
ટીવી અભિનેત્રી દીપિકા કક્કર (Dipika Kakar) હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ તેણે જણાવ્યું હતું કે તેને કેન્સર છે જેની સારવાર ચાલી રહી છે. જોકે, બે દિવસ પહેલા દીપિકા કક્કર (Dipika Kakar) નું ઓપરેશન થયું હતું અને તેના લીવરમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી. હવે બે દિવસ પછી, તેના પતિ શોએબ ઈબ્રાહિમ (Shoaib Ibrahim) એ સર્જરી વિશે જાણકારી આપી હતી. તેમજ પોતાના વ્લોગમાં દીપિકાની સ્થિતિથી લઈને તેના ડિસ્ચાર્જ સુધીની બધી જ માહિતી આપી છે.
દીપિકાની સર્જરી 14 કલાક ચાલી
અભિનેતા અને દીપિકા કક્કર( Dipika Kakar) ના પતિ શોએબ ઈબ્રાહિમ (Shoaib Ibrahim) એ પોતાના નવા વ્લોગમાં દીપિકાની સર્જરી વિશે જણાવ્યું હતું કે, "દીપિકાની સર્જરી 14 કલાક ચાલી હતી, તેને સવારે OTમાં લઈ જવામાં આવી હતી. ઈદ ઉલ-અઝહા છે અને આજે આવા શુભ દિવસે દીપિકા ICUમાંથી બહાર આવી છે. હું ખરેખર આભારી છું કે તે ICUમાંથી બહાર આવી છે અને અમારી સાથે છે. તે ત્રણ દિવસ ICUમાં હતી અને સર્જરી પછી તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. 14 કલાક પછી દીપિકાને ICUમાં શિફ્ટ કરવામાં આવી અને સર્જરી સફળ રહી."
શોએબે દીપિકાની સર્જરી વિશે વધુમાં કહ્યું કે, "અમે બધા ચિંતિત હતા કારણ કે ડોકટરોએ કહ્યું હતું કે આ એક લાંબી સર્જરી હશે. તેને સવારે 8:30 વાગ્યે દાખલ કરવામાં આવી હતી અને તે રાત્રે 11:30 વાગ્યે OTમાંથી બહાર આવી હતી. પછી જ્યારે તેને ICUમાં ખસેડવામાં આવી ત્યારે હું તેને મળ્યો. સાંજે 6-7 વાગ્યે, અમે બધા ગભરાઈ ગયા કારણ કે OTમાંથી કોઈ અપડેટ ન આવ્યું કારણ કે અમે ક્યારેય આવી ગંભીર સર્જરી નહતી જોઈ. સદભાગ્યે, ડોક્ટરે મને ખાતરી આપી કે જો તેઓ અપડેટ માટે બહાર નહીં આવે, તો તેનો અર્થ એ છે કે સર્જરી સારી રીતે ચાલી રહી છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે."
શોએબે ફેન્સનો આભાર માન્યો
શોએબે ફેન્સનો આભાર માન્યો અને કહ્યું કે, "તમે દીપિકા માટે પ્રાર્થના કરી જે કામ કરી ગઈ અને બધું સારું થયું. હવે દીપિકા થોડા દિવસો સુધી ડોક્ટરની દેખરેખ હેઠળ રહેશે, તેની તબિયત સુધરી રહી છે અને તે ટૂંક સમયમાં ઘરે આવશે."
આ સાથે જ દીપિકાના પિતાશયમાં પણ પથરી હોવાથી પિતાશય કાઢી નાખવામાં આવ્યું છે. તેમજ લીવરમાં ગાંઠ કેન્સરગ્રસ્ત હોવાથી લીવરનો એક નાનો ભાગ કાપી નાખવો પડ્યો હતો.