
ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ગામમાં નળ સે જળ યોજના મુજબ પાઇપ નાખવામાં આવી છે. પરંતુ આ યોજના અધૂરી છે. કોઈના ઘર સુધી પાણી પહોંચતું નથી. ગામમાં વાસમો યોજના અંતર્ગત બનાવેલ ટાંકીમાં પણ પાણી નથી. જેથી ગામની બહાર આવેલ કૂવામાં પાણી લેવા જવું પડે છે.
મહિલાઓ પાણી માટે મજબૂર
ધોમધકતો તાપ હોય કે વરસાદ આજ પ્રમાણે ગામના લોકો કૂવામાં પાણી લેવા મજબૂર છે. કુવાનું પાણી પણ એટલું દૂષિત છે કે, બાળકો અવારનવાર બીમાર પડી જાય છે. લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ટેન્કર વાળા ઊંચા ભાવે પાણી વેચી રહ્યા છે. મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવતા હોય છતાં ક્યારેક આવું પાણી વેચાતું લેવું પડે છે. પાણીની સમસ્યાને લઈને ગામમાં પશુપાલન પણ ઓછું થઈ રહ્યું છે.
લોકોમાં આક્રોશ
યુવાનોની ધીરજ ખૂટી છે. તેઓ ચૂંટાયેલા નેતાઓ ઉપર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. ગામના લોકો જણાવે છે કે, પાણીની સુવિધા મળે એ માટે સરકારી કચેરીએ ધરણા કર્યા આવેદન આપ્યું છતાં કોઈ અસર નથી. જ્યારે આ મામલે અધિકારીનું કહેવું છે કે, મૌખિક રજૂઆત કરવામાં આવી છે. કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવશે તો નિવારણ કરવામાં આવશે.