
અમદાવાદના ઓઢવમાં ડિટેઇન કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે વાહનોમાં રમીલાબહેન નામની મહિલાની ધરપકડ કરી છે. સીસીટીવી અને સ્થાનિક પૂછપરછના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.
ઓઢવ પોલીસે મહિલા આરોપીની કરી ધરપકડ
મળતી માહિતી મુજબ, અમદાવાદ રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે (31 માર્ચ) સવારે વાહનોમાં આગ લાગી હતી. જેમાં 33 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. આ મામલે ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિધ સીસીટીવી અને સ્થાનિકો સાથે પૂછપરછ બાદ પોલીસે વાહનોમાં આગ લગાડનાર રમીલાબહેન નામના આરાપીની ધરપકડ કરી છે.
કચરાના ઢગલામાં લગાવી હતી આગ
આ વિશે આરોપી રમીલાબહેને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, વાહનોની નજીકમાં કચરાના ઢગલો હતો, જેમાં આગ લગાડવામાં હતી. બાદમાં પવનના કારણે આગના તણખલાં વાહનોમાં ઉડતાં વાહનોમાં આગ લાગી હતી. જોકે, આગ વધતા ગભરાઈને ત્યાંથી ભાગી ગયા હતાં. જોકે, આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઓઢવ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી. સ્થાનિક લોકો સાથેની પૂછપરછે પણ પોલીસને રમીલાબહેન સુધી પહોંચવામાં મદદ કરી. હાલ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસ આગ લાગવાના ચોક્કસ કારણો અને આ ઘટના પાછળના હેતુઓની શોધખોળ કરી રહી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે સોમવારે (31 માર્ચ) વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતાં. અચાનક આ વાહનોમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી. પરંતુ, ડિટેઇન કરેલાં 22 વાહનો અને પાર્ક કરેલા અન્ય 11 વાહનો બળીને ખાક થઈ ગયા હતાં.
હવે સવાલ એ ઉભો થાય છે કે વાહન માલિકોના નુકસાનની ભરપાઈ કોણ કરશે? આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી, પરંતુ પોલીસ અને સંબંધિત વિભાગો આ મુદ્દે વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.