Home / Entertainment : Jackpot for ex-wife Karishma, silence for widowed wife Priya

Chitralok : એક્સ વાઇફ કરિશ્માના ભાગે જેકપોટ, વિધવા પત્ની પ્રિયાના ભાગે નિ:સાસા

Chitralok : એક્સ વાઇફ કરિશ્માના ભાગે જેકપોટ, વિધવા પત્ની પ્રિયાના ભાગે નિ:સાસા

- અબજપતિ સંજય કપૂરની વસિયતે સેલિબ્રિટીઓના ચળકાટભર્યા વિશ્વમાં આંચકો સર્જ્યો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અબજપતિ ઉદ્યોગપતિ સંજય કપૂરના અચાનક અને વિચિત્ર સંજોગોમાં અવસાન થયું. 

સંજય કપૂર પોલો કાર્યક્રમ માણી રહ્યો હતો ત્યારે તેના ગળામાં એક મધમાખી પેસી ગઈ, જેના કારણે તીવ્ર શ્વસન તકલીફ થતા હૃદય રોગનો હુમલો આવ્યો. તાત્કાલિક મેડિકલ સહાય આપવામાં આવી હોવા છતાં  તેમને બચાવી ન શકાયા. મૃત્યુના થોડા અઠવાડિયા અગાઉ જ સંજયે પુત્રી સમાયરાનો ૧૮મો જન્મદિવસ ઉજવ્યો હતો, જે પળ હવે પરિવાર માટે કડવીમીઠી યાદ બની ગઈ.

સંજય કપૂરનું વ્યાપાર સામ્રાજ્ય રૂ. ૪૦૦ કરોડથી વધીને રૂ. ૯,૮૦૦ કરોડ  (લગભગ ૧.૧૮ અબજ ડોલર) જેટલું વધી ગયું હતું. પણ તેમનું મોત દુ:ખદ હોવા ઉપરાંત અસામાન્ય પણ હતું. સંજય કપૂરની વસીયતમાં કરિશ્મા કપૂર સાથેના તેના પ્રથમ પરિવારને પ્રાથમિકતા અપાઈ હતી જ્યારે તેની વર્તમાન પત્ની પ્રિયા સચદેવ અને તેના યુવા પુત્રને પ્રમાણમાં અલ્પ હિસ્સો મળ્યો.

સામ્રાજ્ય પાછળની વ્યક્તિ

સંજય કપૂર તેની ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂરની જેમ ક્યારેય પણ મુખ્ય પ્રવાહનો સેલિબ્રિટી નહોતો,પણ તેણે પોતાની વેપારી કુનેહ દ્વારા આર્થિક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. વિચક્ષણ વેપારી બુદ્ધિ અને વિસ્તરતા સામ્રાજ્ય માટે જાણીતા કપૂરની કંપનીએ ચૂપકીદીથી ગતિ પકડી અને આખરે તેની સંપત્તિમાં ભારે ઉછાળ આવતા તે વિશ્વના સૌથી અમીરો પૈકી એક બની ગયો. ૨૦૦૩માં કરિશ્મા સાથે તેના લગ્ન બોલીવૂડની ભવ્ય પરીકથા સમાન હતા પણ આખરે તેમાં ખારાશ આવી. કપલને બે બાળકો હતા સમાયરા અને કિયાન પણ ૨૦૧૬માં તેમના છૂટાછેડામાં મિલકત તેમજ અંગત વિખવાદને કારણે કડવાશ સર્જાઈ. છતાં સંજયે કરિશ્મા અને બાળકો માટે ટ્રસ્ટ તેમજ માસિક વળતર નિર્ધારીત કરીને તેમની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી. પ્રિયા સચદેવ જેનાથી તેને વધુ એક બાળક થયું, તેની સાથનો સંબંધ ગોપનીય રહ્યો હોવા છતાં તેના અંગત જીવનમાં તેનું મહત્વ ઓછું નહોતું.

વિલે પરિવારનું વિભાજન કર્યું

વિલ જ્યારે વાંચવામાં આવ્યું ત્યારે બહુ ઓછા લોકો તેમાં સમાવિષ્ટ નિર્ણયો માટે તૈયાર હતા. કપૂરની રૂ. ૯,૮૦૦ કરોડની મિલકતમાં મોકાના રિયલ એસ્ટેટ,મુંબઈ અને લંડનમાં વૈભવી ઘરો, મોટા ઉદ્યોગોમાં હિસ્સો અને રોકડ મિલકતો સામેલ હતી. તેમની સંપત્તિની વ્યાપકતાએ અનેકને આશ્ચર્યચકિત કર્યા પણ તેના વિતરણે વધુ ઝંઝાવાત સર્જ્યો.

મુંબઈમાં સંજયના પાંચ ભવ્ય બંગલામાંથી ચાર કરિશ્માના બાળકોને અપાયા હતા. સમાયરા અને કિયાન બંને માટે એક બંગલો નક્કી કરાયો હતો જો કે કિયાનની માલિકી તે પુખ્ત થાય ત્યારે જ અમલમાં આવશે. લંડનમાં બે વધુ પ્રીમિયમ બંગલા કરિશ્માના નામે ટ્રાન્સફર કરાતા અનેકના ભવા તણાયા હતા અને મીડિયા તેમજ જાહેર જનતાને તેમાં રસ પડયો હતો.

કરિશ્માના બાળકોને પણ વિશાળ નાણાંકીય ટ્રસ્ટ વારસામાં મળતા તેમને આજીવન સુરક્ષા મળી શકી. દરમ્યાન સંજયની વિધવા પ્રિયા સચદેવ અને તેના સૌથી નાનકડા પુત્રની માતાને સરખામણીએ બહુ ઓછું મળ્યું. તેના પુત્રને મિલકતમાં વારસો તો મળ્યો પણ અપ્રમાણસર ફાળવણીને કારણે વ્યાપક અટકળો ફેલાઈ. પ્રિયાએ કોઈ જાહેર નિવેદન ન કર્યું હોવા છતાં તે હૃદયભગ્ન અને આઘાતમાં હોવાની માન્યતા છે.

કરિશ્મા કપૂર: વેદના અને વેલ્થ

કરિશ્મા કપૂર માટે વિલની વિગતોની જાહેરાતે તેના ખૂશી અને આલોચના બંનેનું કારણ બની. ઓનલાઈન પર તો વિશિષ્ટ પ્રતિસાદ આવવા લાગ્યા કે કરિશ્માનું નસીબ ફરી ગયું, તેને જેકપોટ લાગ્યો. છતાં આ હેડલાઈન પાછળ એક ગૂંચવણભરી ભાવનાત્મક વાસ્તવિકતા છુપાયેલી છે. અહેવાલો મુજબ સંજયના મોતની કરિશ્મા પર ગાઢ અસર પડી, ખાસ કરીને તેના બાળકો માટે જેઓએ હવે તેમનું જીવન પિતાની મિલકત સાથે પણ તેમની છત્રછાયા વિના વિતાવવું પડશે. તેણે કાયમ છૂટાછેડા પછી સન્માનજનક ચૂપકીદી સેવી હતી અને આ જ પથ અપનાવશે તેવી અપેક્ષા સાથે બાળકોની સુખાકારી પ્રત્યે ધ્યાન આપશે.

સંપતિએ બાળકોનું ભાવિ તો સુનિશ્ચિત કર્યું પણ કરિશ્માની જવાબદારી વધારી નાખી. તેણે હવે બાળકોના ભવિષ્ય સાથે સંકળાયેલા ભાવનાત્મક આઘાત ઉપરાંત કાનૂની, નાણાંકીય અને લોજિસ્ટિક ગૂંચવણો પણ ઉકેલવી પડશે. બંગલાઓ, ટ્રસ્ટ અને વિદેશની સંપતિઓ મિલકતો કરતા ઘણુ વિશેષ છે, તે તેના જટિલ ભૂતકાળની યાદો પણ છે.

પ્રિયાની મૂક વેદના

એક તીવ્ર વિરોધાભાસ તરીકે પ્રિયા સચદેવ આ સમગ્ર ડ્રામામાં મૂક પીડિતા તરીકે ઊભરી આવી છે. અવસાન સમયે સંજયની પત્ની તરીકે તેમજ તેના સૌથી નાના પુત્રની માતા તરીકે તે મુખ્ય લાભાર્થી હોવાની અપેક્ષા રાખવામાં આવી હતી. જો કે વાસ્તવિક વિસંગતીએ તીવ્ર પ્રત્યાઘાત સર્જ્યા છે. શું સંજય પ્રથમ પરિવાર તરફ પક્ષપાતી હતો? શું આ તેનો વ્યવહારુ નિર્ણય હતો કે પછી અધૂરી ભાવનાઓએ પોતાનું કામ કર્યું ? પ્રિયા અને તેના બાળકનું ભાવિ હવે નાજૂક સ્થિતિમાં છે. સંભવિત કાનૂની કાર્યવાહી અને પારિવારીક વિવાદનો ગણગણાટ શરૂ થઈ ગયો છે તેમજ સ્થિતિ વધુ ગૂંચવણભરી થઈ શકે. જાહેર સહાનુભૂતિ તેની તરફેણમાં છે.  લોકો કપૂરના નિર્ણયોની કાનૂની નહિ તો નૈતિકતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

ઝંઝાવતનું કેન્દ્ર બાળકો છે

૧૮ વર્ષની સમાયરા પુખ્તવય અને વિશાળ વારસાના ત્રિભેટે ઊભી છે જ્યારે તેના નાના ભાઈ કિયાને પોતાના હિસ્સા માટે રાહ જોવી પડશે. બંને માટે આ નવી મિલકત મિશ્રિત આશીર્વાદ સમી છે, જે તેમને આર્થિક રીતે તો સુરક્ષિત કરશે પણ જાહેર ધ્યાનથી તેમની કિશોરવય, કાનૂની દેખભાળ અને ભાવનાત્મક આઘાતમાં વધુ ગૂંચવણો લાવશે.

પ્રિયાનું સંતાન બાળક હોવા છતાં પક્ષપાત અને જાહેર ચર્ચાના વિવાદો વચ્ચે ઉછરશે અને ભવિષ્યમાં આ વિભાજીત પરિવારમાં સંભવિત તણાવો સર્જશે.

જાહેર ચકાસણી અને ભાવિ કાનૂની સંઘર્ષ

સમગ્ર દેશનું ધ્યાન આ ઘટના પ્રત્યે દોરાયું છે.  કેટલાક સંજયની દૂરંદેશી તેમજ પ્રથમ બાળકો પ્રત્યે પૈતૃક લાગણીને બિરદાવી રહ્યા છે તો કેટલાક પ્રિયા અને તેના બાળક પ્રત્યે પક્ષપાત અને ભાવનાત્મક તણાવ સર્જાયાની ટીકા કરી રહ્યા છે.કાનૂની નિષ્ણાંતો વિલને પડકારાશે કે કેમ તેના વિશે ચર્ચા કરી રહ્યા છે.

સંપતિ, ઝખમો અને આશ્ચર્યમાં વણાયેલી વિરાસત

સંજય કપૂરની વાર્તા હવે માત્ર વ્યાવસાયિક સફળતા પૂરતી સીમિત નથી રહી. તે હાંસલ કરેલા અને પછી ખોવાયેલા પ્રેમ, વિશ્વાસની ચકાસણી અને કાનૂની કાર્યવાહીની કથની બની ગઈ છે. તેની રૂ. ૯,૮૦૦ કરોડની મિલકત હવે વિભાજીત પરિવારના હાથોમાં છે, તેના બાળકોએ હવે સતત જાહેર ચર્ચા વચ્ચે ઉછરવું પડશે, તેની ભૂતપૂર્વ પત્ની ફરી સ્પોટલાઈટમાં આવી ગઈ અને વિધવાએ પીડા અને ખોવાયેલી અપેક્ષા સાથે જીવવું પડશે.

હવે જ્યારે ઉહાપોહ શાંત થશે ત્યારે કપૂરની સંપતિ તેના મૂલ્ય માટે નહિ પણ તેને આકાર આપનારી પસંદગી માટે ચર્ચામાં રહેશે, લોકોને અહેસાસ થશે કે સમૃદ્ધિ કાયમ સ્પષ્ટતા, સામંજસ્ય અને સમાપન ખરીદી નથી શકતી.

તો હવે શું પ્રિયા વિલને પડકારશે? કરિશ્મા મધ્યસ્થી કરશે? સંજયના બાળકો એકત્ર થશે કે વધુ વિખુટા પડશે? આ રોમાંચંક વાસ્તવિક ડ્રામા જારી રહેશે તેમ એક વાત તો નક્કી છે કે સંજય કપૂરના અંતિમ કાર્યએ પૈસા કરતા ઘણુ વધુ પાછળ છોડયું છે. તે એવા સવાલ છોડીને ગયો છે જેનો જવાબ અબજો પણ નહિ આપી શકે. 

Related News

Icon