
ઉનાળું વેકેશન શરૂ થતાંની સાથે જ બાળકોને રમવા માટે ઘર બહાર નીકળતાં હોય છે. ત્યારે સુરતના સરથાણાના સીમાડા ખાતે આવેલા બ્લુસીટી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બાળકો નીચે રમી રહ્યાં હતાં. તે દરમિયાન પાંચમાં માળેથી સિલિંગની પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે પડ્યો હતો. જે રમી રહેલા ધોરણ-6ના વિદ્યાર્થીના માથા ઉપર પર પડતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 11 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે તેનું મોત થયું હતું.
પોપડો માથાના ભાગે પડ્યો હતો
સરથાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલા બ્લુસીટી એપાર્ટમેન્ટમાં 12 વર્ષીય મંત્ર કેતનભાઇ અકબરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતાનો 12 વર્ષીય પુત્ર મંત્ર એકનો એક દીકરો હતો. પિતા કેતનભાઇ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દરમિયાન મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો.ગત 11 એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો. દરમિયાન એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પાડતા બાળક ત્યાં જ ઢળી પડ્યો હતો.
પરિવારમાં શોકનો માહોલ
ઘટનાના પગલે મંત્રના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.માથામાં ગંભીર ઇજાના પગલે બે-બે હોસ્પિટલ લઈને એકના એક પુત્રને લઈને પરિવાર ફર્યો હતો. જો કે, આજે 11 દિવસની સારવાર બાદ મંત્રએ મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો. અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે.