
IPLની 18મી સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમનો નિર્ણય 21 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાયેલી મેચ સાથે આવ્યો હતો. આ મેચમાં MIની ટીમનું વર્ચસ્વ જોવા મળ્યું હતું જેમાં તેણે પહેલા બેટિંગ કરતા 180 રન બનાવ્યા અને પછી દિલ્હી કેપિટલ્સની ટીમને 121 રનમાં ઓલઆઉટ કરી દીધી અને 59 રનથી મેચ જીતી લીધી. આ સાથે, MIની ટીમે પ્લેઓફ માટે પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. જ્યારે દિલ્હી કેપિટલ્સ, જે સિઝનની શરૂઆતમાં પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન પર હતી, તે પ્લેઓફમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ. આ સાથે, IPLના 18 વર્ષના ઈતિહાસમાં DCના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો.
દિલ્હી કેપિટલ્સનો શરમજનક રેકોર્ડ
IPLના ઈતિહાસમાં આ પહેલીવાર થયું છે જ્યારે કોઈ ટીમે તેની શરૂઆતની ચારેય મેચ જીતીને સિઝનની શાનદાર શરૂઆત કરી હોય પરંતુ બાદમાં પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હોય. આ ખૂબ જ ખરાબ રેકોર્ડ હવે દિલ્હી કેપિટલ્સના નામે નોંધાઈ ગયો છે. અક્ષર પટેલની કેપ્ટનશિપ હેઠળ, દિલ્હી કેપિટલ્સ (DC) એ સિઝનની શાનદાર શરૂઆત કરી હતી, 13 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો તે પહેલાં, તેણે તેની પ્રથમ ચાર મેચમાં LSG, SRH, CSK અને RCBને હરાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સે છેલ્લી 7 મેચમાંથી ફક્ત એક જ જીતી
DCની સિઝનની શરૂઆત શાનદાર રહી હતી કારણ કે તે શરૂઆતની 6 મેચમાંથી 5 મેચ જીતી હતી જ્યારે ફક્ત એક મેચ હારી હતી. આ પછી, છેલ્લી 7 મેચોમાં, DCની ગાડી સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગઈ હોય તેવું લાગતું હતું. તે 7 મેચમાંથી ફક્ત એક જ મેચ જીતી શકી હતી, જ્યારે 5 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં થઈ ગઈ હતી.