Home / Lifestyle / Beauty : Using dry shampoo without damaging your hair

Sahiyar : જોજો કેશને હાનિ ન પહોંચાડે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ

Sahiyar : જોજો કેશને હાનિ ન પહોંચાડે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ

માનુનીના સરસ મઝાના વાળ તેના સૌંદર્યને જાદુઈ સ્પર્શ આપે છે. ચીકણા-ચોંટેલા કેશ તેની સુંદરતાને હણી નાખે છે. અને પોતાના સૌંદર્યને ઊની આંચ આવે એવું કઈ રમણી ઇચ્છે? આ કારણે જ મહિલાઓ બજારમાં મળતાં વિવિધ પ્રકારના હેર પ્રોડક્ટ્સ ખરીદવા પાછળ ઘેલી થાય છે. આવા ઉત્પાદનોમાંનું એક છે ડ્રાય શેમ્પૂ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડ્રાય શેમ્પૂ વેટ શેમ્પૂ અને કંડિશનર કરતાં જુદી રીતે કામ કરે છે. આ પ્રોડક્ટ વાળમાંથી તેલની તેમ જ અન્ય ચીકાશ ઉપરાંત કેશ પર ચોંટેલી ધૂળ સુધ્ધાં દૂર કરવામાં મદદ કરે છે. આ શેમ્પૂની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ કોરા વાળ પર કરવાનો રહે છે. એક વખત તમે તમારા કેશ પર ડ્રાય શેમ્પૂ સ્પ્રે કરી લો ત્યાર પછી તમને વાળ ધોવાની જરૂર નથી રહેતી. બહાર જતી વખતે તમે તમારા ચીકણા-મેલા કેશ પર ડ્રાય શેમ્પૂ સ્પ્રે કરીને તુરંત તૈયાર થઈ જઈ શકો છો.

ડ્રાય શેમ્પૂમાં આલ્કોહોલ અથવા સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે જે કેશમાંથી તેલ, પરસેવાની ચીકાશ શોષી લે છે. પરિણામે તમારા વાળ સ્વચ્છ દેખાય છે. મોટાભાગના ડ્રાય શેમ્પૂ સુગંધી હોવાથી તે સ્પ્રે કર્યા પછી વાળ મહેકી ઉઠે છે. આ શેમ્પૂ શી રીતે ઉપયોગમાં લેવાય તેમ જ તેનાથી વાળને કોઈ પ્રકારની હાનિ પહોંચે ખરી તેના વિશે સમજ આપતાં હેર એક્સપર્ટસ કહે છે..,

* ડ્રાય શેમ્પૂનો ઉપયોગ તમારા વાળના ટેક્સચર, લંબાઈ અને ચીકાશ પર અવલંબે છે. તેથી આંધળૂકિયા કરવાને બદલે તમારા વાળનો પ્રકાર સમજી લો.

* તમારા વાળ શુષ્ક છે તેની ખાતરી કરી લો. અને વાળ પર ડ્રાય શેમ્પૂ સ્પ્રે કરવાથી પહેલા પીન અથવા અન્ય કોઈ હેર એક્સેસરી લગાવેલી હોય તો તે કાઢી નાંખો.

* હવે ડ્રાય શેમ્પૂની બૉટલ તમારા માથાથી છ ઇંચ જેટલી દૂર પકડી રાખીને વાળના સૌથી ઉપરના ભાગ પર સ્પ્રે કરો. તે વાળના મૂળ સુધી ન જાય તેની ખાસ કાળજી લો. તેવી જ રીતે ડ્રાય શેમ્પૂ તમારી ગરદન, કાન, પીઠ પર ન ઉડે તેનું પણ ધ્યાન રાખો.

* આ શેમ્પૂ સ્પ્રે કર્યા પછી વાળમાં હળવે હળવે આંગળીઓ વડે મસાજ કરો.

* વાળમાં આ શેમ્પૂ સુકાઈ જાય ત્યાર પછી વાળને વૉલ્યુમ આપવા ઠંડુ બ્લો ડ્રાય કરો. તમે ચાહો તો તમારી આંગળીઓ વડે વાળને અંદરથી બહાર તરફ ધકેલીને પણ વૉલ્યુમ આપી શકો.

જોકે અહીં પ્રશ્ન એ છે કે કેવા પ્રકારના વાળમાં ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે દરેક પ્રકારના વાળમાં આ શેમ્પૂ સ્પ્રે કરી શકાય. આમ છતાં શુષ્ક વાળમાં તેનો ઉપયોગ વિશેષ કાળજી કરીને કરવો. જો તમે સુકા વાળમાં તેનો વારંવાર ઉપયોગ કરો તો તમારા કેશને ચોક્કસપણે હાનિ પહોંચે. જોકે આ શેમ્પૂ કોઈપણ પ્રકારના વાળમાં વારંવાર છાંટવા માટે નથી બન્યું. જો તમે અઠવાડિયામાં બે વખત વેટ શેમ્પૂ કરતાં હો તો તેની વચ્ચેના દિવસોમાં એક વખત ડ્રાય શેમ્પૂ સ્પ્રે કરી લેવાથી વાળ સ્વચ્છ લાગે છે. પરંતુ તે વાળ ધોવાની ગરજ નથી સારતું એ વાત ખાસ ધ્યાનમાં લેવી. વળી આ શેમ્પૂ સ્પ્રે કર્યા પછી વાળ પર જ રહી જતું હોવાથી તેમાં રહેલું આલ્કોહોલ કે કાંજી શુષ્ક વાળને વધુ સુકા-બરછટ કરી શકે છે તેમ જ માથામાં ખંજવાળ આવવાનું કારણ પણ બને છે. બહેતર છે કે માત્ર સુકા વાળમાં જ નહીં, કોઈપણ પ્રકારના વાળમાં ડ્રાય શેમ્પૂનો વારંવાર ઉપયોગ ન કરવો.

જોકે તમે ચાહો તો તમારું ડ્રાય શેમ્પૂ ઘરમાં પણ બનાવી શકો. કેશમાંથી ચીકાશ દૂર કરવામાં ડ્રાય શેમ્પૂમાં રહેલી મકાઈની અથવા ચોખાની કાંજી મહત્વનો ભાગ ભજવે છે. તેથી તમે પણ પા કપ ચોખા અથવા મકાઈની કાંજી બનાવી તેમાં દળેલી લવિંગ અથવા કોકો પાવડર ભેળવો. તમે ચાહો તો તેમાં તમારી ગમતી સુગંધ પણ ઉમેરી તેનો ઉપયોગ કરી શકો. 

- વૈશાલી ઠક્કર

Related News

Icon