
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ થઈ ગઈ છે. સીસીઆઈનું ઓનલાઈન સર્વર બંધ થઈ જતાં ખરીદી બંધ કરવામાં આવી છે. ચાર દિવસથી સર્વર ચાલુ કરવા માટે કૉટન કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પ્રયત્નો હાથ ધરતા નથી. જેથી ખેડૂતોને કપાસની આસપાસ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
ખાનગીમાં ઓછો ભાવ મળે
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી નસવાડીના ખાનગી જીન માલિકો અને ખાનગી વેપારીઓ કપાસની ખરીદી કરે છે. પરંતુ, ક્વિન્ટલે 400 રૂપિયા ઓછા આપે છે. બજારોમાં ખાનગી વેપારીઓને ત્યાં પુષ્કર કપાસની આવકો જ્યારે સરકાર જાણી જોઈને સર્વર બંધ કરીને ખેડૂતોને હેરાન કરે છે. શનિવાર-રવિવાર સીસીઆઈ ખરીદી કરતી નથી અને આઠ દિવસ સળંગ સીસીઆઈ કપાસની ખરીદી નહીં કરે. જેથી ખેડૂતોને સસ્તા ભાવે ખાનગી બજારોમાં કપાસ વેચી દેવાનો વારો આવે તેમ છે.
સસ્તામાં કપાસ વેચવા મજબૂર
સીસીઆઈ દ્વારા 7200 રૂપિયામાં એક ક્વિન્ટલ કપાસ ખરીદવામાં આવતો હતો. જ્યારે હાલ બજારમાં 6800 રૂપિયા ભાવે વેપારીઓ કપાસની ખરીદી કરે છે. જ્યારે ક્વિન્ટલે 400 રૂપિયાનું નુકશાન ખેડૂતોને થઈ રહ્યું છે. હાલ ખેડૂતોને બેંકોમાં લોન ભરવા માટે તેમજ લગ્ન ગાળાની સિઝન શરૂ થઈ હોવાથી નાણાની જરૂરિયાત ઉભી થતા ખાનગી બજારોમાં કપાસ વેચવા મજબૂર થયા છે. સીસીઆઈ સર્વરનું બહાનું કાઢી કપાસ ખરીદવાનું બંધ કરી દીધું છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી સંખેડા તાલુકામાં મુખ્ય પાક કપાસ છે. કપાસનું ઉત્પાદન વધારે થતા જીનોમાં ઢગલા ખડકાતા જાણી જોઈને કોટન કોર્પોરેશન વિભાગે સર્વર બંધ કરી દીધું છે.