Home / Entertainment : Kavita Seth: The singer's Sufi style is a unique one

chitalok: કવિતા સેઠ : નોખી ભાત પાડે છે ગાયિકાનો સૂફિયાના અંદાજ

chitalok: કવિતા સેઠ : નોખી ભાત પાડે છે ગાયિકાનો સૂફિયાના અંદાજ

ગુંજા સા હૈ કોઈ ઇકતારા...' અને 'તુમ હી હો બંધુ...' જેવા ગીતોને પોતાના સૂફિયાના સ્વરમાં રજૂ કરીને ગાયિકા કવિતા સેઠે સંગીત પ્રેમીઓના દિલ ડોલાવી દીધાં. અને હવે પુત્ર કનિષ્ક સાથે મળીને કવિતાએ બતાવી આપ્યું છે કે તે જેટલી સારી ગાયિકા છે, એટલું જ સરસ સંગીત પણ પીરસી શકે છે. પુત્ર સાથે મળીને કમ્પોઝ કરેલા તેના ગીતો 'રંગી સારી ગુલાબી ચુનરિયા...' તેમ જ 'કેસરી ચેપ્ટર-૨'નું ગીત 'ખુમારી...' રંગ જમાવી રહ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મૂળભૂત રીતે બરેલી જેવા નાના શહેરની આ ગાયિકાનો સૂફિયાના અંદાજ તેની ઓળખ બની ગયો છે. તે આ બાબતે કહે છે કે દરેક કલાકારનો એક આગવો અંદાજ હોય છે જે તેને અન્ય કલાકારો કરતાં નોખો તારવે છે. અલબત્ત, આગવો અંદાજ પ્રસ્થાપિત કરવા ખાસ્સી મહેનત કરવી પડે. મેં મહેનત કરવામાં લગીરેય પાછીપાની નહોતી કરી. મારો સ્વર તદ્દન અલગ પ્રકારનો હતો. તેને તમે હાઈ પીચ વૉઇસ પણ ન કહી શકો. આવી સ્થિતિમાં મને મારો નોખો અંદાજ રજૂ કરવાની નોબત આવી. અને મેં તે કરી બતાવ્યું. મારો આત્મવિશ્વાસ બુલંદ હતો તેથી ફિલ્મોદ્યોગમાં આવ્યા પછી પણ મેં કામ મેળવવા કોઈના પગથિયાં નહોતા ઘસ્યાં. અહીં આવીને મેં મારા શો કરવા માંડયા, મારા કંઠની નોંધ લેવાઈ અને મને કામ મળવા લાગ્યું. જોકે ગાયિકા કબૂલે છે કે મારા કંઠને દાદ મળી, એક પારિતોષિક માટે મને નામાંકન પણ મળ્યું. આમ છતાં તેના ત્રણ વર્ષ સુધી મને કોઈ કામ ન સાંપડયું. છેવટે 'ઇકતારા...' ગીતે મને ખ્યાતિ અપાવી.

સામાન્ય રીતે નાના શહેરના કલાકારો, ખાસ કરીને મહિલાઓ લગ્ન પછી પોતાનું હુન્નર મનના ભંડાકિયામાં ઢબૂરીને પોતાનો સંસાર સાચવવામાં પડી જાય છે, પણ કવિતાએ એવું ન કર્યું. તે કહે છે કે મારા અરેન્જ મેરેજ થયાં હતાં. મેં વિવાહ કરવાથી પહેલા શરત મૂકી હતી કે હું મારું સંગીત નહીં છોડું. અને મારા પતિએ મને ક્યારેય સંગીત છોડવાનું નથી કહ્યું. તે વધુમાં કહે છે કે મારા બંને બાળકોના જન્મ પછી મેં પ્રોફેશનલી શો કરવાનું શરૂ કરેલું. દિલ્હીમાં મેં પુષ્કળ શો કર્યાં હતા. આવા જ એક શો દરમિયાન સતિશ કૌશિકે મને સાંભળી અને ફિલ્મ 'વાદા'માં ગાવાની તક આપી. ત્યાર પછી મહેશ ભટ્ટે મને કહ્યું હતું કે તારા કંઠમાં જાદુ છે. જો તું તારી કારકિર્દી પ્રત્યે ગંભીર હોય તો મુંબઈ આવી જા. જો ક્યારેક કામ મળી જાય તો તારું મુંબઈમાં રહેવું જરૂરી બની જાય. તેમની વાત માનીને દિલ્હીનું સઘળું છોડીને મારા સંતાનોને લઈને મેં મુંબઈની વાટ ઝાલી. દિલ્હીમાં હું પુષ્કળ શો કરતી હતી અને મબલખ નાણાં રળતી હતી. પરંતુ મુંબઈમાં મને નવેસરથી આરંભ કરવાનો હતો. પરંતુ મારા મનમાં કાંઈક મોટું કરવાનું ઝનૂન હતું. અને ફિલ્મો બહુ મોટું માધ્યમ છે. અહીં તમારું એક હીટ ગીત તમને કરોડો લોકો સુધી પહોંચાડી દે. એટલું જ નહીં, તમે વર્ષો સુધી તેમના મનમાં ઘર કરી શકો.

જોકે કવિતાએ ગાયકીની તુલનામાં સંગીત આપવાનું કામ જૂજ કર્યું છે. આ બાબતે ગાયિકા કહે છે કે હું ગીતના બોલ વિશે બહુ ચૂઝી છું. મારા માટે તે સૌથી વધુ મહત્વ ધરાવે છે. હા, સંગીતની વાત છે ત્યાં સુધી એકદમથી કોઈક મૂડ આવે અને ધૂન બની જાય. એક વખત હું કાંઈક ગણગણી રહી હતી. તે વખતે મનમાં રાગ દરબારી ચાલી રહ્યો હતો ત્યાર પછી 'ખુમારી'ના બોલ મળ્યાં અને ધૂન બની ગઈ. પછીથી મારા પુત્ર અને સાથીસંગીતકાર કનિષ્કે તેને મઠારીને તેને અતિ કર્ણપ્રિય બનાવ્યું. મને એ વાતની ખુશી છે કે અમે મર્યાદિત, પણ ગુણવત્તાસભર કામ કરીએ છીએ. આજે ફિલ્મોમાં ગીતોની લગભગ બાદબાકી થઈ ગઈ છે. પરંતુ કવિતા માને છે કે કર્ણપ્રિય અને હૈયાને સ્પર્શી જાય એવા ગીતો આપોઆપ લાખો લોકો સુધી પહોંચી જ જાય છે. તે કહે છે કે આપણું ભારતીય સંગીત એટલું સમૃધ્ધ છે કે તેના પ્રત્યે લોકો ન આકર્ષાય તો જ નવાઈ. કવિતા એમ પણ માને છે કે કનિષ્ક અને તેની વચ્ચે રહેલો સમજનો સેતૂ 'રંગી સારી...' અને 'ખુમારી' જેવા ગીતો પાછળનું મહત્વનું પરિબળ છે. હું કાંઈક કમ્પોઝ કર્યા પછી કનિષ્કને આપી દઉં છું. અને કનિષ્ક તેને મઠારે છે. કનિષ્ક પણ કહે છે કે અમારી વચ્ચે રહેલી સમજ સરસ સંગીતને જન્મ આપે છે.

Related News

Icon