
કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો નવસારીમાં સામે આવ્યાં છે. શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જૂના એસટી ડેપો વિસ્તારમાં આવેલી વીર મોબાઈલ નામની દુકાનને ચોરોએ નિશાન બનાવી છે. જેમાં તસ્કરોએ વહેલી સવારે રમજાન દરમિયાન ડેપો વિસ્તારમાં ભારે ભીડ હોવા છતાં ચોરીને અંજામ આપ્યો હતો.
સીસીટીવીને નુકસાન
દુકાનમાંથી 49 મોબાઈલ ફોન અને રોકડા રૂ.8,000ની ચોરી કરી હતી. આ ઉપરાંત ચોરોએ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું.ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ ઈન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે દુકાનમાં જઈને ચોરી અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.
પોલીસનું પગેરું શોધવા પ્રયાસ
તસ્કરોને શોધવા પોલીસે પ્રયત્નો શરૂ કર્યા છે. દિવસના અજવાળામાં થયેલી આ ચોરીએ પોલીસ માટે પડકાર ઊભો કર્યો છે. વિસ્તારમાં ભીડ હોવા છતાં ચોરોએ આટલી મોટી ચોરીને અંજામ આપ્યો તે ચિંતાજનક બાબત છે.