Home / Gujarat / Kheda : Scam of sending abroad on the basis of bogus mark sheets caught

પેટલાદ: વી હેલ્પ કન્સલ્ટન્સીમાં SOGના દરોડા, બોગસ માર્કશીટોના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

પેટલાદ: વી હેલ્પ કન્સલ્ટન્સીમાં SOGના દરોડા, બોગસ માર્કશીટોના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

પેટલાદની વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઈગ્રેશન સર્વિસની ઓફિસમાં દરોડા પડ્યા હતા SOGએ વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં દરોડો કર્યો હતો. ઓફિસમાં તપાસ કરતા વિવિધ સરકારી શૈક્ષણિક સંસ્થા અને વિવિધ યુનિવર્સિટીની ૧૯૯ બનાવટી માર્કશીટો અને દસ્તાવેજો, ૧૮ રબર સ્ટેમ્પ, બે સ્ટેમ્પ પેડ, વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારના હોદ્દાવાળા રજિસ્ટર સ્પીડ પોસ્ટ લખેલ ૧૩ કવર, ૫ કોરા કવર, આશિષ હોસ્પિટલના ર્ડા.જીગર જોષીના લેટરપેડ ઉપર સહી-સિક્કાવાળા ૧૮ નંગ સર્ટીઓ મળી આવ્યા હતા. એસઓજીએ બનાવટી દસ્તાવેજો, ત્રણ મોબાઈલ, કમ્પ્યુટર સહિત કુલ રૂ.૬૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કિરણકુમાર ગાંડાભાઈ પટેલ (રહે. શેખડી, તા. પેટલાદ) સામે ગુનો નોંધી તેની પુછપરછ હાથ ધરી હતી.   

વિવિધ યુનિવર્સિટીની ૧૯૯ બનાવટી માર્કશીટો અને દસ્તાવેજો દબોચ્યા

 પોલીસે જણાવ્યું હતું કે, કિરણ પટેલ જાતે કમ્પ્યુટર પર અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓની માર્કશીટો, દસ્તાવેજો બનાવી, તેની કલર પ્રિન્ટો કાઢ્યા બાદ જે-તે ગ્રાહક પાસેથી લાખ્ખો રૂપિયાની ફી પડાવતો હતો. તેની પાસેથી મળેલા દસ્તાવેજો અને માર્કશીટો સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીના હોવાથી કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 

 બનાવટી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલ્યા તે અંગે થશે તપાસ

છેલ્લા કેટલાક વર્ષોથી પેટલાદની સુપરમાર્કેટમાં ઓફિસ શરૂ કરી કિરણ પટેલે બનાવટી સર્ટીફિકેટ અને દસ્તાવેજોના આધારે અત્યાર સુધીમાં કેટલી વ્યક્તિઓને બનાવટી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલ્યા, વિદેશમાં વર્ક પરમીટ અને સ્ટુડન્ટ વિઝા અપાવવા લાખો રૂપિયા ફી વસૂલીને વ્યક્તિઓને વિદેશ મોકલ્યા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.