
નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી મંત્રી એક બાદ એક નકલી માણસો ઝડપાઈ રહ્યા છે, તેવામાં અમદાવાદમાંથી આખેઆખી નકલી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો છે. નરોડા વિસ્તારમાં ચાલતી આ નકલી હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર પણ બનાવવામાં આવ્યા હતા. જો કે, અંતે ભાંડો ફુટી જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ અને સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે નરોડા પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે, જેણે નરોડા વિસ્તારમાં નાના ચીલોડા ખાતે શીખર એવન્યુ કોમ્પલેક્ષમાં દુકાન ભાડે રાખી હોસ્પિટલ શરૂ કરી હતી. એટલું જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહી સિક્કા વાળું ખોટું ફોર્મ સી બનાવી કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વિના થ્રી સ્ટાર નામની હોસ્પિટલ શરૂ કરી, જેમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર બનાવી નાખ્યું.
ડિગ્રી વિના સારવાર કરી દર્દીઓ પાસેથી પૈસા વસુલ્યા અને પોલીસીમાં ઠગાઈ આચરી
તેમજ કોઈ પણ જાતની ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરી, અને હોસ્પિટલના નામવાળા ખોટા સિક્કા બનાવી તેનો ઉપયોગ કરી મેડિકલ પોલીસીનાં ક્લેઈમ પણ પાસ કરાવ્યા હતા. આ આરોપીએ અલગ અલગ ડોક્ટર્સના નામનો અને તેઓને મળેલા રજીસ્ટ્રેશન નંબરનો દૂરઉપયોગ કરી સારવાર સર્ટી બનાવ્યા હતા. તેમજ દર્દી પાસેથી સારવારનાં પૈસા વસૂલી 4 જેટલી પોલીસીનાં 2 લાખ 8 હજાર 672 રૂપિયાનો ક્લેઈમ મંજૂર કરાવ્યો હતો, જેમાં દર્દીઓને પૈસા પરત અપાવવાની બાંહેધરી આપી વિમા કંપની તેમજ પોલીસી ધારકો સાથે ઠગાઈ આચરી હતી.
મેડિક્લેઈમ ઓફિસરને શંકા જતા તેમણે તપાસ કરી
નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને એચડીએફસી અર્ગો જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં આસીસટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર શ્રીનીવાસ જનારામુએ આ અંગે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેઓએ વર્ષ 2024માં નરોડા પોલીસ મથકે અરજી કરી હતી, જેમાં તેઓની કંપનીનાં મેડિક્લેઈમ પોલીસી ધારક રમેશ પટેલે તેઓની પત્ની સુમિત્રાબેન પટેલની થ્રી સ્ટાર હોસ્પિટલમાં ડોક્ટર મેહુલ સુતરીયા પાસેથી સારવાર લીધી હોવાની ફાઈલ મુકી હતી.
જેથી કંપનીનાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર તેજસ ગોરસીયાએ હોસ્પિટલમાં તપાસ કરતા ત્યાં કોઈ ડોક્ટર મળી ન આવ્યા, જેથી સ્ટાફને પુછતા દર્દીનાં સારવારનાં કાગળો કે ડોક્ટર મેહુલ સુતરીયાનું સારવાર સર્ટી રજૂ કરી શક્યા ન હતા. જેથી ઈન્વેસ્ટીગેશન ઓફિસરને શંકા જતા મહિલા દર્દીનો સંપર્ક કરતા થ્રી સ્ટાર હોસ્પિટલમાં ડોક્ટર સંજય પટેલની દેખરેખમાં સારવાર લીધી હોવાનું જણાવ્યું હતું. જેથી વધુ તપાસ કરતા મેહુલ સુતરીયાનો રજીસ્ટ્રેશન નંબર ગુજરાત મેડિકલ કાઉન્સીલને મોકલતા તે રજીસ્ટ્રેશન નંબર ડોક્ટર ભુપત મકવાણાનો હોવાનો ખુલાસો થયો હતો.
દર્દીઓ પાસેથી ઓપરેશન માટે હજારોનું બિલ બનાવતો
વધુ તપાસ કરાતા સામે આવ્યું કે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલે દર્દી પાસેથી સારવારનાં 44,844 રૂપિયા લીધા હતા અને આ જ રીતે ગીતાબેન પરમાર અને સુરેખા બજરંગે નામની મહિલા દર્દીની ફાઈલમાં ડોક્ટર ધ્રુવેશ શેઠે સારવાર કરી હોવાનું લખાણ લખ્યું હતું. જેમનો સંપર્ક કરતા તેઓ એલ.જી હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોય અને આવી કોઈ હોસ્પિટલ સાથે જોડાયેલા ન હોવાનું અને કોઈ દર્દીની સારવાર કરી ન હોવાનું જણાવ્યું હતું.
મેડિક્લેઈમની ફાઈલમાં અન્ય ડોક્ટરોના નામનો ઉપયોગ કરતો હતો
તેવી જ રીતે રવિ કુમાર શર્મા નામનાં દર્દીએ આ હોસ્પિટલમાં ડોક્ટર ક્રિષ્ણા વંસોલા પાસેથી સારવાર લીધી હોવાની ફાઈલ હતી, જેઓનો સંપર્ક કરતા તેઓ વિઠ્ઠલપુર ખાતે ધનવંતરી હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાનું અને આ થ્રી સ્ટાર હોસ્પિટલ સાથે કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું હતું. જે દર્દી પાસેથી સંજય પટેલે 70,201 રૂપિયા સારવારનાં લીધા હતા. જેથી આ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલે બોગસ હોસ્પિટલ શરૂ કરી આ રીતે દર્દીઓની વિના ડિગ્રીએ સારવાર કરી મેડીક્લેઈમનાં પૈસા મેળવવા માટે ઠગાઈ આચરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
શહેરમાં બે સ્થળે આવી બોગસ હોસ્પિટલ ચલાવતો
પોલીસે તપાસ કરતા આ આરોપી સંજય પટેલે 2024થી આ બોગસ હોસ્પિટલ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે, અને અગાઉ તેણે આ રીતે નવરંગપુરામાં પણ નકલી હોસ્પિટલ ચાલુ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી આરોપીએ અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર કરી અને અન્ય કોઈ આરોપી આ આરોપી સાથે ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.