
Weather update: ગત અઠવાડિયે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો તેની અસર હજી ચાલુ છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ ગ્રામ્ય સહિતના વિસ્તારમાં આંધી સાથે માવઠાની આગાહી કરી છે. ત્યારબાદ ધીમેધીમે ગરમીનો પારો ઉચકાશે. જો કે, આગામી ત્રણ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની હવામાન વિભાગે વર્તારો વ્યક્ત કર્યો છે. પરંતુ તેમ છતાં 13મેના રોજ એટલે કે, મંગળવાર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ જરૂરથી વ્યક્ત કરી છે.
મળતી વિગતો અનુસાર, હવામાન વિભાગે રાજ્યમાં ગરમીમાં ક્રમશ વધારો થવાની તેમજ માવઠાની આગાહી કરી છે. જો કે, ત્યારબાદ સાત દિવસમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધી જશે. જેના લીધે ગરમીમાં ભારે વધારો થતા લોકો ગરમીથી અકળાઈ જવાના છે. 13મી મેના રોજ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. કારણ કે, ખેતરોમાં અનાજ અને આંબા પર રહેલી કેરીઓ પણ ચિંતાનો વિષય બન્યો છે. આ સિવાય લોકોમાં ગરમી અને કમોસમી વરસાદથી વાયરલ બીમારીઓ પણ વધતી હોય છે.
દ્વારકાને કમોસમી વરસાદે ઘમરોળ્યું
દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર તેમજ ભાણવડ પંથકમાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કલ્યાણપુર તાલુકાના બાકોડી, રાવલ, ટંકારિયા, હરિપર, પાનેલી, રાજપરા સહિતના ગામોમાં તોફાની વરસાદ પડયો હતો.
તો બીજી તરફ ખંભાળિયાના માંઝા, ભટગામા, કોલવા, ખોખરી, રામનગર, હર્ષદપુર,શકિતનગર સહિતના ગામોમાં માવઠું થયું હતું. સાથે જ ભાણવડ પંથકના ગુંદા, વેરાડ, ઘુમલી, મોડપર, પાસતર સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસી રહેલા માવઠાના લીધે ધરતીપુત્રનો અમૂલ્ય ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.