
ગુજરાતમાંથી સતત નદી કે તળાવમાંથી સતત ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા નદી કે તળાવમાં નહાવા માટે જતા હોય છે પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે ઘણીવાર દુર્ઘટના સર્જાતી હોય છે. એવામાં ગુજરાતમાં બે સ્થળેથી ડૂબવાની માહિતી મળી રહી છે જેમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.
પાટણમાં તળાવમાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામના તળાવમાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. નાયક પરિવારની મહિલાઓ કપડા ધોવા માટે તળાવ ગયા હતા. આ દરમિયાન પરિવારની બંને દીકરીઓ તળાવમાં ન્હાવા પડી હતી અને ઊંડા ભાગમાં પહોંચી ગયા બાદ ડૂબવા લાગી હતી. નાયક પરિવારની બે દીકરીઓના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
બનાવને પગલે ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિક તરવૈયાઓએ બન્ને માસુમના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પોરબંદરમાં તોફાની દરિયામાં એક યુવાન ડૂબ્યો
પોરબંદરમાંથી પણ એક યુવકના ડૂબવાની ઘટના સામે આવી રહી છે જેમાં તોફાની દરિયામાં એક યુવાન ડૂબ્યો હોવાની માહિતી મળી રહી છે. તોફાની દરિયામાં 4થી 5 યુવાનો નહાવા માટે ઉતર્યા હતા તેમાંથી એક યુવાન ડૂબ્યો હોવાની માહિતી મળી રહી છે. ચોપાટી લોડસ હોટલ પાછળ નહાવા પડેલ યુવાન ડૂબ્યો હતો. . સાહિલ મલેક નામનો યુવાન 2 કલાકથી લાપતા હતો આખરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.