Home / Gujarat / Rajkot : Finally the mystery of the suicide of a female doctor has been solved, 4 accused of the Vandari gang are in custody

Rajkot news: આખરે મહિલા ડૉકટરે કરેલા આપઘાતનો ભેદ ઉકેલાયો, વાંદરી ગેંગના 4 આરોપી સકંજામાં

Rajkot news: આખરે મહિલા ડૉકટરે કરેલા આપઘાતનો ભેદ ઉકેલાયો, વાંદરી ગેંગના 4 આરોપી સકંજામાં

Rajkot News: રાજકોટની બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરે દવાનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી હતી.  આખરે આ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસે સમગ્ર મામલે 'વાંદરી ગેંગ'ના ચાર સભ્યોની ધરપકડ કરી છે. જ્યારે ફરાર ત્રણ મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ડૉક્ટર દંપતી સસ્તા સોનાના દાગીનાની લાલચમાં છેતરાયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સસ્તા સોનાના દાગીનાની લાલચમાં છેતરાયા
રાજકોટના રોણકી 80 ફૂટ રોડ પર આસ્થા સાંગ્રીલામાં રહેતા અને ઘર નજીક ક્લિનિક ધરાવતા ડૉ. ધવલ પ્રવીણભાઈ મોલિયા (ઉં.વ. 28) અને RMC ચોકમાં બાલાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી તેમની પત્ની ડૉ. એન્જલ ગત તા. 19ના રોજ સસ્તા સોનાના દાગીનાની લાલચમાં રૂપિયા 5 લાખ ગુમાવ્યા હતા. આ ઘટનાના બે દિવસ બાદ ડો. એન્જલે પોતે જ્યાં ફરજ બજાવતી હતી તે હોસ્પિટલમાં એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ લીધો હતો. જેને કારણે ગત તા. 24ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અને ચોંકાવનારી ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસે તબીબ દંપતી સાથે છેતરપિંડી કરનાર મહિલા સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ આ ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી લીધા હતા.

આ કારણથી ડૉ. એન્જલે અંતિમ પગલું ભર્યું 
એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ કરી હતી. તપાસ કરનાર PSI વડનગરાએ જણાવ્યું કે, પરિવારજનોએ ડૉ. એન્જલે છેતરપિંડીનો ભોગ બનતાં આ પગલું ભર્યું હતું તેવું સામે આવ્યું છે. વધુમાં પરિવારજનોએ કહ્યું કે, પોતાના પગારના અને પતિની કમાણીના પૈસા જતાં રહેતા ગમગીન બની ગયા હતા, જેને કારણે આખરે આ અંતિમ પગલું ભરી લીધું હતું.

'સોનાના દાગીના જોઈતા હોય તો આવીને જોઈ જજો..'
ગઈકાલે રાત્રે તેના પતિ ડૉ. ધવલે ગાંધીગ્રામ પોલીસમાં સસ્તા સોનાના દાગીનાના નામે તેમની સાથે રૂપિયા 5 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા. 15ના રોજ રમેશ નામનો દર્દી તેમની પાસે આવ્યો હતો. તેણે તાવ અને કમરના દુખાવાની ફરિયાદ કરતાં દવા આપી હતી. વાતચીત દરમિયાન તેણે એક ચાંદીનો સિક્કો બતાવી કહ્યું કે, "અમે ગોંડલ ચોકડી પાસે સાઇટ પર રહીએ છીએ, ખોદકામ કરતી વખતે અમને આ ચાંદીનો સિક્કો અને અન્ય સોનાના દાગીના મળ્યા છે. તમારે સોનાના દાગીના જોઈતા હોય તો આવીને જોઈ જજો."

પહેલા અસલી સોનું આપ્યું પછી નકલી પધરાવ્યું
બીજા દિવસે સવારે ફોન કરી સિવિલ હોસ્પિટલ ખાતે દાગીના જોવા ગયા હતા. જ્યાં રમેશ નામના દર્દી ઉપરાંત એક મહિલા અને એક શખ્સે પીળી ધાતુના દાગીના બતાવ્યા હતા. જેનું વજન એકાદ કિલો હોવાનું કહ્યું હતું. તેમણે સોની વેપારીને દાગીના બતાવવાની ઈચ્છા દર્શાવતાં તેને એક કટકો આપ્યો હતો. જે ચેક કરાવતાં 18 કેરેટનું સોનું હોવાનો અભિપ્રાય આવ્યો હતો. બાદમાં ઘરે જઈ પત્ની ડૉ. એન્જલને આ વાત કરી હતી. સાથોસાથ દાગીના લેવાનું પણ નક્કી કર્યું હતું.

દર્દી બની ડૉક્ટરને ફસાવ્યા
ગત તા. 17ના રોજ રમેશ નામના દર્દીને ફોન કરી રૂ.1 લાખમાં દાગીના માગ્યા હતા. અંતે રૂ. 5 લાખમાં સોદો થયો હતો. નક્કી થયા મુજબ ગત તા. 19ના રોજ સવારે તે પત્ની ડૉ. એન્જલ સાથે રૂ. 5 લાખ લઈ બાઇક ઉપર ચોટીલા પહોંચ્યા હતા. જ્યાં હાઈવે પર રમેશ નામનો દર્દી, અગાઉ સાથે રહેલા શખ્સ અને મહિલા મળ્યા હતા. આ તમામને રૂ. 5 લાખ આપતાં સોનાના દાગીના આપી દીધા હતા. જે લઈ રાજકોટ પહોંચ્યા બાદ ફરીથી ચેક કરાવતા નકલી હોવાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યાર પછી તેણે રમેશ નામના દર્દીને ફોન કરતાં તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. પરિણામે છેતરાઈ ગયાનું ભાન થતાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં મહિલા ડૉક્ટરે કરેલી આત્મહત્યાનો ભેદ ઉકેલાયો, 'વાંદરી ગેંગ'ના ચાર સભ્યો ઝડપાયા 1 - image

કોણ ઝડપાયા, કોણ ફરાર?
ડૉ. એન્જલની આત્મહત્યામાં નિમિત્ત બનેલી ગેંગના જે ચાર સભ્યો ઝડપાયા છે તેમાં ઈશ્વર ઉર્ફે પટિયો વીરાભાઈ વાઘેલા (ઉં.વ. 30, રહે. સરખેજ, અમદાવાદ), અર્જુન પન્નાભાઈ સોલંકી ઉં.વ. 38, રહે. માલિયાસણ ગામ), મોહન ઉર્ફે મન્યો ભગવાનભાઈ પરમાર (ઉં.વ. 25, રહે. માલિયાસણ ગામ) અને હીરા રામાભાઈ રાઠોડ (ઉં.વ. 25, રહે. માલિયાસણ ચોકડી)નો સમાવેશ થાય છે. જેમને એલસીબી ઝોન-2ના સ્ટાફે ઝડપી લઈ રોકડા રૂ. 2.15 લાખ, બે મોબાઈલ ફોન અને રિક્ષા મળી કુલ રૂ. 2.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસમાં હીરાબેન કસ્તુરભાઈ મારવાડી (રહે. સરદારનગર, અમદાવાદ), કાનુભાઈ રામાભાઈ રાઠોડ (રહે. માલિયાસણ ચોકડી) અને પન્નીબેન અર્જુનભાઈ સોલંકી (રહે. માલિયાસણ ગામ)ના નામ ખુલતાં તેમની શોધખોળ શરૂ કરી છે.

ગેંગનો સૂત્રધાર હત્યા કેસનો ફરાર આરોપી
'વાંદરી ગેંગ' નો ઝડપાયેલો સૂત્રધાર અમદાવાદના સરખેજમાં રહેતો ઈશ્વર વાઘેલા વર્ષ-2017માં મર્ડરના ગુનામાં પકડાયો હતો. એટલું જ નહીં, તે પેરોલ પર મુક્ત થઈ વર્ષ-2021થી ફરાર હતો.

ગેંગની મોડસ ઓપરેન્ડી (MO) અને ગુનાઈત ઇતિહાસ
પોલીસે જણાવ્યું કે, આ ટોળકી 'વાંદરી ગેંગ' તરીકે ઓળખાય છે. હાઈવે પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહી ખોદકામ કરતી વખતે જૂના સિક્કા અને સોનું મળ્યાનું જણાવી, નમૂના તરીકે થોડું સોનું મિક્સ કરેલા દાગીના શિકારને બતાવી છેતરપિંડી કરે છે. આ ટોળકીએ ચોટીલામાં આ રીતે રૂ. 2.50 લાખની, પેડક રોડ પર પણ રૂ. 2.50 લાખની, પારેવડી ચોક પાસે રૂ. 12 લાખની અને ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે રૂ. 50 હજારની છેતરપિંડી કરી છે.

રાજકોટમાં મહિલા ડૉક્ટરે કરેલી આત્મહત્યાનો ભેદ ઉકેલાયો, 'વાંદરી ગેંગ'ના ચાર સભ્યો ઝડપાયા 2 - image

Related News

Icon