ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ સરકારે સ્ટેટ અને નેશનલ હાઇવે ના તમામ બ્રીજ નું નિરીક્ષણ હાથ ધર્યું છે, જોકે માત્ર સ્ટેટ અને નેશનલ હાઇવેજ નહિ પરંતુ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના જીવ પણ એટલાજ કિંમતી છે. ત્યારે ડાંગ જિલ્લાના ડુંગરડા નજીક અંબિકા નદી ઉપર બનાવવામાં આવેલ 100 વર્ષ જૂનો બ્રિજ પણ વહેલી તકે રીપેર થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ બાબતે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ડીઆરએમ પંકજ સિંઘે ગત 7 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની હેરિટેજ લાઇન બીલીમોરા-વઘાઈ નેરોગેજનું નિરીક્ષણ કર્યું હતું.
ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ પણ કરી રહ્યા છે
નેરોગેજનું નિરીક્ષણ કરનાર રોજબરોજની ઓપરેશનલ પ્રેક્ટિસની સમીક્ષા કરી, ટ્રેકની સ્થિતિ અને જાળવણીના ધોરણોનું મૂલ્યાંકન કર્યું અને સલામતી પ્રોટોકોલ પર વિશેષ ભાર મૂક્યો. ચોમાસાને ધ્યાનમાં રાખીને અંબિકા નદી પરના વર્ષો જૂના રેલ બ્રિજના થાંભલાઓની મજબૂતાઈ વધારવામાં આવી છે. જો કે આ બ્રિજ પરથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવાની સૂચના છે.
લાકડાના સ્લીપર સડી ગયા
બ્રિજ ઉપર ટ્રેકને પકડી રાખનાર લાકડાના સ્લીપર એટલી હદે સડી ગયા છે કે તેમાંથી ખિલા બહાર નીકળી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, કેટલીક જગ્યાએ રબરના પેકીંગ મૂકી ને કામ ચલાવાઈ રહ્યું છે. ડાંગમાં સ્થાનિક લોકો સહિત આ ટ્રેનનો ઉપયોગ ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ પણ કરી રહ્યા છે ત્યારે લોકોની સુરક્ષા ને જોતા કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં અહિયાં મરામત કામ થાય તે જરૂરી છે.