Home / Gujarat / Dahod : Complete timeline of events in the MGNREGA scam

જાણો, Dahod મનરેગા કૌભાંડમાં ફરિયાદથી માંડી કિરણ ખાબડની ફરી ધરપકડ સુધીનો પૂર્ણ ઘટનાક્રમ

દાહોદમાં મનરેગા કૌભાંડમાં કોર્ટમાં જામીન અરજી મામલે ભારે ઉતારચઢાવ બાદ આખરે બંને મંત્રીપુત્રોને જામીન મળ્યા હતા. જેલમુક્ત થવાની વેળાએ મંત્રીપુત્ર કિરણ ખાબડની જેલ બહારથી જ પોલીસે ધરપકડ કરી લેતા દાહોદ સહિત રાજકીય ક્ષેત્રે ખળભળાટ સાથે સ્તબતાનો માહોલ છવાયો છે. જેમાં દેવગઢ બારિયા તાલુકાના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંત્રીપુત્રોએ 30 કરોડ ઉપરાંતનું કૌભાંડ આચાર્ય હોવાનું સામે આવ્યું હતું

દાહોદ જિલ્લામાં બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી. જેમાં બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રકશન કો.પીપેરોએ મનરેગાના 9 કરોડ ઉપરાંતના કામો કર્યા હતા. તેમજ કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ દ્વારા 22 કરોડના કામો કાગળ ઉપર બતાવી બંને મંત્રી પુત્રોએ 30 કરોડ ઉપરાંતનું કૌભાંડ આચાર્ય હોવાનું સામે આવ્યું હતું.

જેમાં પોલીસે બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

ત્યારબાદ 28 મેએ બંને મંત્રી પુત્રોના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે 50,000ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરાતા પોલીસે આ જામીન સામે સ્ટે આપવા માટે દાદ મેળવી હતી. જેમાં 29 મેના રોજ સુનાવણી બાદ કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરી અને સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીનમુક્ત કર્યા હતા. જે બાદ સાંજે સબ જેલ ખાતે બંને મંત્રીપુત્રો જેલમુક્ત થતા પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો. જ્યારે કિરણ ખાબડની ધરપકડ કરી લીધી છે.

દેવગઢ બારિયા  લવારીયા ગામનો શું છે કૌભાંડ મામલો

દેવગઢ બારિયાના લવારીયા ગામે મનરેગામાં કૌભાંડ આચરાયો હોવાની રજૂઆત તત્કાલીન DDO ઉત્સવ ગૌતમને મળી હતી. જે બાદ જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર લવારીયા ગામે મનરેગાના કામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું તપાસમાં બહાર આવતા જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત પણ કર્યા હતા. લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું જે તે સમયે સામે આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી, સોમવારે સુનવણી

દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્ર બળવંત અને કિરણ ખાબડના 50,000 રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપતા પોલીસે બંનેના જામીન ઉપર સ્ટે મેળવવા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં દાદ મેળવી હતી. પરંતુ કોર્ટે પોલીસની અરજી ફગાવી જામીન યથાવત રાખતા આ મામલે પોલીસે તાત્કાલિક સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી વિથ સ્ટે માટેની અરજી કરતાં કોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી હતી અને તાત્કાલિક બંને મંત્રી પુત્રો વિરુદ્ધ નોટિસ ઈશ્યૂ કરી સોમવારે સુનવણી હાથ ધરી છે.

જામીન અરજી મામલે કોર્ટનો સમગ્ર ઘટનાક્રમ

મનરેગા કૌભાંડ મામલે ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. જેમાં ધરપકડ કરાયેલા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડને 28 મે એ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન મંજૂર થતા ઘટનાક્રમની શરૂઆત થઈ હતી. જેમાં ચોકી ઉઠેલી પોલીસ કોર્ટે દોડી આવી હતી.અને જામીન માટે સ્ટેની માંગણી કરી એક અરજી દાખલ કરી હતી. ચીફ કોર્ટે અરજી અંગે 29 મેની સવારે 11 વાગે સુનવણી હાથ ધરી હતી. બરાબર 11 ના ટકોરે ખીચોખીચ ભરેલી કોર્ટમાં બચાવ પક્ષના વકીલ અને ગુજરાત હાઇકોર્ટે આવેલા ખાસ એડિશનલ પીપીએ પોતાની દલીલો શરૂ કરી હતી.લંબાણપૂર્વકની દલીલોમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટના ખ્યાતના નામદાર વકીલો કે જેઓએ આજે વર્ચ્યુઅલ હાજરી પુરાવી હતી અને ઓનલાઇન આર્ગ્યુમેન્ટ કર્યા હતા. તો હાજર એડિશનલ પીપીએ પણ પોતાની દલીલો રજૂ કરી હતી. સવારે 11:00 વાગ્યાથી લગાવી બપોરે 4:00 વાગ્યા સુધી ચાલેલીઆ દલીલોમાં બે વાર કોર્ટે 10 મિનિટનો વિરામ પણ લીધો હતો.જોકે 3:30 ના ટકોરે પુનઃ શરૂ થયેલી કોર્ટે થોડી જ ક્ષણમાં પોલીસ દ્વારા કરાયેલી સ્ટેની અરજી નામંજૂર કરવાની જાહેરાત કરતા ક્ષણભરમાં ભરચક કોર્ટ ખાલી થઈ ગઈ હતી.અને તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું હતું.

જેલરને જામીનમુક્ત થવાનો હુકમ આપતા ત્યાં પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી 

કોર્ટે બંને મંત્રી પુત્રોના જામીન મંજૂર કરતા જામીનનો બોન્ડ અને બીડો લઈ કિરણ ખાબડ અને બળવંત ખાબડના સમર્થકો તેમના વકીલો અને અન્ય સંબંધીતો અત્રેની ડોકી જિલ્લા સબ જેલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જેલરને જામીનમુક્ત થવાનો હુકમ આપતા ત્યાં પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આશરે પાંચ સવા પાંચની વચ્ચે પહોંચેલા વકીલોએ 6:20 સુધી પણ આરોપીઓને બહાર ન લવાતા બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ હોવાનું જણાવી દલીલ શરૂ કરી હતી.પરંતુ થોડી જ ક્ષણમાં એલસીબી અને મનરેગા કૌભાંડના ઇન્વેસ્ટિગેશન ઓફિસર સહિતની ગાડીઓ જિલ્લા સબ જેલ ડોકી ખાતે આવી હતી.

અને આ દરમિયાન બંને મંત્રી પુત્રોને બહાર લાવવામાં આવ્યા હતા.

જેવા આરોપીઓ બહાર આવ્યા તેવા મંત્રીના મોટા દીકરા બળવંત ખાબડને પોતાની ખાનગી જીપમાં બેસવા દીધા હતા. તો કિરણ ખાબડની પૂછપરછ કરવી છે. અને પાંચ જ મિનિટમાં પરત મોકલી દઈશું તેવું કહી પોલીસની ગાડીમાં સાથે લઈ ગયા હતા. અત્રેના લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં લઈ ગયેલા કિરણ ખાબડને અત્રેની બી ડિવિઝનમાં થયેલી અન્ય એક ફરિયાદમાં આરોપી હોવાનું જણાવી તેની ધરપકડ કરી લીધી હતી. કિરણ ખાબડને ઉઠાવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા સમગ્ર રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયો હતો. કિરણ ખાબડને આજ રોજ સાંજે કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ ની  માંગણી કરતા મંત્રી પુત્ર કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે.

Related News

Icon