
- 'આજના દર્શકો વધુ મેચ્યોર્ડ છે. અગાઉ ભૂતકાળમાં જ્યારે સ્ટારડમના જોરે નબળી ફિલ્મ પણ ચાલી જતી હતી,પણ આજે દર્શકોને અસલી પ્રતિભા અને ઉત્તમ કોન્ટેન્ટ જોઇએ છે'
સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ અલી ખાને બોલિવુડમાં એન્ટ્રી મારતાંની સાથે જ ભલે ટ્રોલિંગનો સામનો કરવો પડયો,પણ એના વર્તન-વ્યવહારમાં નમ્રતા હંમેશા રહી છે એ તો નક્કી. દાદી શર્મિલા ટાગોર,બહેન સારા અલી ખાન અને સુપરસ્ટાર તેમજ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પિતા સૈફ અલી ખાન જેવી અગ્રણી હસ્તીઓની પ્રતિષ્ઠાના બોજ છતાં ઈબ્રાહિમ એકમાત્ર પારિવારીક ખ્યાતિ પર મદાર રાખ્યા વિના સિને ઉદ્યોગમાં પોતાનો સ્વતંત્ર પથ કંડારવા કૃતનિશ્ચયી છે.
શરૂઆતમાં જાહેરમાં વાત કરવામાં નર્વસ જણાતા ઈબ્રાહિમે ટૂંક સમયમાં પોતાની રમૂજવૃત્તિ અને નિષ્ઠાથી લોકોના હૃદય જીતવાની કોશિશ કરી રહ્યો છે. અદલોઅદલ પિતા જેવા દેખાતા ઈબ્રાહિમે સ્પષ્ટતા કરી દીધી છે કે તે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. ઈબ્રાહિમ તમામ બાબતે નિખાલસતાથી વાત કરે છે અને નેપોટિઝમ કિડ જેવા વિવાદાસ્પદ ટેગથી પણ ખચકાતો નથી.
શાલિનતાથી ટીકાનો સામનો
ઈબ્રાહિમની ડેબ્યુ ફિલ્મને મિશ્ર પ્રત્યાઘાત મળ્યા અને સોશિયલ મીડિયા પર તેનું ભારે ટ્રોલિંગ પણ થયું. પણ તેની ઉપેક્ષા અથવા બચાવ કરવાના સ્થાને ઈબ્રાહિમે આ ટીકાઓને સહજતાથી સ્વીકારી છે. ઈબ્રાહિમ કબૂલ કરે છે કે નવો હોવાને કારણે તેણે હજી ઘણુ શીખવાનું બાકી છે અને એક પરિશ્રમી ટીમ સાથે તેણે મધુર તેમજ તોફાની રોમેડીમાં કામ કરવાની તક મળવા બદલ સંતોષ વ્યક્ત કર્યો. ઈબ્રાહિમ સ્પષ્ટતા કરી કે 'નાદાનિયાં' ફિલ્મ બ્લોકબસ્ટર થવા માટે નહોતી સર્જાઈ,પણ દર્શકો પોતાની આરામ ખુરશીમાંથી હળવાશથી માણી શકે તેવો તેનો આશય હતો.
ઈબ્રાહિમ કબૂલ કરે છે કે સોશિયલ મીડિયા પર પડેલા વિપરીત પ્રત્યાઘાતનો સામનો કરવો મુશ્કેલ હતું. ઈબ્રાહિમના મતે ડિજિટલ ક્ષેત્ર નકારાત્મકતાને મોટુ સ્વરૂપ આપે છે. જો કે ફિલ્મ ઉદ્યોના અગ્રણીઓ તરફથી મળેલા પ્રતિસાદથી તે પ્રોત્સાહિત થયો છે. આઈકોનિક પુરોગામી દ્વારા બનેલા ક્ષેત્રમાં ડગલા માંડનાર માટે આ સ્વ-જાગૃતિ અને મક્કમતા પ્રભાવશાળી કહેવાય.
સંયમના પાઠ
ઈબ્રાહિમ સ્વીકાર કરે છે કે પોતાના શારીરિક દેખાવ બાબતે અંગત ટિપ્પણી કરનાર પાકિસ્તાની પત્રકાર સામે તેણે તીવ્ર પ્રત્યાઘાત આપીને ભૂલ કરી હતી. પોતાના પ્રત્યાઘાત વિશે ખેદ વ્યક્ત કરતા ઈબ્રાહિમે કબૂલ કર્યું કે તે હજી પણ જાહેર ટીકા સામે પોતાને ઢાળી રહ્યો છે. જો કે પોતાની ભૂલમાંથી બોધપાઠ લઈને ઈબ્રાહિમે ખાતરી આપી કે તે આવો વળતો પ્રત્યાઘાત ક્યારે પણ નહિ આપે.
પોતાના પર વિશ્વાસ રાખનાર અને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં કેમેરા પાછળ કામ કરવાની તક આપનાર કરણ જોહરનો તે ખાસ આભાર માને છે. એક સમયે ઈબ્રાહિમે ભવ્ય,કમર્શિયલ બોલિવુડ ડેબ્યુનું સ્વપ્ન જોયું હતું જેમાં દર્શકો દ્રશ્યો જોઈને સીટી મારતા હોય,પણ હવે ઈબ્રાહિમને અહેસાસ થઈ ચુક્યો છે કે ૨૦૨૫માં ફિલ્મ ઉદ્યોગ અલગ સંજોગોમાં કામ કરી રહ્યો છે. ઈબ્રાહિમના મતે આજના દર્શકો સ્ટારડમની બદલે મજબૂત પટકથા અને જોરદાર પરફોર્મન્સને વધુ મહત્વ આપે છે.
નેપોટિઝમ વિવાદ: એક સંતુલિત અભિગમ
ઈબ્રાહિમ નેપોટિઝમના કાયમ વિવાદાસ્પદ રહેલા વિષયથી બચવાનો પ્રયાસ નથી કરતો. તે ખુલ્લેઆમ પોતાની પૃષ્ઠભૂમિ સ્વીકારે છે. ઈબ્રાહિમ કહે છે કે અમૃતા અને સૈફ મારા માતાપિતા છે અને હું તેમનો પુત્ર છું તેમાં મારો વાંક નથી. આટલું સ્વીકારીને ઈબ્રાહિમ કબૂલ કરે છે કે સ્ટારકિડ હોવાને કારણે તેને પ્લેટફોર્મ તો મળ્યું હવે પોતાને સાબિત કરવું તેની ફરજ છે. ઈબ્રાહિમ માને છે કે સ્ટાર કિડ માટે મંચ મેળવવું તો સહેલું છે પણ આગળ પોતાને સાબિત કરવાની તેમની જવાબદારી છે. જો કે આજના સમયમાં સોશિયલ મીડિયાની બેજવાબદાર પ્રકૃતિને કારણે સ્ટારકિડ માટે સમય કઠિન છે. ઈબ્રાહિમે એક રસપ્રદ વાત કહી. આજના દર્શકો વધુ પ્રમાણમાં સમજદાર છે. તેઓ સરેરાશ પરફોર્મન્સ બર્દાસ્ત નથી કરતા,પછી ભલે કલાકારની અટક કોઈપણ હોય. ભૂતકાળમાં જ્યારે સ્ટારડમ નબળી ફિલ્મને પણ પાર પડી શકતું હતું,તેનાથી વિપરીત આજના સમયમાં દર્શકો પ્રતિભા અને કન્ટેન્ટ પર વધુ ધ્યાન આપે છે.
સ્ટારડમ, સોશિયલ મીડિયા અને અપેક્ષા
ઈબ્રાહિમના મતે આજના સમયમાં સ્ટારની વિભાવના જૂનવાણી થઈ ગઈ છે. કોઈપણ દંભ દેખાડયા વિના ઈબ્રાહિમ કહે છે કે હું તો સામાન્ય માનવી છું. એટલે જ ઈબ્રાહિમ રણબીર કપૂર અને પોતાના પિતા સૈફ જેવા કલાકારોનો મોટો ફેન છે જેઓ રહસ્યમય રીતે સામાન્ય અને શાંત સાર્વજનિક વ્યક્તિત્વ જાળવી રહ્યા છે. બંને મોટાભાગે સોશિયલ મીડિયાથી અળગા રહે છે જેના કારણે ઈબ્રાહિમને તેમના માટે આદર છે. ઈબ્રાહિમ કહે છે કે આજના સમયમાં સ્ટારડમનું આકર્ષણ ઝાંખુ પડી ગયું છે. હવે તો હું જીમમાં જાઉ છું તો પણ મને કોઈ પૂછતું નથી. ઈબ્રાહિમનું સ્વપ્ન છે કે લોકો તેને સૈફના પુત્ર તરીકે નહિ પણ પોતાની પ્રતિભાથી ઓળખે. પોતાને મળેલી વિરાસત છતાં ઈબ્રાહિમ પર કોઈને અપેક્ષા પર ખરા ઉતરવાનું દબાણ નથી.
સ્વતંત્ર ઓળખનો હિમાયતી
આખરે, ઈબ્રાહિમ જાણે છે કે લોકો તેની સરખામણી તેના પુરોગામી સાથે જ કરશે. પણ ઈબ્રાહિમ આવી ઓળખનો ઈન્કાર કરે છે. ઈબ્રાહિમ સખત પરિશ્રમ કરવા,વાસ્તવિક બની રહેવા અને એક કલાકાર તરીકે ઝડપથી વિકસવા માટે કૃતનિશ્ચયી છે.