Home / GSTV શતરંગ : GSTV શતરંગ/ The answers you get are borrowed

GSTV શતરંગ/ તમને મળતા ઉત્તરો તો ઉધાર લીધેલા હોય છે

GSTV શતરંગ/ તમને મળતા ઉત્તરો તો ઉધાર લીધેલા હોય છે

-  ઝાકળ બન્યું મોતી

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મૌલિકપુત્ત નામનો એક માનવી ભગવાન બુદ્ધ પાસે આવ્યો. એણે ભગવાન બુદ્ધને કહ્યું કે મારે આપને બે પ્રશ્નો પૂછવા છે. આપ તેનો મને ઉત્તર આપશો ?

ભગવાન બુદ્ધે પૂછ્યું, 'તારા પ્રશ્નનો ઉત્તર તો આપીશ પણ પહેલાં મને એ કહે કે આ અગાઉ તેં આ પ્રશ્નો કોઈને પૂછ્યા છે ખરા? એનો જવાબ મેળવવા કોઈ પ્રયાસ કર્યો છે ખરો?'

મૌલિકયુક્ત કહે, 'અરે, વાત ન પૂછો. છેલ્લાં કેટલાય વર્ષોથી આ પ્રશ્ન હું સંતો, મહંતો, શાસ્ત્રીઓ અને પંડિતોને પૂછતો આવ્યો છું. ઓછામાં ઓછા ત્રીસ વર્ષ છેલ્લાં મેં આ પ્રશ્નોના ઉત્તર શોધવામાં ગાળી નાખ્યા છે. મારી અર્ધી જિંદગી આના જવાબની શોધ પાછળ ચાલી ગઈ એમ કહું તો ખોટું નથી.'

ભગવાન બુદ્ધે કહ્યું, 'આટલા બધા લોકોને પૂછ્યું અને છતાં તને કોઈ જવાબ ન જડયો? આવું કેમ થયું?'

મૌલિકપુત્તે કહ્યું, 'અરે, ઉત્તર આપવાનો તો સહુએ પ્રયાસ કર્યો, પણ એમના જવાબથી મને સંતોષ ન થયો. જો સંતોષ થયો હોત તો હું આપને પૂછવા શું કરવા આવત?'

ભગવાન બુદ્ધે માર્મિક પ્રશ્ન કર્યો, 'તને એમ લાગે છે કે ઉત્તર મળવાથી ઉત્તર મળી જાય? માત્ર જવાબ આપવાથી જવાબ મળતો નથી. આટલા લાંબા સમયથી તું બધાને પ્રશ્ન પૂછે છે અને કોઈ જવાબ મળતો નથી, તેમ છતાં પણ તું પૂછવાનું ચાલુ રાખે છે. હું પણ જવાબ આપું પણ કદાચ તને યોગ્ય જવાબ નહીં મળે.'

મૌલિકપુત્ત તો આ સાંભળીને નિરાશ થયો. એણે ભગવાન બુદ્ધને કહ્યું, 'આનો ઉત્તર મેળવવા શું કરું? 

ઘણી આશાઓ સાથે તમારી પાસે આવ્યો હતો. મને એમ હતું કે આપ મારા બે મૂંઝવતા પ્રશ્નોનો તત્કાળ જવાબ આપી શકશો.'

ભગવાન બુદ્ધે કહ્યું, 'હા, એક કામ થઈ શકે. તું એક વર્ષ અહીં પૂરી શાંતિથી રહે. કદાચ તારું મન એટલું શાંત થઈ જાય કે તારા પ્રશ્નો જે મનમાંથી સરી જાય અને તેમ છતાં એક વર્ષ પછી જો તારા મનમાં કોઈ પ્રશ્ન હશે તો હું તેનો જરૂર ઉત્તર આપીશ.'

મૌલિકપુત્ત એક વર્ષ સુધી ભગવાન બુદ્ધ પાસે રહ્યો. બરાબર એક વર્ષ બાદ ભગવાન બુદ્ધે પોતાની ઉપદેશ સભામાં મૌલિકપુત્તને કહ્યું, 'મૌલિકપુત્ત, જો તમારે કંઈ પૂછવું હોય તો જરૂર પૂછો.'

મૌલિકપુત્તે હસતાં હસતાં કહ્યું, 'અરે, હવે પૂછવાનું કશું બાકી જ નથી. મન એટલું શાંત થઈ ગયું છે કે કોઈ પ્રશ્ન જ નથી પછી ઉત્તરની પળોજણ શી? એ પ્રશ્નો મારા ચિત્તમાંથી સરી ગયા અને સાથે જ ઉત્તર મળી ગયો.'

માનવી પોતાના પ્રશ્નનો ઉત્તર શોધવા પ્રયાસ કરે છે. પ્રણયનો પ્રશ્ન હોય કે સાધનાનો - પણ એ પોતાના સવાલનો જવાબ માંગે છે. આના માટે જ્ઞાાનીઓ પાસે જાય છે. અનુભવીઓ પાસે જાય છે. સંત અને શાસ્ત્રો પાસે જાય છે, આમ છતાંય એને ક્યાંય ઉત્તર મળતો નથી. જે જવાબો મળે છે એ પણ તેઓને બીજાએ શીખવાડેલા હોય છે. સાચો ઉત્તર તો માનવીને એના ચિત્તની શાંતિમાંથી અને આત્માની ગહરાઈમાંથી જ મળી રહે.

-  કુમારપાળ દેસાઈ

Related News

Icon