
દક્ષિણ ગુજરાતમાં દીપડાઓ માનવ વસાહતમાં ઘુસી જવાના અવારનવાર બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા નાગધરા ગામે એક યુવાન પર દીપડાએ હુમલો કર્યો છે. લીલીના ખેતરમાં ફૂલ તોડી રહેલા સુશીલ નામના યુવાન પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ઘટના સમયે ખેતરમાં દીપડો અને દીપડી બંને ફરી રહ્યા હતા.
દીપડાએ બનાવ્યો શિકાર
હુમલામાં યુવાનના હાથ, છાતી, મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. યુવાનની બૂમો સાંભળીને દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વન વિભાગના જણાવ્યા અનુસાર, ખેડૂતો જ્યારે નીચે વળીને કામ કરે છે ત્યારે દીપડો તેમને શિકાર સમજી બેસે છે. નાના બાળકો, કૂતરા, ભૂંડ, મરઘા કે ખેતરમાં કામ કરતા ખેડૂતો - આ બધા દીપડા માટે સરળ શિકાર બની જાય છે. વન વિભાગે ખેડૂતોને સમયાંતરે ઊભા થઈને કામ કરવાની સલાહ આપી છે.
પાંજરા મૂકવા પડશે
ગ્રામ્ય વિસ્તારના લોકોએ સુરક્ષા માટે પોતાના ઘર પાસે સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કર્યું છે. આના કારણે દીપડાની હલચલ કેમેરામાં કેદ થાય છે અને વન વિભાગને પાંજરા મૂકવામાં સરળતા રહે છે.નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાની વધતી વસ્તી ચિંતાનો વિષય બની છે. સ્થાનિકો માને છે કે દીપડા સાથે સહઅસ્તિત્વ માટે વન વિભાગે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. જોકે, દીપડો ખેતીને નુકસાન કરતા ભૂંડનો શિકાર કરતો હોવાથી ખેડૂતોનો મિત્ર પણ ગણાય છે.