
મુંબઈના વર્સોવાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમેકર મનીષ ગુપ્તા (Manish Gupta) સામે પોતાના ડ્રાઇવર પર ચાકૂથી જીવલેણ હુમલો કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આ વિશે જાણકારી આપતા કહ્યું કે, પગારના કારણે થયેલા વિવાદ બાદ આ ઘટના બની હતી. જોકે, કેસ દાખલ થયા બાદ હજુ સુધી ફિલ્મમેકરની ધરપકડ નથી કરવામાં આવી.
મનીષ ગુપ્તાએ ડ્રાઇવર પર કર્યો હુમલો
વર્સોવા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ગુરૂવારે (5 જૂન) સાંજે સાગર સંજોગ બિલ્ડિંગમાં મનીષ ગુપ્તા (Manish Gupta) ના ઘરે થઈ હતી. ફિલ્મમેકરે કથિત રૂપે તેને ત્યાં ત્રણ વર્ષથી કામ કરતા ડ્રાઇવર રાજીબુલ ઇસ્લામ લશ્કર પર ચાકૂથી હુમલો કર્યો હતો. આ મામલે ફિલ્મમેકર પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 (2), 115 (2) અને 352 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જોકે, હજુ સુધી ફિલ્મમેકરની ધરપકડ નથી કરવામાં આવી. ડ્રાઇવર લશ્કરના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે ફિલ્મમેકરની જલ્દી ધરપકડની માંગ કરી છે.
પગારને લઈને થયો વિવાદ, ચાકૂથી કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, ડ્રાઇવરે પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, "હું ફિલ્મમેકર મનીષ ગુપ્તાને ત્યાં છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હતો. મને દર મહિને 23 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો. જોકે, ફિલ્મમેકરે મને ક્યારેય સમયસર પગાર નથી આપ્યો અને એક દિવસ અચાનક કામ પરથી કાઢી મૂક્યો અને મારા બાકીના પૈસા પણ ન આપ્યા. જ્યારે હું બાકીનો મારો પગાર માંગવા ગયો તો મને પૈસા ન આપ્યા અને બાદમાં બોલાચાલી થઈ. આ વિવાદ એટલો વધી ગયો કે, મનીષ ગુપ્તાએ મારા પર ચાકુથી હુમલો કર્યો અને બાદમાં હું ઈજાગ્રસ્ત થઈ ગયો. મને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો પડ્યો, જ્યાં મારી સારવાર કરવામાં આવી."
કોણ છે મનીષ ગુપ્તા?
મનીષ ગુપ્તા (Manish Gupta) એક સ્ક્રીન રાઈટર અને ડિરેક્ટર છે, જેણે અનેક બોલિવૂડ ફિલ્મો બનાવી છે. તે હંમેશા સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. બે વર્ષ પહેલા તેણે એક્ટ્રેસ રવીના ટંડન સાથે મળીને ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'વન ફ્રાઈડે નાઈટ' બનાવી હતી, જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી.