
ભાવનગરમાં ફેસબુક પર મિત્રતા કરવી એક આધેડને મોંઘી પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ફેસબુક પર બનેલા મિત્રએ આધેડને પોતાના ઘર બોલાવી માર મારી લૂંટી લીધો હતો. બનાવના પગલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુસાર રજનીકાંતભાઈ તરુણભાઈ જાની નામના આધેડને ફેસબુક પર કાળુ નામના ઇસમ સાથે મિત્રતા થઈ હતી. બંને અવારનવાર ઓનલાઈન વાતચીત કરતા હતા. ત્યારે કાળુએ ફરિયાદીને અખલોલ વિસ્તારમાં આવેલા તેના ઘરે મળવા બોલાવ્યા હતા. પરિણામે તેઓ તેના ઘરે ગયા હતા.
ફરિયાદી આ શખ્સના ઘરે જતા દોરડા વડે બાંધી દઈ તેની પાસે રહેલ રોકડ, ઘડિયાળ સહિતની વસ્તુની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં મોબાઇલ દ્વારા તેના ખાતામાં રહેલા 95 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં જેમ તેમ કરી છૂટકારો મેળવેલા આધેડને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. બનાવના પગલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.