Home / Gujarat / Bharuch : Two friends met with an accident while going to college in Ankleshwar

Bharuch News: અંકલેશ્વરમાં કોલેજ જતાં બે મિત્રોને નડ્યો અકસ્માત, અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં બન્નેના મોત

Bharuch News: અંકલેશ્વરમાં કોલેજ જતાં બે મિત્રોને નડ્યો અકસ્માત, અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં બન્નેના મોત

ભરુચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી નજીક કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો. મોપેડ ઉપર કોલેજ જઈ રહેલા દઢાલ ગામના બે આશાસ્પદ યુવાનોને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતા બંન્ને યુવાનોના મોત નિપજ્યા હતાં. વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ જતા પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અકસ્માત બાદ વાહનચાલક ફરાર

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હાઇવે પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂરઝડપે જઈ રહેલા અજાણ્યા વાહનચાલકે મોપેડને ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અન્ય ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું પણ મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ  શરૂ કરી હતી.

યુવકો કોલેજ જતા હતા

અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર બંન્ને યુવાનો અંકલેશ્વરના દઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું બહાર આવ્યું છે. બન્ને યુવાનો કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતમાં એક જ ગામના બે યુવાનોના મોત નિપજતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે બ્રિજ નીચે જ અકસ્માતની આ ઘટના બની હતી. પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

Icon