
દેશભરમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યાં છે. સરકાર દ્વારા પણ સતત જાહેરાત ડિજિટલ એરેસ્ટ સામે કરવામાં આવી રહી છે. તેમ છતાં નવસારીના જલાલપોર તાલુકાના મરોલી રોડ પર ક્લિનિક ધરાવતા MBBS ડોક્ટર ચેતન મોંઘાભાઈ મહેતા શિકાર બન્યાનું સામે આવ્યું છે. ગઠિયાઓએ વોટ્સએપ વીડિયો કૉલ કરી પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી.
બેંક ફ્રોડના નામે ઠગાઈ
ડિજિટલ એરેસ્ટ જેવો માહોલ સર્જનાર ગઠિયાએ ડૉ. મહેતાને જણાવ્યું કે, તેમના આધાર કાર્ડથી નાસિકની કેનેરા બેંકમાં ફ્રોડ ખાતું ખોલવામાં આવ્યું છે. આ ખાતા દ્વારા ફ્રોડ થયું હોવાથી તેમની સામે ફરિયાદ નોંધાઈ છે અને એરેસ્ટ વૉરંટ બહાર પાડવામાં આવ્યું છે.
બે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા
પોલીસ અધિકારીના નામે ધમકી આપી કે, જો તેઓ તાત્કાલિક નાસિક હાજર નહીં થાય તો કેસ CID ક્રાઈમને સોંપવામાં આવશે. કેસમાંથી બચવા માટે બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવા પડશે તેવું કહી ડૉ. મહેતા પાસેથી બે અલગ-અલગ એકાઉન્ટમાં કુલ છ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે ડૉ. મહેતાએ મરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કેસની તપાસ મરોલી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે. પટેલ કરી રહ્યા છે.