Home / Entertainment : Chitralok: Saiyami Kher: For me, sports, passion and cinema are close to me...

Chitralok: સૈયામી ખેર: મારા માટે સ્પોર્ટ્સ, પેશન અને સિનેમા પાસે પાસેની વસ્તુઓ છે...

Chitralok: સૈયામી ખેર: મારા માટે સ્પોર્ટ્સ, પેશન અને સિનેમા પાસે પાસેની વસ્તુઓ છે...

- 'જ્યારે ફિલ્મોમાં સફળતા નથી મળતી અને કડવાશ મગજ પર હાવી થઈ જાય છે ત્યારે સ્પોર્ટ્સની શીખ યાદ આવે છે કે નિષ્ફળતામાં ખંતથી ફરી તૈયારીમાં લાગી જાવ.'

સૈયામી ખેર ધગશ અને ધૈર્યનું અનોખુ મિશ્રણ છે જ્યાં સિનેમેટીક કેમિસ્ટ્રી જીવંત સ્પોર્ટ્સની અકબંધ ઊર્જાને મળે છે. રમતગમત પ્રત્યે અતૂટ પ્રેમ ધરાવતી પ્રતિબદ્ધ રમતવીર સૈયામીની નાશિકની બેડમિન્ટન કોર્ટથી રૂપેરી પડદા સુધીની સફર બિલકુલ પરંપરાગત નહોતી.સૈયામી ક્રિકેટના શબ્દો એટલી સરળતા અને ચોકસાઈથી બોલતી કે તે જાણે આ  રમતના વિશેષજ્ઞાોના પરિવારમાં જ જન્મી હોય એવું લાગે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૈયામી સચિન તેન્ડુલકરની એટલી જબરદસ્ત ફેન હતી કે તેની વાતોમાં એના નામનો ઉલ્લેખ આવે જ. સચિન પ્રત્યેની તેની ઘેલછા સામાન્ય કરતા ઘણી વધુ હતી. એકવાર તો તેણે સ્ટેડિયમના પ્રત્યેક સ્ટેન્ડની ટિકિટ ખરીદી જેથી સચિનને દરેક એન્ગલથી જોઈ શકાય. સૈયામીને હજી યાદ છે કે કેવી રીતે તે ગતિશીલ નોર્થ સ્ટેન્ડ, જ્યાં ભીડની ઊર્જા સૌથી વધુ તીવ્ર હોય છે, ત્યાંથી સચિન માટે ચીયર કરતી. પણ તેના માટે મહત્વની ક્ષણ તો ત્યારે આવી જ્યારેે તેના મેનેજરે તેના માટે તેન્ડુલકરનો પરિવાર જ્યાં હાજર હતો એ જ પેવિલિયનની ટિકિટ ખરીદી. સૈયામીને ત્યારે પોતે ડીઝનીલેન્ડમાં હોવાની લાગણી થઈ.

સૈયામીનો પ્રેમ ક્રિકેટ સુધી મર્યાદિત નથી. તેણે વિમ્બલડનની ટેનિસ લોનથી લઈને જોશ અને ઉલ્લાસથી ભરપૂર બોક્સિંગ ડે ટેસ્ટ જેવી મેચો પણ માણી છે. ૨૦૧૧માં તેણે મુંબઈમાં ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે લગભગ બે લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. 

આથી જ આશ્ચર્ય નથી કે તેના વર્તુળમાં અભિષેક બચ્ચન જેવા ક્રિકેટ રસિયા સામેલ છે. 'બ્રીથ: ઈનટુ ધી શેડોસ'ના શૂટીંગ દરમ્યાન બંને જણા તેમની સહિયારી ઘેલછાને કારણે નજીક આવ્યા. શૂટ દરમ્યાન ચેન્નઈમાં આઈપીએલ ફાઈનલ ચાલી રહી હતી અને બંને જણા સતત દિગ્દર્શકને શૂટ વહેલું સમાપ્ત કરવા દબાણ કરી રહ્યા હતા જેથી મેચ જોઈ શકાય. અભિષેકે તો ચેન્નઈમાં મેચ જોવા માટે હેલિકોપ્ટરની યોજના પણ વિચારી જોઈ જેથી બીજા દિવસે સવારે છ વાગ્યે શૂટ  માટે પાછા ફરી શકાય. સૈયામી પણ તેની સાથે જવા તલપાપડ હતી, જો કે તેમની યોજના સફળ ન થઈ શકી. તેમની ક્રિકેટ ચર્ચામાં તેઓ ક્યારેક એટલા તો ઓતપ્રોત થઈ જતા કે ક્રુએ તેમને શૂટ માટે તૈયાર કરવા દરમ્યાનગીરી કરવી પડતી.

ક્રિકેટ માટે તેમની સમાન ઘેલછા માત્ર ચર્ચા કરવા પૂરતી મર્યાદિત નહોતી, પણ ૨૦૨૩માં તેનું સુંદર રીતે ફિલ્મ 'ઘૂમર'માં પરિવર્તન થયું. સૈયામી આ ફિલ્મને પોતાની કારકિર્દીની સૌથી મહત્વની ફિલ્મ માને છે. સૌમ્ય દેખાવની ભીતર એક જ્વાળામુખી ભભૂકે છે, ખાસ કરીને જ્યારે તે રમતના મેદાન અથવા કેમેરાની સામે હોય. સૈયામીની સફરની શરૂઆત નાશિકથી થઈ જ્યાં તેના પ્રારંભિક જીવનને બાહ્ય ઉલ્લાસે આકાર આપ્યો. માત્ર સાત વર્ષની વયે તેણે બેડમિન્ટ રેકેટ સંભાળ્યું અને આઠ વર્ષની વયે તે જિલ્લા સ્તરની ટૂર્નામેન્ટ રમતી થઈ ગઈ. દસ વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં તેનું પહેલુ ઈનામ આઠસો રૂપિયા હતું જેનાથી તેણે માતાપિતા માટે કોર્ડલેસ ફોન ખરીદ્યો.

સૈયામી યાદ કરે છે કે નાશિકની સવાર ઠંડીગાર રહેતી, પણ એવા વાતાવરણમાં તે સવારે પાંચ વાગ્યે પહોંચી બેડમિન્ટન કોર્ટમાં તાલીમ માટે પહોંચી જતી જેમાં મોડી પડે કોચનો માર પણ ખાવો પડતો. તેની શિષ્તતા રંગ લાવી અને સ્પોર્ટ્સ ક્વોટામાં તેને મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ મળ્યો.

આ જ કોલેજમાં તેને અભિનયના રૂપમાં પોતાનો બીજો પ્રેમ મળ્યો. સૈયામી કહે છે કે હું ખૂબ જ શરમાળ હતી, આથી થિયેટર મારા માટે એવી અભિવ્યક્તિનું મંચ બની ગયું જે વાસ્તવિવક જીવનમાં હું વ્યક્ત નહોતી કરી શકતી. કોલેજમાં તેણે પસીનાથી તરબતર સવારો અને સ્પોટલાઈટથી ઝમગાટ થતી સાંજ વચ્ચે નાજુક સંતુલન મળી ગયું.

અનેક રીતે સ્પોર્ટ્સે તેને ગ્લમેરની દુનિયાના ભાવનાત્મક ચકડોળ માટે તૈયાર કરી. સૈયામી કહે છે કે જ્યારે ફિલ્મોમાં સફળતા નથી મળતી અને કડવાશ મગજ પર હાવી થઈ જાય છે ત્યારે સ્પોર્ટ્સની શીખ યાદ આવે છે કે નિષ્ફળતામાં ખંતથી ફરી તૈયારીમાં લાગી જાવ. સ્પોર્ટ્સની આ દ્રઢતા તેને પરફોર્મન્સમાં પણ ઝળકે છે, ખાસ કરીને ઘૂમર જેવી ફિલ્મોમાં તે વધુ પ્રદર્શિત થાય છે જ્યાં સૌથી સખત ફટકા મક્કમતાની પળોમાં પરિવર્તિત થાય છે.

 

 

Related News

Icon