
સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. એસટી વિભાગમાં નોકરી અપાવવાના બહાને બે ગઠિયાઓએ દસથી વધુ લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ લોકોને વિશ્વાસમાં લેવા માટે બનાવટી એપોઇમેન્ટ લેટર પણ મોકલી આપ્યો. જો કે લેટરમાં એસટી વિભાગનો લોગોના હોવાથી એક યુવકએ એસટી વિભાગની કચેરીમાં જઇ તપાસ કરતા ગઠિયાની કરતૂતોનો પર્દાફાશ થયો હતો.
અત્યાર સુધીમાં બંનેએ નોકરીની લાલચ આપી કુલ 7.5 લાખ પડાવ્યા
એસ.ટી વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકેની નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરનાર બે આરોપીઓની વટવા GIDC પોલીસે ધરપકડ કરી છે. પોલીસે નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચિન નામના બે આરોપીને ઝડપી પાડ્યા છે. આશિષ નામનો યુવક લોકોને ટારગેટ કરતો હતો. અને નિલેષ તેનો મિત્ર છે, જેને એસટી વિભાગમાં સારી ઓળખાણ હોવાથી તે સરકારી નોકરી અપાવે છે તેમ કહીને લોકો પાસેથી રૂપીયા મેળવતો હતો. જે રકમ નક્કી કરતા તેમાંથી આશિષ 20 ટકા રકમ કમીશન પેટે લેતો હતો. જ્યારે બીજી રકમ નિલેષ પોતાની પાસે રાખતો હતો. આરોપીઓએ અત્યાર સુધીમાં દસ લોકોને એસ ટી વિભાગમાં ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 7.5 લાખ જેટલી રકમ પડાવી લીધી છે.
બંને સીસીટીવી લગાવવાનું કામ કરતા
બંને આરોપીઓનો સંપર્ક જ્યારે તેઓ કર્ણાટક ફરવા માટે ગયા ત્યારે થયો હતો. ત્યારબાદ બંનેને રૂપીયાની જરૂર હોવાથી આ મોડસ ઓપરેન્ડીથી રૂપીયા પડાવવાનું શરૂ કર્યું હતું. આશિષ સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરે છે. જ્યારે નિલેષ પણ અગાઉ એસટી વિભાગની કચેરીઓમાં સીસીટીવી અને જીપીએસ લગાવવાનું કામ કરતો હોવાથી ત્યાં અવરજવર રહેતી હતી.
બંનેએ પરિવારની સારવાર માટે આ પગલું ઉઠાવ્યું હોવાનું જણાવ્યું
જેને કારણે તેણે એસ ટી વિભાગમાં નોકરી અપાવવાની લોકોને લાલચ આપતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિલેષએ બીએ ઇકોનોમિક્સનો અભ્યાસ કરેલો છે. તેના દીકરાને ખેંચની બીમારી હોવાથી ઓપરેશન માટે સાડા ચાર લાખ રૂપીયાની જરૂર હતી. જો કે કોઇ સગા સંબંધી પાસેથી તેને મદદ મળી ના હોવાથી તેણે આ રીતે રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આશિષના માતા અને પત્નીને પણ મણકાની બીમારી હોવાથી સારવાર માટે રૂપિયાની જરૂર હતી. આરોપી પાસેથી પોલીસે સ્ટેમ્પ, પ્રિન્ટર અને મોબાઇલ ફોન કબ્જે કર્યો છે.
એપોઇમેન્ટ લેટર નકલી નીકળતા પર્દાફાસ થયો
નિલેષ કોઇપણ વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે એપોઇમેન્ટ લેટર મોકલી આપતો હતો. આમ આરોપીઓએ વટવા GIDCમાં નોકરી કરતા એક યુવકને એસ ટી વિભાગમાં સીનિયર ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 97 હજાર રૂપીયા પડાવી લીધા હતા અને એપોઇમેન્ટ લેટર પણ આપ્યો હતો. જો કે એપોઇમેન્ટ લેટરમાં એસ ટી વિભાગનો લોગો ન હોવાથી તેણે એસ ટી વિભાગની કચેરીએ જઇને તપાસ કરી હતી. ત્યારે આ લેટર બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને તેણે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી હતી. હાલમાં પોલીસએ મુખ્ય આરોપી નિલેષના રીમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.