
ગુજરાત સરકાર દ્વારા આજે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે સવાલ થાય કે ગુજરાતમાં UCC લાગુ થયું તો જાણો શું બદલાશે? લગ્ન, તલાક અને લિવ-ઇન રિલેશનશિપમાં કેવા નિયમો લાગુ પડશે.
ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈ.એ.એસ. સી એલ મીણા, આર સી કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે.
શું છે લગ્નના નિયમો?
લગ્ન માટે લઘુત્તમ ઉંમર પુરુષો માટે 21 વર્ષ અને સ્ત્રીઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે.
બંને પક્ષો પહેલાથી જ પરિણીત ન હોવા જોઈએ.
યુનિફોર્મ સિવિલ કોડ મુજબ, 26 માર્ચ, 2010 પહેલા થયેલા લગ્નોની નોંધણી ફરજિયાત નથી, પરંતુ જો કોઈ ઇચ્છે તો તે તેની નોંધણી કરાવી શકે છે. જોકે, જો 26 માર્ચ, 2010 પછી સમાન નાગરિક સંહિતા લાગુ થવા સુધીમાં થયેલા લગ્નની નોંધણી કરવામાં આવી નથી, તો છ મહિનાની અંદર આ લોકોએ તેની નોંધણી કરાવવી જરૂરી રહેશે. જો લગ્ન પહેલાથી જ નોંધાયેલા હોય, તો તેને ફરીથી નોંધણી કરાવવાની જરૂરિયાત નથી.
લગ્ન માટે કાનૂની પરવાનગી આપવા માટે માનસિક રીતે સક્ષમ હોવું જરૂરી છે.
ધાર્મિક રિવાજો અથવા કાનૂની જોગવાઈઓ અનુસાર લગ્નની વિધિઓ ચાલુ રહેશે, પરંતુ લગ્નના 60 દિવસની અંદર લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
શું છે લિવ-ઇન રિલેશનશિપના નિયમો?
લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારાએ પણ એક મહિનાની અંદર નોંધણી કરાવવી પડશે. આ માટે લોકોને સરકારી કચેરીઓમાં જવાની જરૂર નથી પરંતુ UCC પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. નોંધણી કરવામાં નિષ્ફળતા અથવા ખોટી માહિતી આપવા બદલ ત્રણ મહિનાની જેલ, 25,000 રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
લિવ-ઇન રિલેશનશિપ પૂરી કરવા માટે એક અથવા બંને પાર્ટનર ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે. જો ફક્ત એક જ પાર્ટનર અરજી કરે તો રજિસ્ટ્રાર બીજા પાર્ટનર દ્વારા આ બાબતે પુષ્ટિ મળ્યા પછી જ લિવ-ઇન રિલેશનશિપનો અંત લાવવાનો નિર્ણય લેશે. જો કોઈ મહિલા લિવ-ઈન રિલેશનશિપ દરમિયાન ગર્ભવતી થાય તો બાળકના જન્મના 30 દિવસની અંદર રજિસ્ટ્રારને જાણ કરવી ફરજિયાત છે. આવા બાળકોને પણ સંપૂર્ણ અધિકારો મળશે.
બહુપત્નીત્વ, બાળ લગ્ન અને ત્રિપલ તલાક પર પ્રતિબંધ
મુસ્લિમ સમાજમાં પ્રચલિત હલાલા અને ઇદ્દતની પ્રથાઓ પર પણ પ્રતિબંધ
યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ, છૂટાછેડાની પ્રક્રિયા હવે બધા માટે સમાન હશે. લગ્નને એક વર્ષ પૂરું થાય તે પહેલાં છૂટાછેડાની અરજી સ્વીકારવામાં આવશે નહીં અને છૂટાછેડા ફક્ત પતિ-પત્નીની પરસ્પર સંમતિથી જ શક્ય બનશે. પ્રથા, રૂઢી કે પરંપરા હેઠળ છૂટાછેડા માન્ય રહેશે નહીં.
મિલકતના અધિકારો માટે બાળકો વચ્ચે કોઈ ભેદભાવ રહેશે નહીં, પછી ભલે તેઓ લગ્ન થકી જન્મ્યા હોય કે લગ્નેતર સબંધ થકી.
જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં ત્રણ પ્રકારે વસિયત નામું બનાવવામાં આવે છે.
વસિયતનામું ત્રણ રીતે બનાવી શકાય
પોર્ટલ પર ફોર્મ ભરીને,
પોર્ટલ પર હસ્તલિખિત અથવા ટાઇપ કરેલ વસિયતનામું અપલોડ કરીને
અથવા ત્રણ મિનિટના વિડીયોમાં વસિયતનામું બોલીને અને તેને અપલોડ કરવો.
જણાવી દઈએ કે, આદિવાસી સમુદાયો (અનુસૂચિત જનજાતિ) ને સમાન નાગરિક સંહિતામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આનું કારણ એ છે કે બંધારણમાં આદિવાસીઓ માટે પહેલેથી જ ખાસ જોગવાઈઓ છે.