
IPL 2025ની 10મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં, ટોસ જીતીને, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેના પછી આખી ટીમ 18.4 ઓવરમાં માત્ર 163 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ. SRH માટે અનિકેત વર્માએ 74 રન બનાવ્યા જ્યારે હેનરિક ક્લાસેને 32 રન બનાવ્યા.
જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લઈને પંજો ખોલ્યો. તેના સિવાય કુલદીપ યાદવે 3 વિકેટ અને મોહિત શર્માએ 1 વિકેટ લીધી. અક્ષર પટેલની કેપ્ટનશિપ હેઠળ દિલ્હી કેપિટલ્સે 18મી સિઝનની શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી, જેમાં તેણે તેની પહેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવ્યું હતું. બીજી તરફ જો સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો તેણે 2 મેચ રમી છે. જેમાંથી 1 મેચ જીતી અને 1 મેચ હારી હતી.
મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લીધી
મિચેલ સ્ટાર્કે વિકેટ લેવાની શરૂઆત ઈશાન કિશનથી કરી હતી. તેણે પોતાની બીજી ઓવરના પહેલા બોલ પર ઈશાનને આઉટ કર્યો. તે જ ઓવરના ત્રીજા બોલ પર, તેણે વિસ્ફોટક ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને આઉટ કરીને ડગઆઉટ મોકલી દીધો. મિચેલ સ્ટાર્કે પોતાની બીજી ઓવરમાં પહેલા જ બોલ પર SRHને મોટો ઝટકો આપ્યો. આ વખતે તેણે ટ્રેવિસ હેડ સામે પોતાનો ઉત્તમ ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો અને તેને આઉટ કર્યો.
આ પછી મિચેલ સ્ટાર્ક જ્યારે તેની છેલ્લી ઓવર માટે આવ્યો ત્યારે તેણે ઓવરના બીજા બોલમાં હર્ષલ પટેલને આઉટ કર્યો અને પછી ચોથી બોલ પર વિયાન મુલ્ડરને આઉટ કરીને પોતાની 5 વિકેટ પૂરી કરી. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 163 રન પર ઓલઆઉટ થઈ ગઈ. હવે દિલ્હી કેપિટલ્સને આ મેચ જીતવા માટે 164 રનનો ટાર્ગેટ મળ્યો છે.