર કંપનીઓ અને રોકાણકારોની પ્રતિક્રિયાના કારણે વોલ સ્ટ્રીટ પર શેરોમાં ફરીથઈ ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે S&P 500 0.7 ટકા, નાસ્ડેક 0.6 ટકા અને ડાઉ 423 પોઇન્ટ અથવા 1 ટકા ઘટ્યો હતો.
યુએસ, ચીન, કેનેડા અને મેક્સિકો વચ્ચે વધી રહેલા વેપાર યુદ્ધને કારણે યુએસ શેરોમાં તાજેતરનો ઘટાડો વધુ તીવ્ર બન્યો છે. આ ઘટાડો શરૂઆતમાં અર્થતંત્રમાં નબળાઈના સંકેતોને કારણે હતો.