
Morbi News : મોરબી જિલ્લાના હળવદમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં રાત્રે ઘરના ફળિયામાં સુતેલા યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હત્યા નીપજાવનાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાત્રે હત્યા થઇ, પિતાને 3 વાગ્યે જાણ થઇ
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા 33 વર્ષીય સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝિંઝુવાડીયા ગઈ રાત્રીના પોતાના ઘેટા ફળિયામાં ખાટલો નાખી સૂતો હતો ત્યારે કોઈ અજાણા શખ્સ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખી હતી.
રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ યુવાનના પિતા જ્યારે ઘરના ઓરડામાંથી બહાર નીકળ્યા ત્યારે દીકરાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી બનાવની જાણ હળવદ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું અનુમાન
સુખદેવ ઉર્ફે સુખાની હત્યા પ્રેમ સંબંધના કારણે થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતક યુવાનનો પાડોશી જ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આ હત્યાના બનાવને અંજામ આપનાર શખ્સને પોલીસ દ્વારા ઉઠાવી લેવાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતકના પિતા કાળુભાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.