
'જ્યારે જો હું પોતે જ રાજી ન હોઉં તો મારા પરિવારને શી રીતે આનંદમાં રાખી શકું? મારા મતે પરિવારની સાથે સાથે પોતાની ખુશી અને જરૂરિયાતો પણ યાદ રાખવી જ પડે'
નાના પડદાથી લઈને ઓટીટી, બૉલીવૂડ, પંજાબી સિનેમા જેવા વિવિધ માધ્યમોમાં અભિનેત્રી સુરવીન ચાવલાએ આગવી છાપ છોડી છે. 'હેટ સ્ટોરી-૨' હોય, 'ઊંગલી' હોય કે પછી 'સેક્રેડ ગેમ્સ', તેણે તેમાં ડાર્ક કેરેક્ટર બખૂબી નિભાવ્યાં છે. અને હવે તેના 'ક્રિમિનલ જસ્ટિસ-૪', 'મંડલા મર્ડર્સ', 'રાણા નાયડૂ-૨' અને 'અંધેરા' જેવા આગામી શોઝમાં પણ તે ડાર્ક કેરેક્ટરમાં જ જોવા મળશે. તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે શું અદાકારાને માત્ર જટિલ ભૂમિકાઓ ભજવવાનું જ ગમે છે?
આના જવાબમાં સુરવીન કહે છે કે ના, મને પણ હળવાશભર્યાં, ગ્લેમરસ પાત્રો ભજવવાની ઇચ્છા થાય છે. પરંતુ મારા ભાગે આવા કિરદાર ભાગ્યે જ આવે છે. જોકે આવા કિરદારમાં અભિનયના વિવિધ પાસાં દર્શાવવાની બહોળી તક મળે છે. તેમાં જીવનની વાસ્તવિક જટિલતા ધરબાયેલી હોય છે. આમ છતાં મને હળવુંફૂલ 'ડીકપલ્ડ' કરવાની બહુ મઝા આવી હતી.
આ ખૂબસુરત અદાકારાની છ વર્ષની પુત્રી પણ છે. આમ છતાં તેણે સાગમટે ચાર ચાર શો કર્યાં તેથી એમ લાગવું સ્વાભાવિક છે કે તે પોતાની પુત્રીને ક્યારે સાચવતી હશે? તેને ક્યારે સમય આપતી હશે? આનો ઉત્તર આપતાં સુરવીન કહે છે કે મારા પતિ અક્ષય ઠક્કર હમેશાં મારી પડખે ઊભા રહે છે. મારા મતે પતિ-પત્ની એક ગાડીના બે પૈડાં હોય છે અને બંને પૈડાંને એકસમાન સંતુલન સાધીને ચાલવાનું હોય છે. મારા પતિનો પોતાનો બિઝનેસ છે તેથી હું શૂટિંગમાં વ્યસ્ત હોઉં ત્યારે તેઓ અમારી પુત્રીને સાચવે છે. અને જ્યારે હું શૂટિંગ ન કરતી હોઉં ત્યારે અમારી વહાલસોઈ સાથે રહું છું. અલબત્ત, મને ઘણી વખત સળંગ ૩૦થી ૪૦ દિવસ સુધી શૂટિંગ કરવાનું હોય છે. આવા સમય દરમિયાન હું ઘણી વખત મારી દીકરીને મળી પણ નથી શકતી. સમજી શકાય એવી વાત છે કે પતિના સહકાર વિના આ રીતે કામ કરવું શક્ય નથી.
સામાન્ય રીતે સંતાન/સંતાનોને પૂરતો સમય ન આપી શકતી માતા ગુનાઇત લાગણી અનુભવે છે. પરંતુ સુરવીન નોખી માટીની બનેલી છે. તે કહે છે કે આ બાબતને સારી કહેવી કે નરસી તે હું નથી જાણતી. પરંતુ મેં ક્યારેય ગુનાઇત લાગણી અનુભવી નથી. માતા તરીકે તમારી પ્રાથમિકતાઓ બદલાઈ જાય અને તેમાં તમારું સંતાન ટોચ પર હોય તે સ્વાભાવિક છે. પરંતુ મારી પુત્રી અવતરી તેનાથી પહેલા પણ મારી એક આગવી ઓળખ હતી. હું એ ઓળખ ગુમાવવવા નથી માગતી. હું મારી ખુશીની બલિ ચડાવી દઉં તો સ્વયં શી રીતે ખુશ રહું? અને જ્યારે હું પોતે જ રાજી ન હોઉં તો મારા પરિવારને શી રીતે આનંદમાં રાખી શકું? મારા મતે પરિવારની સાથે સાથે પોતાની ખુશી અને જરૂરતો પણ યાદ રાખવી રહી.
અદાકારા પોતાના આગામી શોઝ વિશે કહે છે કે 'ક્રિમિનિલ જસ્ટિસ' મારી પ્રિય ફ્રેન્ચાઇસી છે. તેમાં રોમાંચ સાથે સામાજિક મુદ્દાઓ તેમ જ ભાવનાઓને પણ સમાવી લેવામાં આવી છે. વળી હું પંકજ ત્રિપાઠીની જબરી પ્રશંસક છું તેથી તેમની સાથે કામ કરવાનો અવસર શી રીતે જતો કરું? તેમને તમે અભિનયની પાઠશાળાથી ઓછું કાંઈ ન કહી શકો. જ્યારે 'મંડલા મર્ડર્સ' એકદમ અલગ પ્રકારનો શો છે. આ રોમાંચક શોમાં પણ મોહબ્બત, એક્શન અને રહસ્યનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. તેમાં મારી ભૂમિકા 'ક્રિમિનલ જસ્ટિસ' કરતાં તદ્દન જુદા પ્રકારની છે. 'રાણા નાયડૂ'ની બીજી સીઝન એકદમ ધમાકેદાર હશે. જ્યારે 'અંધેરા' એક આધ્યાત્મિક થ્રિલર છે. તેમાં પુષ્કળ હૉરર છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ ચારેય શો થ્રિલર હોવા છતાં એકબીજા કરતાં જુદાં પ્રકારના છે.