
ટોરેન્ટ ગ્રૂપની મુખ્ય કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 17 ટકા વધ્યો છે. આ ઉપરાંત કંપનીની આવકમાં પણ 9 ટકાનો વધારો થયો છે.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ટોરેન્ટ ફાર્માની આવક નવ ટકા વધીને રૂ. 2889 કરોડ થઇ છે. ઓપરેટિંગ એબિટા 14 ટકા વધીને રૂ. 939 કરોડ થયો છે.
રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, નાણાકીય વર્ષ 2025ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માનો ચોખ્ખો નફો રૂ. 453 કરોડ હતો. સ્થાનિક બજારમાં સારા વેચાણને કારણે કંપનીનો નફો વધ્યો છે. ગયા નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 386 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન આવક વધીને રૂ. 2,889 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 2,660 કરોડ હતી.
શુક્રવારે ટોરેન્ટ ફાર્માના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો
તમને જણાવી દઈએ કે, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બ્રાઝિલ, જર્મની અને અમેરિકા જેવા વિદેશી બજારોમાં પણ સારું વેચાણ નોંધાવ્યું છે. શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.