Home / Entertainment : A film presenting the principles of Mahatma Gandhi - Do Aankhen Barah Haath

Chitralok :મહાત્મા ગાંધીના સિદ્ધાંતને રજૂ કરતી ફિલ્મ - દો આંખેં બારહ હાથ

Chitralok :મહાત્મા ગાંધીના સિદ્ધાંતને રજૂ કરતી ફિલ્મ - દો આંખેં બારહ હાથ

હિન્દી સિનેમાજગતમાં બનેલી સૌથી પ્રેરણાદાયી ફિલ્મોની ચર્ચા કરવામાં આવે તો આ ફિલ્મનું નામ કદાચ સૌથી પહેલું લેવું પડે. ચાર્લી ચેપ્લિનથી લઈને શાહરૂખ ખાન સુધીના સૌને અત્યંત પ્રભાવિત કરી ગયેલી આ ફિલ્મમાં એવું તે શું છે? 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાના માયામીના લિબર્ટી સિટીમાં ગરીબીમાં જન્મેલા જોડિયા ભાઈઓને મેમી બ્રાઉન નામની કેફેટેરિયા કામદારે દત્તક લીધા હતા. બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે માતાએ એકથી વધુ નોકરીઓ કરી અને પારાવાર મુશ્કેલીઓનો હસતા મોઢે સામનો કર્યો હતો, પરંતુ આ બધું વ્યર્થ જતું હોય તેવું તેને લાગતું. તેનો એક પુત્ર સ્કૂલથી આવીને ધુ્રસકેને ધુ્રસકે રડવા લાગતો. પૂછપરછ કરતાં ખબર પડી કે, ક્લાસ ટીચરની નજરમાં તેમનો દીકરો નકામો અને મંદબુદ્ધિ છે. માતાએ સ્કૂલમાં ફરિયાદ કરી પણ કોઈ ફાયદો નહીં. છેવટે, ઝાડ ગયું ને જગ્યા થઈ એ કહેવત મુજબ, આ સ્કૂલ ટીચરની ટ્રાન્સફર થઈ અને એક નવા ટીચર આવ્યા. નવા ટીચરની નજરમાં નકામો અને મંદબુદ્ધિ ગણાતો બાળક હોશિયાર હતો. એટલે, બ્લેકબોર્ડ પર કોઈપણ નવો સવાલ લખીને ટીચરની નજર સીધી આ વિદ્યાર્થી પર પડતી. ટીચરની નજરોમાં પોતાના પ્રત્યે વિશ્વાસ જોતા જ આ બાળક ફડફડાટ બોલવા લાગતો હતો. આ એક નજરના વિશ્વાસનો જ કમાલ છે કે, ગરીબીમાં ઉછરેલા આ બાળકની ગણના આજે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મોટિવેશનલ સ્પીકરમાં થાય છે. ટીચરની હૂંફભરી નજરોએ તેને શીખવ્યું કે, કોઈ વ્યક્તિનો તમારા પ્રત્યેનો પૂર્વાગ્રહ તમારી ઓળખ ન બનવો જોઈએ. આજે ટીચરની શીખને લોકો સુધી પહોચાડી રહેલા વ્યક્તિનું નામ છે, લેસ બ્રાઉન. લેસ બ્રાઉન પોતાના વિડીયોઝ થકી લોકોને જીવન પ્રત્યેના 'નજરિયા'ને બદલવાના ગુણ શીખવાડી રહ્યાં છે.

હિન્દી ફિલ્મોમાં જીવનને જોવાના નજરિયાની વાત આવે ત્યારે તેમાં એક ફિલ્મનું નામ સૌથી આગળ આવે છે. જેમાં, હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા ખૂંખાર કેદીઓના જીવનમાં બદલાવ લાવનાર નજરોની વાત કરવામાં આવી છે. ફિલ્મની પ્રેરણા ભારતના 'ઔંધ' નામના રજવાડાના સ્વતંત્રપુર નામના ગામના એક કિસ્સા પરથી લેવાઈ છે, જ્યાં ૧૯૪૦માં મહાત્મા ગાંધીના અનુયાયી એવા મોરીસ ફ્રેડમેને માથાથી પગ સુધી જેમને બાંધીને રાખવામાં આવતા હતાં તેવા કેદીઓને માર મારીને નહીં પરંતુ, યોગ્ય કામ સાથે સ્વતંત્રતા આપીને સુધાર્યા હતા. આ વાત ફિલ્મમેકર શાંતારામ રાજારામ વાકુંદ્રે (વી. શાંતારામ)ના કાને પડી હતી. સાંભળતાની સાથે જ તેમણે આ વિષય પર અભ્યાસ શરૂ કર્યો હતો. ખૂંખાર કેદીઓને સુધારવાની ફિલ્મ કેટલા રૂપિયા કમાશે તેની ચિંતા કર્યા વિના તેમણે ફિલ્મના શ્રીગણેશ કર્યા હતા. વી. શાંતારામની સાહસિકતાને વિશ્વના અનેક એવોર્ડથી નવાજવામાં આવી હતી. 'દો આંખેં બારહ હાથ' ફિલ્મે આઠમા બલન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલ્વર બેર- એક્સ્ટ્રા ઓડનરી પ્રાઈઝ ઓફ ધ જ્યુરી અને ૧૯૫૯માં ગોલ્ડન ગ્લોબમાં સેમ્યુઅલ ગોલ્ડવિન ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યો હતો. આ સિવાય ૧૯૫૭ના પાંચમા નેશનલ એવોર્ડ્સમાં ફિલ્મને ઓલ ઈન્ડિયા બેસ્ટ ફીચર ફિલ્મ માટે પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ અને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ માટેનો પ્રેસિટેન્ડ સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. વી. શાંતારામની આ ફિલ્મે  દેશ-વિદેશમાં અનેક એવોર્ડ જીતવાની સાથે ધર્મના સૌથી મહત્વના સિદ્ધાંત 'અહિંસા પરમો ધર્મ' ને દર્શકો સુધી પહોચાડયો છે.

ફિલ્મનો અલગ નજરિયો

ફિલ્મની શરૂઆત વિરોધાભાસ સાથે થાય છે. એક જેલર છે, જે હિંસામાં વિશ્વાસ નથી રાખતો. એનું નામ આદિનાથ (વી. શાંતારામ સ્વયં). એ છ એવા ખૂંખાર કેદીઓને પસંદ કરે છે, જેમણે ઘાતકી હત્યા કરી હોય. સામાન્ય માણસ વિચારે કે, જેમના માટે સમાજમાં કોઈ સ્થાન નથી તેવા કેદીઓને આઝાદ નગર લઈ જવા અને પછી સુધારવા માટેની તક આપવી આશ્ચર્યજનક છે. જેલ છોડયાની મિનિટોમાં જ એક કેદી દ્વારા ટિફિનની ચોરી માણસના ભૂલ પ્રત્યેના લગાવને વર્ણવે છે. આ સાથે જ સંદેશ કે, જેને સુધરવાની ઈચ્છા નથી તેને સુધારવાનો પ્રયોગ ક્યારેય આસાન નહીં રહે.

આદિનાથની તેમના અંતરાત્માને અપીલ અને કેદીઓ દ્વારા ટિફિનને બાજુ પર મૂકી દેવું વિશ્વાસની શક્તિને બતાવે છે. આ સીન કદાચ વાતે વાતે કોઈને લેબલ લગાડી દેતાં નિરાશાવાદી માટે ગળે ઉતારવો આસાન નથી. આ સીન બાદ કેદીઓ દ્વારા ઊંઘતા સમયે પોતાના જ પગમાં બેડીઓ બાંધી દેવાનો સીન ઘણું બધું કહી જાય છે. આ કેદીઓ જ નહીં આપણે પણ અમુક બેડીઓમાં બંધાયેલા હોઈએ છીએ જેને આપણે કદાચ ડરના માર્યા કે 'આદત સે મજબૂર' ઉતારવા તૈયાર નથી હોતા.

આ એવા કેદીઓ છે, જેમના માટે પોતાના ભૂતકાળને ભૂલવો કે સહન કરવો શક્ય નથી. આ કેદીઓ જેવા તો નહીં પરંતુ, દરેક વ્યક્તિને ભૂતકાળમાં એવા અનુભવ થયા હોય છે જેને ભૂલવા જ યોગ્ય હોય છે. તેનો સ્વીકાર અને બદલાવની ઈચ્છા જીવનમાં યોગ્ય પરિવર્તન લાવી શકે છે. એક કેદી દ્વારા આદિનાથની હત્યાનો પ્રયાસ દરેક માણસ કે અનુભવને ભૂતકાળના ત્રાજવે તોલવાની માણસની વૃતિને દર્શાવે છે. કેદીને મારવાની વાત તો દૂર, પણ તેને દંડ પણ નહીં ફટકારીને આદિનાથે શાંતિનો સંદેશ આપ્યો છે. પોતાની જ હત્યાનો પ્રયાસ કરનાર કેદીના બાળકોને આઝાદ નગર લાવવાની મંજૂરી આપવી સહિષ્ણુતાની મહત્તા સમજાવે છે. આદિનાથ પોતાના વર્તન સાથે જાણે કહી રહ્યો છે કે, ક્યાં કઈ વ્યક્તિ કેવા અનુભવોમાંથી પસાર થઈ રહી છે તેની તમને કે મને ખબર હોતી નથી. તેના વર્તન વિશે જાણવા માટે તેની વ્યથા જાણવી અગત્યની છે.

'ઉતાવળે આંબા ન પાકે' સમજાવવા માટે ખેતરમાં કેદીઓ દ્વારા સખત પરિશ્રમને દર્શાવવામાં આવ્યો છે. એક સમયે ઉજ્જડ જમીનમાં વાડ હટાવવાથી લઈને ખેતરમાં બીજ રોપવા અને પાક માટેની રાહ શીખવે છે કે, સારા કર્મોનું ફળ આજે નહીં તો કાલે મળશે જ. આ દરમિયાન કેદીઓ પર વિશ્વાસ મૂકીને આદિનાથ તેમને શાક માર્કેટમાં જવાની મંજૂરી આપે છે. શાક માર્કેટમાં વિરોધી શાકવાળાની ગેરવર્તણૂક વચ્ચે જેવા સાથે તેવા નહીં થવાની આદિનાથની સલાહ કેદીઓ માને છે. પરિણામ એવું આવે છે કે, વિરોધી શાકવાળો તેમને લોહીલુહાણ કરીને આઝાદ નગર પરત મોકલે છે. આદિનાથને હિંસા ન કરવાનું વચન આપીને આવેલા કેદીઓ વચન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને હુમલાનો જવાબ નથી આપતા. જે ખોટો માર્ગ છોડયા બાદ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તે માર્ગે પરત ન ફરવાની આડકતરી સલાહ છે.

ફિલ્મમાં ચંપા (સંધ્યા)નું પાત્ર પણ અગત્યનું છે. તે માત્ર રમકડાં વેચનારી કે કેદીઓના બાળકોની સંભાળ રાખનાર નથી. તે એક માતા, બહેનની સાથે  શક્તિનું સ્વરૂપ પણ છે. નાનકડા સરખા પાત્રમાં સંધ્યાએ પોતાની અભિનયકળાનો રસ ભેળવીને તેને અવિસ્મરણીય બનાવ્યું છે. એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, તમે કોઈ ગામડામાં રહો છો અને બહાર ફરો છો તો દિવસભરમાં લગભગ પાંચસો અને શહેરમાં રહો છો તો ચારથી પાંચ હજાર તમારી ઉપર પડે છે. પરંતુ, તેમાં કોઈ નજર એવી પડે જેને તમારામાં વિશ્વાસ છે તો તમારો દિવસ શું, જીવન પણ સુધરી જાય.

પાકિસ્તાનની સ્કૂલોની પ્રાર્થના બનેલું ગીત-

૧૩ વર્ષની ઉંમરે ડેબ્યુ કરનાર લતા મંગેશકરે તેમના સાત દશકથી લાંબી કારકિર્દીમાં ૩૦,૦૦૦થી વધુ ગીતો ગાયાં હતાં, પરંતુ ભરત વ્યાસે લખેલા અને વસંત દેસાઈના મ્યુઝિક સાથેના ગીત 'એ માલિક તેરે બંદે હમ...' ગીતો તો કમાલ કરી હતી. આ ગીત શાંતિ અને એકતાનું પ્રતીક બની ગયું હતું. ભારતમાં તો ઠીક પાકિસ્તાનની સ્કૂલોમાં આ ગીતને પ્રાર્થના તરીકે ગવડાવવામાં આવતું હતું. કહેવાય છે કે, આ ગીત પરથી પ્રેરણા લઈને જ 'લગાન'નું 'ઓ પાલનહારે..' તૈયાર કરવામાં આવ્યું હતું.

ચાર્લી ચેપ્લિન પણ વી. શાંતારામના પ્રશંસક

૨૦૧૧માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડર્ટી પિક્ચર'માં ડાયલોગ હતો કે, 'ફિલ્મે સિર્ફ તીન વજહો સે ચલતી હૈ, વો હૈ એન્ટરટેનમેંટ, એન્ટરટેનમેંટ ઔર એન્ટરટેનમેંટ'. ત્યારે સવાલ થાય કે શું ભારતમાં ફિલ્મો એટલે ખાલી મનોરંજન? વી. શાંતારામ જેવા ફિલ્મકારોએ સમાજને સ્પર્શતા ગંભીર વિષયો પર ફિલ્મો બનાવીને આ વાતને ખોટી સાબિત કરી છે.  તેમણે ૧૯૨૧માં આવેલી સાયલેન્ટ ફિલ્મ 'સુરેખા હરણ' સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ચાર વર્ષ બાદ રિલીઝ થયેલી ફિલ્મ 'સવકારી પાશ'માં તેમણે ખેડૂતની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદના વર્ષોમાં નિર્દેશક તરીકે તેમણે નવી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રાજકમલ કલા મંદિરના બેનર હેઠળ તેમણે મરાઠી ફિલ્મ 'માણૂસ' બનાવી હતી. આ ફિલ્મ જોયા બાદ ચાર્લી ચેપ્લિને પણ વી. શાંતારામના વખાણ કર્યા હતા. તેઓ 'દો આંખે બારાહ હાથ'માં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા એમ કૂલ ત્રણ ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. કહેવાય છે કે, અનેક મ્યુઝિક ડિરેકટર્સ માટે ગુપચુપ મ્યુઝિકનું નિમાર્ણ કરી ચૂકેલા વી. શાંતારામે 'દો આંખેં બારહ હાથ'નાં ગીતોને પોતાના પરફેક્શનના ત્રાજવામાં તોલ્યા હતાં. આ ફિલ્મમાં ૫૭ વર્ષની ઉંમરે તેમણે ભજવેલું પોતાનાથી અડધી ઉંમરના જેલરનું પાત્ર આજે પણ વખણાય છે. એટલે જ કદાચ, બોલિવુડના કિંગ ખાન શાહરૂખે પુત્ર આર્યનને એક્ટિંગ શીખવા માટે આ ફિલ્મ જોવા કહ્યું હતું. વી. શાંતારામને નવેમ્બર ૧૮, ૨૦૧૭ના રોજ તેમની ૧૧૬મી જન્મજયંતિના દિવસે ગૂગલે ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

દર્શકોનો પ્રેમ 

૧૯૫૭માં મુંબઈના ઓપેરા હાઉસની બહાર ૩૫૦ ફૂટ લાંબું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. તે જમાનામાં જાણીતા આટસ્ટ જી. કાંબલેએ બનાવેલ પોસ્ટર ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ફિલ્મનું સફળ માર્કેટિંગ દર્શકોને સિનેમા હોલ સુધી ખેચી લાવ્યું હતું. આ પહેલા કલર ફિલ્મ બનાવી ચૂકેલા વી. શાંતારામે 'દો આંખે બારહ હાથ'ને બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવવા માટે એ જમાનામાં રૂ. ૫૫ લાખનો ખર્ચ કર્યો હતો. ફિલ્મે રૂ. ૨.૪ કરોડ (આજના રૂપિયા ૧૦૬૮ કરોડની) કમાણી કરીને સાબિત કર્યું કે, દર્શકોને સાહસિક ફિલ્મમેકર પસંદ છે.

ફિલ્મ બની પ્રેરણા

સંજય દત્ત ઉર્ફે સંજુ બાબાને જે જેલમાં રાખવામાં આવ્યા હતા તે મહારાષ્ટ્રની યેરવાડા જેલ, ભારતની જાણીતી ઓપન જેલમાંની એક છે. જ્યાં, ઓછા જોખમી કેદીઓને નહિવત સુરક્ષા સાથે રાખવામાં આવે છે. તેઓ ખેતી અને લઘુ ઉદ્યોગોમાં કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, સંજુ બાબાએ જેલમાં પેપર બેગ બનાવવાનું, વાંસનું ફનચર બનાવવાનું તેમજ જેલના રેડિયો જોકી તરીકે કામ કર્યું હતું. યેરવાડા જેલ સિવાય રાજસ્થાનમાં આવેલી સાંગનેર ઓપન પ્રિઝન કેદીઓને તેમના પરિવારો સાથે રહેવાની મંજૂરી આપે છે. આ માનવતાવાદી મોડલ પારિવારિક જોડાણોને મજબૂત બનાવવાની સાથે કેદીઓને ગુનાખોરી તરફ જતાં અટકાવીને આદર્શ નાગરિક બનવામાં મદદ કરે છે. 

Related News

Icon