
અમદાવાદમાં પૈસાની લેતી દેતીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકનું અપહરણ કરી ખુલ્લા મેદાનમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે યુવકનું મોત થતા સરખેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાયો છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી ગુનામાં સામેલ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે.
સરખેજ પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં ફૈઝલખાન પઠાણ, રબનવાઝ પઠાણ અને મુખ્તિયાર ગોરી છે. હત્યા જેવા ગંભીર ગુનામાં આ આરોપીઓની સાથે એક સગીર પણ સામેલ છે જેની પોલીસે અટકાયત કરી છે. ઘટનાની વાત કરીએ તો વેજલપુર કેનાલ રોડ પર આવેલી સારા રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય મુજમ્મિલ વડગામાને ધંધા માટે પૈસાની જરૂર હોવાથી સરખેજના ફૈઝલખાન પઠાણ પાસેથી 20 દિવસ પહેલા 1 લાખ 60 હજાર રૂપિયા ઉછીના લીધા.
જે રૂપિયા માટે અવારનવાર ફૈઝલખાન મુજમ્મિલ વડગામાના ઘરે આંટા મારતો હતો, પરંતુ તે મળી આવતો ન હતો. તેવામાં 25 ફેબ્રુઆરીના મંગળવારે બપોરના સમયે મુજમ્મિલ વડગામા તેના ભાઈની કરિયાણાની દુકાને હાજર હતો. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરે આ અંગેની જાણ ફૈઝલખાનના કાકા રબનવાઝ પઠાણને કરી હતી. જે બાદ રબનવાઝ પઠાણ તેના ઓળખીતા મુખ્તિયાર ગોરીને બોલાવતા તે પોતાની બર્ગમેન મોટરસાયકલ લઈને આવ્યા હતા અને રબનવાઝ પઠાણ અને મુખ્તિયાર ગોરીએ બર્ગમેન પર બેસાડી મુજમ્મિલ વડગામાનું અપહરણ કર્યું હતું.
આરોપીઓ મુજમ્મિલ વડગામાને મકરબા પાસે સફીલાલા દરગાહની પાછળ ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા. રસ્તામાંથી રબનવાઝ પઠાણે પોતાના ભત્રીજા ફૈઝલખાન પઠાણને આ બાબતની જાણ કરી દીધી હતી, જેથી ફૈઝલ ખાન અને કિશોર તેમજ આમીન મેમણ ઉર્ફે ગોલી અને સમીર કઠિયારો ત્યાં પહોંચી ગયા હતા. આરોપીઓએ ભેગા મળી મુજમ્મિલ વડગામાને પ્લાસ્ટિકની પાઇપ અને લાકડાથી માર માર્યો હતો. જેના કારણે મુજમ્મિલ વડગામા બેભાન થઈ ગયો હતો. જે બાદ આરોપીઓ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે મુજમ્મિલ વડગામાની પત્નીને પતિ મુજમ્મિલ વડગામાના મિત્ર સલમાનનો ફોન આવ્યો હતો જેમાં આરોપી ફૈઝલ ખાન પઠાણે પૈસાની માંગ કરી હતી.
આ અંગે સરખેજ પોલીસને જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં હત્યાના મુખ્ય આરોપી ફૈઝલખાન પઠાણ અને તેના સાથી આરોપીઓ જેમાં રબનવાઝ પઠાણ, અને મુખ્તિયાર ગોરી અને કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરની અટકાયત કરી હતી. જોકે આ કેસમાં આમીન ઉર્ફે ગોલી અને સમીર કઠિયારો નામના આરોપી ફરાર હોઈ તેમને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અગાઉ બાર જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાની હકીકત સામે આવી છે. તેમજ તે ડ્રગ્સના ધંધામાં પણ સંકળાયેલો હોય તેવી ચર્ચા છે, તેવામાં આરોપીઓની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.