
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોકડ્રીલ કરવા જઈ રહી છે. સાત મેના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોકડ્રીલનું આયોજન કરાશે. જેના માટે ત્રણ કેટેગરીમાં 259 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાતના 19 સ્થળે યોજાશે મોક ડ્રીલ
ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોક ડ્રીલ યોજાશે. જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લો સમાવિષ્ટ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન યુદ્ધની ભીતિ વચ્ચે આવતીકાલે 7 મે,2025ના રોજ દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે. 1971 બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર છે.
સરહદી જિલ્લાઓ પર ચાંપતી નજર
ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોકડ્રીલ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. બાંગ્લાદેશની સરહદ પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ જિલ્લાઓને પણ આ સુચના આપવામાં આવી છે.
મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે?
- હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
- નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.
- મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
- નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
- મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે
ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં અડધા કલાક માટે બ્લેકઆઉટ મોકડ્રીલ
રવિવારે, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 30 મિનિટનો બ્લેકઆઉટ મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી જેમાં રાત્રે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી બધી લાઇટો બંધ રાખવામાં આવી હતી. જો કોઈ વાહનની લાઈટો ચાલુ જોવા મળે, તો તે બંધ કરી દેવામાં આવી હતી.
હુમલા માટેની સાયરન વાગે ત્યારે શું કરવું?
જયારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે 5થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું. ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું.