'ઓપરેશન સિંદૂર' દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં કોઈ હવાઈ સંરક્ષણ સિસ્ટમ કે અન્ય કોઈ હવાઈ સંરક્ષણ સંસાધન તૈનાત કરવામાં આવ્યું ન હતું. ભારતીય સેનાએ મંગળવારે એક નિવેદન જારી કરીને આ સ્પષ્ટતા આપી છે. આ નિવેદન એવા અહેવાલો બાદ આવ્યું છે કે સુવર્ણ મંદિરના મેનેજમેન્ટે પાકિસ્તાન તરફથી સંભવિત ડ્રોન અને મિસાઇલ ખતરાનો સામનો કરવા માટે સેનાને મંદિર સંકુલની અંદર હવાઈ સંરક્ષણ સિસ્ટમ તૈનાત કરવાની મંજૂરી આપી હતી. એક નિવેદનમાં, સેનાએ જણાવ્યું હતું કે, "સુવર્ણ મંદિરમાં હવાઈ સંરક્ષણ સિસ્ટમની તૈનાતી અંગે મીડિયામાં કેટલાક અહેવાલો ફરતા થઈ રહ્યા છે. જેથી સ્પષ્ટ કરવામાં આવે છે કે શ્રી દરબાર સાહિબ અમૃતસર (સુવર્ણ મંદિર) ના સંકુલમાં કોઈ હવાઈ સંરક્ષણ સિસ્ટમ, અન્ય કોઈ હવાઈ સંરક્ષણ સંસાધન કે કોઈ હવાઈ સંરક્ષણ બંદૂક તૈનાત કરવામાં આવી ન હતી."

