
દેશભરમાં સમાન સિવિલ કોડ લાગુ કરવામાં ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ખાસ સમિતીની રચના કરવામાં આવી છે. ત્યારે યુસીસીને લઈને નર્મદા-ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા સેવાસદન ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં કહ્યું કે, જો UCC લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થઈ જશે.
700 વર્ષમાં કોઈએ દખલગીરી ન કરી
વસાવાએ કહ્યું કે, મુઘલોના 500 વર્ષના શાસન દરમિયાન અને અંગ્રેજોના 175 વર્ષના શાસન દરમિયાન પણ આદિવાસીઓના રીતરિવાજોમાં દખલગીરી કરવામાં આવી ન હતી. હાલ ભાજપ સરકાર યુસીસી લાવીને આદિવાસીઓ વિરોધી પગલું ભરી રહી છે. અમુક આદિવાસી નેતાઓ આદિવાસી સમાજ વિરુદ્ધ જઈને યુસીસીનું સમર્થન કરી રહ્યા છે.
સંસ્કૃતિ નષ્ટ થશે
યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજની અલગ અલગ રૂઢિપ્રથાઓ અને રીતરિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે. આદિવાસીઓનું ભલું ઇચ્છનાર કોઈપણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી તેમ વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું.