Home / GSTV શતરંગ : Not just Boeing, but America's reputation is at stake.

GSTV શતરંગ / બોઇંગ જ નહીં અમેરિકાની પ્રતિષ્ઠા પણ હોડ પર

GSTV શતરંગ / બોઇંગ જ નહીં અમેરિકાની પ્રતિષ્ઠા પણ હોડ પર

- વિવિધા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કેમ બની તે રીપોર્ટ પર વિશ્વની નજર પણ મંડાયેલી છે

- ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઇસ્ટના પ્રવાસમાં ગયા મહિને ૨૪૦ જેટલા બોઇંગ કોમર્શિયલ વિમાનો વેચવામાં ભૂમિકા ભજવી હતી

- બોઇંગ ડિફેન્સ સેક્ટર અમેરિકાનો પાવર અને કોમર્શિયલ સેક્ટર સોફ્ટ પાવર છે

પેરિસમાં દર બે વર્ષે યોજાતો એર શો વિશેષ કરીને વિશ્વની ટોચની વિમાન ઉત્પાદન કરતી કંપનીઓ માટે કુંભમેળા સમાન હોય છે.૧૯૦૯ની સાલથી તે યોજાય છે તેનાં પરથી તેની વિશ્વસનીયતા અને મહત્તા સમજી શકાય છે. ટચૂકડા પ્રાઇવેટથી માંડી કોમર્શિયલ વિમાનો,સંરક્ષણ અને આક્રમણ માટેના યુદ્ધ વિમાનો બનાવતી કંપનીઓ તેમના વર્તમાન અને ભાવિ વિમાનના મોડલનું પ્રદર્શન કરે છે. વિશ્વભરની એરલાઈન્સ અને સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિઓ અને કંપનીના સી.ઇ.ઓ. તેમાં ભાગ લે છે અને ખરીદીના ઓર્ડર પણ પ્રત્યેક સ્ટોલની મુલાકાત લીધા બાદ મૂકે છે કે પછી તેની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે.

એર શો કેવો રહ્યો

જોગાનુજોગ આ એર શો આ વખતે પેરિસમાં ૧૬થી ૨૨ જૂન દરમ્યાન યોજાયો હતો. તે રીતે જોઈએ તો હજુ ત્રણ દિવસ પહેલા જ તે પૂર્ણ થયો.

કોમર્શિયલ વિમાનોમાં સ્વાભાવિક છે બે બરાબરના બળિયા સમાન કંપની અમેરિકાની બોઇંગ અને યુરોપિયન જૂથ વતી આકાર પામેલ ફ્રાન્સની એરબસ કંપની વચ્ચે જ ધંધા માટેની સ્કાય વોર હોય છે.

બોઇંગે આ એર શોમાં વેચાણની રીતે છવાઈ જવાની સરસાઇ મેળવવા તડામાર તૈયારી કરી હતી પણ એર શો શરૂ થવાના ચાર દિવસ પહેલા જ એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફલાઇટ ઉડ્ડયનની બે મિનિટમાં જ ક્રેશ થઇ અને ચમત્કારિક રીતે બચી ગયેલ એકને બાદ કરતા તમામ ૨૪૧ મુસાફરોના મૃત્યુ થયાની ઘટનાએ વિશ્વભરમાં ચકચાર જગાવી. વિમાન એરપોર્ટ નજીક આવેલ બી.જે. મેડિકલ કોલેજની કેન્ટીન પર જ પડતા નવ અન્ય વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. જે વિમાન ક્રેશ થયું તે બોઇંગ કંપનીનું ૭૮૭ ડ્રીમ લાઇનર વિમાન હતું.

બોઇંગ કંપનીએ પેરિસના એર શોમાં તેના આ જ મોડેલને વિશેષ હાઈલાઇટ કરી છવાઈ જવાની તમામ તૈયારી કરી હતી પણ અમદાવાદ વિમાન દુર્ઘટના પછી તેઓના માર્કેટિંગ અને બીઝનેસના અરમાનો પણ જમીનદોસ્ત થઈ ગયા હતા.

બોઇંગની કફોડી હાલત

બોઈંગની હાલત એવી મૂંઝવણભરી થઈ ગઈ હતી કે તેઓને કંપનીની પ્રતિષ્ઠા બચાવવાની યોજના ઘડવી પડી હતી.

પહેલી વાર એવું બન્યું કે બોઇંગના સી.ઇ.ઓ.એ એર શોમાં ભાગ ન લીધો. બોઇંગના વર્તમાન સી.ઇ.ઓ. કેલી આર્ટબર્ગ અને કોમર્શિયલ વિમાન વિભાગના વડા સ્ટેફાઇન પોપે છેલ્લી ઘડીએ 'કયા મોઢે જવું' જેવી શરમ અંતર્ગત એર શોમાં જવાનું ટાળ્યું. બોઇંગના એક્ઝિક્યુટીવ્સ અને પ્રતિનિધિઓએ શર્ટ પર અમદાવાદની દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતી બ્લ્યુ રંગની ગોલ્ડ પીન ભરાવીને હાજરી આપી હતી.

બોઇંગ કંપનીના વિશાળ સ્ટોલના પ્રવેશ દ્વારે લાલ અને સફેદ રંગના ફૂલો અને બુકે પણ માતમનો મલાજો પાળવા મૂકવામાં આવ્યા હતા.

બોઈંગની હાલત છેલ્લા છ વર્ષથી એવી રીતે ખરાબ છે કે તેઓને તેમના વિમાનના જુદા જુદા મોડેલે જે અકસ્માત કર્યા છે તેમાંથી બચાવ કરવાની તક જ નથી મળી. ૨૦૧૮ અને તે પછી ૨૦૧૯માં બોઇંગના ૭૩૭ મેક્સ વિમાનના મોટી જાનહાનિ સાથે ક્રેશ થયા હતા. તે પછી ભારે પ્રયત્ન બાદ વિશ્વાસ મેળવ્યો ત્યાં જ અલાસ્કામાં દુર્ઘટના બની તેના પગલે બોઈંગને ત્યાં તાત્કાલિક વિશેષ ટીમ મોકલવી પડી હતી. છેલ્લા ત્રણેક વર્ષ તેઓના ઠીક નીકળ્યા તો પણ કંપનીના વર્તમાન અને કેટલાક ભૂતપૂર્વ એન્જિનિયરોએ વ્હીસલ બ્લોઅર બનીને બોઇંગના વિમાન જે બેજવાબદારીથી બને છે તેની સામે જાહેરમાં સવાલ ઉઠાવ્યા.

બોઇંગ કંપની પર હાલ જાણે આભ ફાટયું હોય તેવી હાલત છે. તેવી જ દુર્દશા એર ઇન્ડિયાની થઈ છે. એર શોમાં તેઓએ સ્વીકાર્યું હતું કે પ્લેન ક્રેશમાં અમારી ભૂલ હશે તો અમે ટેકનિકલી ફેરફાર કરવા તૈયાર રહીશું પણ રીપોર્ટ આવે પછી જ કહી શકાય.

અમેરિકાને વધુ ચિંતા

બોઇંગ કંપનીની પ્રતિષ્ઠાને જરા સરખી પણ આંચ આવે તો તેની ચિંતા બોઇંગ કંપનીના માલિકો કે સી.ઇ.ઓ. કરતા અમેરિકાની ડેમોક્રેટિક કે રિપબ્લિકન કોઇપણ સરકાર હોય તેને વધુ થાય કેમ કે અમેરિકાની વિશ્વમાં ધાક અને સુપર પાવર જેવું વજન છે તેના કેટલાક કારણોમાં મહત્વનું કારણ અમેરિકા શસ્ત્રો,સરંજામ અને અતિ અદ્યતન ફાઇટર જેટના ઉત્પાદનમાં નંબર વન છે તેને કહી શકાય.

અમેરિકાની આર્થિક તાકાત તેઓ વિશ્વના ૧૨૫થી વધુ દેશોને ફાઇટર વિમાનો વેચે છે તેના થકી છે. જે રીતે રશિયાને સુખોઇ અને મિગ વિમાન, ફ્રાન્સને રાફેલ  કે બ્રિટનને હોકર,સુપર મરીન અને ગ્લોસ્ટર ફાઇટર વિમાનની પ્રતિષ્ઠા પર ફટકો પડે તે ન પોસાય તેના કરતા પણ અનેક ગણી વિશ્વસનીયતા અમેરિકાને તેના લડાકુ વિમાનમાં જળવાય તે મહત્વની છે.

યુ.એસ વિરુદ્ધ રશિયા

બોઈંગની વર્ષની કુલ  આવક (રેવન્યુ) ૭૮ અબજ ડોલર છે તેમાંથી ત્રીજા ભાગની આવક ડિફેન્સ,સ્પેસ અને સિક્યોરિટી વિમાન,હેલિકોપ્ટર અને અને સરંજામની છે. જો કે અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની ડિફેન્સ સેક્ટરમાં વર્ષે ૬૪ અબજ ડોલરની રેવન્યુ સાથે વિશ્વમાં ટોચ પર છે.

અમેરિકાનું ભાવિ વિશ્વમાં પણ તાકતવર તરીકે સરસાઇ ધરાવે એટલે બોઇંગ સ્પેસ એજ,રોબો એજ અને એ.આઇ. એજના વિમાનો હાલ તૈયાર કરી રહ્યું છે. સ્પેસ મિશનમાં પણ તેઓની ભૂમિકા છે.

અમેરિકાની કંપની બોઈંગને સબસિડી પણ આપે છે

રશિયા અને અમેરિકા વચ્ચે આ સેક્ટરમાં તીવ્ર સ્પર્ધા છે. બોઇંગના એફ અને બી શ્રેણીના ફાઇટર વિમાન અને રશિયાના સુખોઇ શ્રેણીના વિમાનોની સ્પર્ધા વૈશ્વિક તાકાત પુરવાર કરવાનો મોરચો પણ છે.

બોઇંગ બ્રાન્ડ અમેરિકા અને તેની સરકાર માટેનું નાક કહી શકાય. બોઇંગ કંપનીનું ડિફેન્સ સેક્ટર પાવર છે તો કોમર્શિયલ વિમાનોનો વિભાગ સોફ્ટ પાવર છે.

અમેરિકાના પ્રેસિડેન્ટનું એર ફોર્સ વન વિમાન પણ બોઇંગ બનાવે છે અને તેની જાળવણી કરે છે.

ટ્રમ્પની પ્રતિષ્ઠાનો સવાલ

કોઈ દેશના પ્રેસિડેન્ટ તેના દેશની કોઈ પ્રોડક્ટ વેચવાના કરાર કરવા માટે સેલ્સમેન બનીને અન્ય દેશનો પ્રવાસ ખેડે ખરા? અને તે પણ અમેરિકા? જી હા,ડોનાલ્ડ ટ્રમ્પ ગયા મહિને મિડલ ઇસ્ટના પ્રવાસે ગયા ત્યારે તેમણે સાઉદી અરેબિયાની એર લાઇન્સને બોઇંગ કંપનીના ૩૦ કોમર્શિયલ વિમાન કે જે ૭૩૭ મેક્સ મોડલના હશે તેના વેચાણ કરાર કરાવ્યા તે પછી કતાર એર લાઇન્સે તો ટ્રમ્પના પ્રભાવ હેઠળ બોઈંગને જેકપોટ ભેટ ધરતા ૨૧૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો. જેમાંથી ૧૩૦ તો અમદાવાદમાં જે મોડલના વિમાનમાં અકસ્માત સર્જાયો તે વિવાદાસ્પદ ૭૮૭ મોડેલનો છે.

બોઇંગ કોમર્શિયલ સેક્ટરમાં જે રીતે વિમાનોનું ઉત્પાદન થાય છે તેની સામે દસ જેટલા વ્હીસલ બ્લોઅર છે.બે આવી વ્યક્તિના રહસ્યમય મૃત્યુ થઈ ચૂક્યા છે.

વ્હીસલ બ્લોઅરની વાત

અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તે ૭૮૭ ડ્રીમ લાઇનર વિમાનનું જે રીતે ઉત્પાદન થયું છે તેની સામે ૩૦ વર્ષથી બોઈંગમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરતા સામ સાલેહપોર વ્હીસલ બ્લોઅર બનીને અવાજ ઉઠાવી રહ્યા છે. અમેરિકામાં વ્હીસલ બ્લોઅરને કાયદા મુજબ નોકરીમાંથી કાઢી શકાતા નથી તેથી સામ ધરાર કંપનીમાં કાર્યરત છે.

તેમના કહેવા પ્રમાણે કંપનીના સિનિયર તેને ધમકી આપે છે, મિટિંગમાં ભાગ નથી લેવા દેતા તથા અનેક પ્રકારનો માનસિક ત્રાસ આપે છે.

સામ સાલેહપોર કહે છે કે વિમાનના જુદા જુદા પાર્ટસને એવી રીતે જોડાવાના હોય છે કે બે જોડેલા પાર્ટસ વચ્ચે એક વાળ જેટલું પણ અંતર ન હોવું જોઈએ પણ પાર્ટસની ડિઝાઇન એક જથ્થા માટે એવી રીતે બની હતી કે પાર્ટસને જોડતા બારીક જગ્યા રહેતી હતી. આથી પાર્ટસ રીતસર પગ પછાડી વજન આપીને બે પાર્ટસનું અંતર ઘટાડવા બળજબરી કરાઈ છે. આવી ખામી ધરાવતા વિમાન ક્રેશ થાય પણ ખરું અને કાયમ ન પણ થાય. આમ છતાં કોઇપણ કંપનીએ આવી તાંતણા જેટલી ખામી પણ ખબર હોય તો ઓકે ન કરાય પણ બોઇંગ આવું કરતું રહ્યું છે.

હવે અમદાવાદનું પ્લેન ક્રેશ થતા સામ સાલેહપોર ફરી અમેરિકામાં ચર્ચામાં છે.

એર ઇન્ડિયા સક્રિય

એર ઈન્ડિયા અમદાવાદ પ્લેન ક્રેશ પછી કોઈ ચાન્સ લેવા નથી માંગતું. ભારતના ઉડ્ડયન વિભાગની ચકાસણી શાખા (ડી.જી.સી.એ) ને એર ઇન્ડિયાએ જ વિનંતી કરી છે કે તેઓ પાસેના બોઇંગના વિમાનોની ટેકનીકલી તપાસ કરે. એર ઇન્ડિયાએ આથી જ હાલ તેઓને ભલે રોષ વહોરવો પડે પણ ફ્લાઈટ રદ કરીને પણ ઇન્સ્પેક્શનને પ્રાધાન્ય આપ્યું છે. ત્રણ અધિકારી સસ્પેન્ડ કરાયા છે અને તમામ મૃતકની અંતિમ યાત્રામાં ભાગ લેવા કોઈને કોઈ સ્ટાફને એર ઇન્ડિયાએ મોકલી ગુડવિલ બતાવી છે.

પારદર્શક રીપોર્ટની આશા

હવે એકાદ મહિને રિપોર્ટ આવશે ત્યારે ઘટનાનો પ્રભાવ ઘટયો હોઈ શકે.મૃતકના પરિવારજનોને બાદ કરતા આમ નાગરિકોમાં ઘટનાનો પ્રભાવ ઘટયો હશે.

અમેરિકામાં બોઈંગને ૭૩૭ મેક્સ વિમાનના સંદર્ભમાં ત્યાંની તપાસ સમિતિએ ઠપકો આપ્યો હતો પણ ઝડપથી બધું સામું સુતરુ થઈ ગયેલું .બોઇંગ કંપનીની ઇમેજ ખરડાય તે અમેરિકા અને અમેરિકનની સરકાર અને તેના પ્રેસિડેન્ટને પણ ભારે પડી જાય કેમ કે લેખમાં જણાવ્યું તેમ અમેરિકા,રશિયા,ફ્રાન્સ (ચીન પણ) વચ્ચે કોમર્શિયલ અને ડિફેન્સ સેક્ટરમાં ગળાકાપ હરીફાઈ પ્રવર્તે છે. અમેરિકાને સુપર પાવર તરીકે વર્તમાન અને ભવિષ્યમાં ટકી રહેવું હોય તો બોઈંગની ઇમેજ બુલંદ રહેવી જરૂરી છે.

આશા રાખીએ કે અમદાવાદના વિમાન ક્રેશના કારણની તપાસ પારદર્શક રહે. 

- ભવેન કચ્છી

Related News

Icon