
ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કોલેજ નજીક તમાકુની પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી ટોબેકો એકટ હેઠળ રૂપિયા તેર હજાર થી વધુનો દંડ વસૂલાવામાં આવ્યો હતો.
145 કર્મીઓ કામે લાગ્યા
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા 145 પોલીસ કર્મચારીઓ સાથે અલગ અલગ 29 ટીમો બનાવી નશાકારક દ્રવ્યોના વેચાણવાળા વિસ્તારમાં આવેલ શાળા, કોલેજો પર સતર્કતા રાખી અસરકારક કામગીરી કરવામાં આવી હતી.
13 હજારનો દંડ
કોલેજ, હાઇસ્કુલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળા, કોલેજો નજીક ક્રાઇટ એરીયામાં આવતા પાન-બીડીના ગલ્લાઓ ઉપર બીડી, સિગારેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડકટનુ વેચાણ જણાઇ આવતા વેપારીઓ પાસેથી ટોબેકો એકટ મુજબ રૂ.13 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.શાળા-કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતીના કોઇ બનાવો ન બને તે માટે તકેદારીરૂપે પણ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.