
છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે ખેડૂતો વરસાદની દહેશતથી ઝડપથી ડાંગરની લણણીમાં લાગી ગયા છે. ડાંગરને કાપીને તડકામાં સૂકવી રહ્યાં છે. સાથે જ ખેતરમાં જ ડાંગર પીલીને તેની સફાઈ કરી રહ્યા છે. જેના માટે ખેડૂતો પંખાની પણ મદદ લઈ રહ્યાં છે.
ડાંગર છૂટા પાડવાની કામગીરી
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુર તાલુકાઓમાં ડાંગરની ખેતી વધારે થાય છે. હાલ વરસાદ રોકાતા ખેડૂતો ડાંગરનો પાક કાપીને તેને ખેતરમાં સૂકવી રહ્યાં છે. દિવાળી પહેલા ખેતરમાં ડાંગરની સફાઈ કરવાની કામગીરી ખેતરમાં જ કરી રહ્યા છે. સમગ્ર ખેડૂત પરિવારો ખેતરોમાં ધોમ ધખતા તાપમાં ડાંગરના છોડમાંથી ડાંગર છૂટી પાડી અને પંખાની મદદથી તેની સફાઈ કરી રહ્યાં છે.
મોસમ આવી મહેનતની
ખેડૂતો ડાંગરના દાણા છૂટા પાડી રહ્યા છે. આ કામગીરી દરેક વિસ્તારોના ખેતરોમાં ચાલી રહી છે. અસહ્ય ગરમી હોવા છતાંય વરસાદની દહેશત વચ્ચે ખેડૂતો ડાંગરની સફાઈ માટે લાગ્યા છે. આ વર્ષે ડાંગરની ખેતી સારી છે. પાંચ દિવસ ઉપરાંતના સમયથી વરસાદના હોવાથી ખેડૂતો તનતોડ મહેનત ડાંગરની ખેતી પાછળ કરી રહ્યા છે.