
મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ મંગળવારે ત્રણ મહિલાઓની 8.5 કરોડ રૂપિયાના ગાંજા (હાઇડ્રોપોનિક વીડી) સાથે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આમાંથી બે મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ થાઇલેન્ડની ફ્રી ટ્રિપની લાલચમાં આવી આ પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી કરવા સંમત થઇ હતી.
આરોપીઓની ઓળખ દિલ્હી નિવાસી પ્રિયંકા કુમાર (44), મધ્ય પ્રદેશના ભોપાલની વતની ઇશિકા કાલતારી (19) અને ગુજરાતના સુરતની 40 વર્ષીય આસ્માબાનો તરીકે થઇ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રિયંકા પાસેથી 3.24 કિલો, ઇશિકા પાસેથી 3.52 કિલો અને આસ્મા પાસેથી 1.86 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે આમાથી બે આરોપીઓએ કસ્ટમ અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ જાણતી હતી કે ડ્રગ્સની હેરાફેરી સજાપાત્ર ગુનો છે. પણ બેંગકોક (થાઇલેન્ડ)ની મફત વિદેશ યાત્રાની ઓફરના પ્રલોભનમાં આવી ગઇ હોવાનું બંનેએ કબૂલ્યું હતું. કસ્ટમ વિભાગે જપ્ત કરેલો ગાંજા હાઇડ્રોપોનિક વીડ તરીકે ઓળખાય છે અને તે નશાનો એક સ્ટ્રોન્ગ પ્રકાર છે અને તે ઘણો મોંઘો છે.
ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો
સૂત્રોના જણાવ્યાનુસાર કસ્ટમ વિભાગને માહિતી મળી હતી કે મુંબઇ એરપોર્ટ પર બેંગકોકથી ભારતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સની દાણચોરી થવાની છે. આ માહિતીના આધારે અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું. આ સમયે બે મહિલા મુસાફરો ફ્લાઇટ નંબર એસએલ- 218 દ્વારા અને એક મહિલા મુસાફર ફ્લાઇટ નંબર વીઝેડ- 760 દ્વારા બેંગકોકથી મુંબઇ એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા તેમને અટકાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન બેચેન અને અસ્વસ્થ બની ગઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના સામાનની તપાસમાં 8.5 કરોડ રૂપિયાની કિંમતનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો મળી આવ્યો હતો.
સૂત્રોનુસાર બ્યુટી સલૂનમાં કામ કરતી અસ્માએ સ્વાસ્થય સંબંધિત કેટલીક સમસ્યાઓના કારણે સલૂનનું કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેણે જણાવ્યું હતું કે આ કામ માટે તેને ૧૫ હજાર રૂપિયાના કમિશનનું વચન આપવામાં આવ્યું હતું. આ જથ્થો તેણે સુરતમાં એક વ્યક્તિને પહોંચાડવાનો હતો. અન્ય એક સૂત્રઅનુસાર આ દાણચોરીના પ્રયાસ પાછળ બ્રાઝિલના એક ઓપરેટરનો હાથ હોવાની શંકા છે. ઝડપાયેલી એક મહિલા પાસે બ્રાઝિલની એક મહિલાનો સંપર્ક નંબર પણ મળી આવ્યો હતો. એવી શંકા છે કે તે પણ ડ્રગ્સ સપ્લાય કરે છે. આ ત્રણેય સામે એનડીપીએસ એકટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે