
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સિવાય વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. એવામાં ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદનું વાતાવરણ જોવા મળ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઓમાં કરંટ જોવા મળ્યો હતો. જેના કારણે સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. આ સિવાય અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક નુકસાનના પણ સમાચાર સામે આવ્યા છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
અરબી સમુદ્રમાં હાલ વૉલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેમાં આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય એવી શક્યતા છે. જોકે, સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.
જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું
દરિયામાં ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. એવામાં અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયામાં આજથી કરંટ શરૂ થયો હતો. જેના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિવાય ગીર-સોમનાથ વેરાવળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. જોકે, સૌરાષ્ટ્ર સિવાય સુરતમાં પણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. વાતાવરણના પલટાના કારણે સુરતના દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતાં.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
વાતાવરણમાં પલટાના કારણે દરિયો તોફાની બની શકે તેવી શક્યતા છે. એવામાં માછીમારોને આવતી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ, દરિયો ખેડવા ગયેલી મોટાભાગની બોટ જાફરાબાદ બંદર પર પહોંચી રહી છે.
ભારે વરસાદના કારણે થયું નુકસાન
નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં મોડી રાતથી શરૂ થયેલાં વરસાદના કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા હતા, તેમજ વીજપોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. આ સિવાય વલસાડના કપરાડામાં ભારે પવનના કારણે મકાનોના પતરા ઉડી ગયા હતાં.
આ સિવાય ભારે પવન સાથે સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોના ઘરમાં રહેલું અનાજ, ફર્નિચર સહિતની ચીજ-વસ્તુઓ પલળી ગઈ હતી. તાપીમાં પણ વ્યારાના મુસા રોડ પર આવેલા કોમર્શિયલ મૉલના શેડ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જોકે, દુકાનો ચાલુ ન હોવાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.