
- 'દિનેશ વિજાનની ત્રણેય ફિલ્મો બહુ મોંઘી છે. અમારે ઓટીટીના દર્શકોને રાજી રાખવાની સાથે સાથે બિઝનેસ પણ સાચવવો પડેને?
ભારતમાં મનોરંજન ક્ષેત્રે જબરું પરિવર્તન આવ્યું છે. આજે હિન્દી ફિલ્મો સાથોસાથ ઓવર ટોપ (ઓટીટી)ના માધ્યમ બળુકું પુરવાર થયું છે. બોલિવુડનાં સ્ટાર્સ ઓટીટી પર રજૂ થતી સિરિઝમાં અને ફિલ્મોમાં હોંશભેર કામ કરી રહ્યા છે. એટલે જ તો હવે બોલીવુડના નવી પેઢીના યુવાન, સુશિક્ષિત,સમજદાર, પ્રયોગશીલ નિર્માતાઓ અને દિગ્દર્શકો તેમની નવી ફિલ્મો અને સિરિઝ સિનેમાગ્રહોમાં રજૂ કરવાને બદલે ઓટીટી પર રજૂ કરે છે.
લવ આજકલ, કોકટેલ,બદલાપુર,હિન્દી મિડિયમ મીમી,સ્ત્રી,સ્ત્રી -૨,મુંજ્યા,છાવા વગેરે જેવી સુપરહીટ ફિલ્મોના નિર્માતા દિનેશ વિજાન પણ હવે ઓટીટીના માધ્યમના ચાહક બની ગયા છે. ફોડ પાડીને કહીએ તો નિર્માતા દિનેશ વીજનની ત્રણ ત્રણ ફિલ્મો તૈયાર છે. જોકે મુંઝવણ એ છે કે આ ત્રણેય ફિલ્મો ક્યારે અને ક્યાં રજૂ થશે તે નક્કી નથી.
બોલિવુડનાં સૂત્રોના કહેવા મુજબ નિર્માતા દિનેશ વિજાન તેની પૂજા મેરી જાન,રૂમ કી શરાફત, સર્વગુણસંપન્ન એમ ત્રણેય ફિલ્મોને ઓટીટી પર રજૂ કરવા ઇચ્છે છે. દિનેશ વિજાને પોતાનાથી બનતા બધા પ્રયાસ પણ કર્યા છે. દિનેશ વિજાન એમ ઇચ્છે છે કે પોતાની ત્રણેય ફિલ્મો ઓટીટી પર પ્રિમિયર ટાઇમ દરમિયાન રજૂ થાય. જોકે હજી સુધી ઓટીટી પર આવી કોઇ જ વ્યવસ્થા કે સુવિધા નથી થઇ.
મેડોક ફિલ્મ્સના મુખિયા દિનેશ વિજાન કહે છે કે જુઓ, મારી આ ત્રણેય નવી ફિલ્મોની કથા-પટકથા,કલાકારોનો અભિનય, ફોટોગ્રાફી,ગીત-સંગીત વગેરે પાસાં મજેદાર છે. દર્શકોને બહુ ગમે તેવાં છે. આવા વિષય બહુ નવા છે. હું એટલે જ મારી આ ત્રણેય નવી ફિલ્મોને ઓટીટી પર ચોક્કસ સમયે રજૂ કરવા ઇચ્છું છું.
પૂજા મેરી જાન ફિલ્મમાં હુમા કુરેશી અને મૃણાલ ઠાકુર છે. આ ફિલ્મની કથા એવી છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિનો બહુ ધીમે ધીમે પીછો કરે છે. આવી હરકત લાંબા સમય સુધી ચાલતી હોવાથી પેલી સાવ જ અજાણી વ્યક્તિને જબરો ભય લાગે છે. રૂમી કી શરાફત
ફિલ્મમાં અભિનેત્રી રાધિકા મદાન છે. સર્વગુણસંપન્ન ફિલ્મની કથા સોશિયલ કોમેડી છે. આ ફિલ્મમાં સામાજિક પ્રસંગોમાંથી હાસ્ય સર્જાતું રહે છે.
બોલિવુડનાં સૂત્રોના કહેવા મુજબ આ ત્રણેય ફિલ્મોને ઓટીટી પર રજૂ કરવાની વ્યવસ્થામાં લગભગ એક વર્ષ જેટલો લાંબો સમય પસાર થઇ ગયો છે. આમ છતાં હજુ સુધી કોઇ ચોક્કસ નિર્ણય નથી લેવાયો. દિનેશ વિજાનને જોકે પૂરો વિશ્વાસ છે કે એમની આ ત્રણેય ફિલ્મોને ઓટીટીનાં દર્શકોનો બહોળો આવકાર મળશે.
સામા પક્ષે ઓટીટીનાં સૂત્રો એવી દલીલ કરે છે કે ભાઇસાબ, દિનેશ વિજાનની આ ત્રણેય ફિલ્મો અમારા માટે બહુ મોંઘી છે. શું કરીએ? છેવટે તો અમારે અમારા ઓટીટીના દર્શકોને રાજી રાખવા સાથોસાથ થોડોક બિઝનેસ પણ સાચવવાનો છે ને?